Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

આદિ શંકરાચાર્યની દક્ષિણ પીઠ શૃંગેરી ખાતે ભારત સ્વસ્તિક યાત્રા

પૂજ્ય મોરારી બાપુની પવિત્ર યાત્રા આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠોમાંની પ્રથમ પીઠ ખાતે શ્રદ્ધાપૂર્વક નમન કરે છે.

શૃંગેરી, કર્ણાટક | ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ | ભારત સ્વસ્તિક યાત્રા આજે શૃંગેરી પહોંચી હતી. આ સાથે પૂજ્ય મોરારી બાપુની રામકથા શ્રી શારદા પીઠમની પવિત્ર ભૂમિ પર યોજાઈ હતી. આ પીઠ પરંપરાગત રીતે આદિ શંકરાચાર્યજી સાથે સંકળાયેલી છે અને ભારતનાં અદ્વૈત વેદાંત તથા વૈદિક જ્ઞાનનાં અગ્રણી કેન્દ્રોમાંનું એક છે.

શૃંગેરી ખાતે આગમન કન્યાકુમારીથી કેદારનાથ તરફ આગળ વધી રહેલી યાત્રાના એક મહત્ત્વપૂર્ણ પડાવરૂપ છે. ભારતના દક્ષિણ છેડે આવેલા કન્યાકુમારીથી પ્રારંભ કરીને અને આદિ શંકરાચાર્યની જન્મભૂમિ તરીકે પરંપરાગત રીતે પૂજનીય કાલડી થઈને આ યાત્રા હવે તેમની અદ્વૈત પરંપરા સાથે સંકળાયેલી દક્ષિણ પીઠ શૃંગેરી પહોંચી છે.

પૂજ્ય મોરારી બાપુએ 12 ઑક્ટોબરના રોજ શૃંગેરી ખાતે રામકથાનું ગાન કર્યું હતું. આ સાથે તેમણે રામચરિતમાનસનો સંદેશ એવી પવિત્ર ભૂમિ સુધી પહોંચાડ્યો, જ્યાં સદીઓથી વેદાંત, સંસ્કૃતના અધ્યયન, ઉપાસના અને ગુરુ-શિષ્ય પરંપરાની અખંડ ધારા વહેતી રહી છે.

બાપુએ કહ્યું, “સ્વસ્તિક એ મંગલનું પ્રતીક છે અને જોડાયેલા હાથનું પણ પ્રતીક છે—એવા હાથ, જે સૌને હૃદયથી આવકારે છે અને સૌને એકતાના સૂત્રમાં બાંધે છે. તેની ભાવના સહિયારાપણું, મંગળમયતા અને સર્વના કલ્યાણમાં રહેલી છે. ઇન્દ્ર, સૂર્ય, ગરુડ અને ગુરુ સાથે સંકળાયેલા મંગળનાં ચાર સ્વરૂપો હનુમાનજીમાં પ્રતિબિંબિત થાય છે. ભારત સ્વસ્તિક યાત્રા સૌને સંવાદિતા અને સદ્ભાવનાથી એકસાથે જોડે એવી મંગલકામના.”

બાપુએ શ્રી શૃંગેરી શારદા પીઠમની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી ભારતી તીર્થ મહાસન્નિધાનમ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને આધ્યાત્મિક મહાનુભાવો વચ્ચે ઉષ્માભર્યો અને ભાવપૂર્ણ સંવાદ થયો હતો. આ પ્રસંગે બંનેએ જૂના સમયની સ્મૃતિઓને પણ વાગોળી હતી.

આદિ શંકરાચાર્યજી સાથે સંકળાયેલા આધ્યાત્મિક વારસામાં શૃંગેરીનું વિશિષ્ટ સ્થાન છે. પરંપરા અનુસાર, આદિ શંકરાચાર્યજીએ અહીં લાંબો સમય વિતાવ્યો હતો અને શારદા પીઠમની સ્થાપના કરીને તેના સંચાલનની જવાબદારી પોતાના શિષ્ય સુરેશ્વરાચાર્યજીને સોંપી હતી. ત્યારબાદ આ પીઠમ અદ્વૈત વેદાંત, વૈદિક વિદ્વત્તા અને આધ્યાત્મિક જ્ઞાનના એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસિત થઈ હતી.

શૃંગેરી શારદા પીઠમના શંકરાચાર્યએ ભારત સ્વસ્તિક યાત્રાના પ્રારંભ પ્રસંગે કન્યાકુમારી ખાતે પોતાના પ્રતિનિધિને મોકલ્યા હતા. આ રીતે આ ઐતિહાસિક યાત્રાના પ્રારંભમાં આદિ શંકરાચાર્યજી સાથે સંકળાયેલી આધ્યાત્મિક પરંપરાને સ્થાન મળ્યું હતું. આ પ્રસંગે આધ્યાત્મિક આગેવાનો, મહાનુભાવો, શ્રદ્ધાળુઓ અને સ્થાનિક સમુદાયના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ યાત્રાની પ્રથમ રામકથાનો પ્રારંભ શૃંગેરી શારદા પીઠમના પ્રતિનિધિઓ દ્વારા સ્વસ્તિ વાચન સાથે થયો હતો. આ મંગલાચરણ દ્વારા યાત્રાની સુખદ અને સફળ સફર માટે મંગળકામનાઓ કરવામાં આવી હતી અને આશીર્વાદની પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ શૃંગેરી શારદા પીઠમના શંકરાચાર્ય વતી શ્રી આનંદજીનો વિશેષ વીડિયો સંદેશ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. તેમણે ભારત સ્વસ્તિક યાત્રા અને તેના આધ્યાત્મિક તથા રાષ્ટ્રીય એકતાના વ્યાપક ઉદ્દેશ્ય માટે આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ જોડાણ આદિ શંકરાચાર્યના વારસાના સંદર્ભમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. પરંપરા અનુસાર, આદિ શંકરાચાર્યજીને ભારતની ચારેય દિશાઓમાં આવેલી ચાર મુખ્ય પીઠો સાથે સાંકળવામાં આવે છે—દક્ષિણમાં શૃંગેરી, પશ્ચિમમાં દ્વારકા, પૂર્વમાં પુરી અને ઉત્તરમાં જ્યોતિર્મઠ. આ ચારેય પીઠો મળીને સમગ્ર દેશમાં વિસ્તરેલી આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક એકતાનું પ્રતિનિધિત્વ કરે છે.

આ યાત્રા પણ ભારતની આ વિશાળ સાંસ્કૃતિક અને સભ્યતાગત પરંપરામાંથી પસાર થઈ રહી છે. યાત્રાના પ્રથમ તબક્કાનો પ્રારંભ 10 ઑક્ટોબરના રોજ કન્યાકુમારીથી થયો હતો અને તે 23 ઑક્ટોબરના રોજ કેદારનાથ ખાતે પૂર્ણ થશે. આ દરમિયાન યાત્રા અનેક મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્રોમાંથી પસાર થઈ રહી છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય ભારતની વિવિધ પરંપરાઓ અને પવિત્ર સ્થળોને ભારતની એક વિશાળ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ગાથામાં એકસાથે જોડવાનો છે.

ભારત સ્વસ્તિક યાત્રા દરમિયાન પૂજ્ય મોરારી બાપુની સાથે આશરે 900 શ્રદ્ધાળુઓ 9,000 કિલોમીટરની યાત્રા કરશે. આ યાત્રા માટે બે વિશેષ ટ્રેનો—કૈલાશ ભારત ગૌરવ ટ્રેન અને ચિત્રકૂટ ભારત ગૌરવ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અનુક્રમે 22 અને 16 કોચનો સમાવેશ થાય છે.

ભારત સ્વસ્તિક યાત્રાનું આયોજન સંતકૃપા સનાતન સંસ્થાન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ યાત્રા વિવિધ ક્ષેત્રો અને જીવનના વિવિધ વર્ગો સાથે સંકળાયેલા શ્રદ્ધાળુઓ તથા લોકોને એકસાથે લાવી રહી છે.

મિરાજ ગ્રૂપના ચેરમેન અને સંતકૃપા સનાતન સંસ્થાનના મેનેજિંગ ટ્રસ્ટી મદન પાલીવાલે જણાવ્યું હતું કે, “શૃંગેરી એક એવી જીવંત પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે, જેણે પેઢી દર પેઢી આદિ શંકરાચાર્યના ઉપદેશોને આગળ ધપાવ્યા છે. ભારત સ્વસ્તિક યાત્રાને આ પવિત્ર પીઠ સુધી લાવવી અમારા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ અને અર્થપૂર્ણ બાબત છે. આના દ્વારા યાત્રાને એવી પરંપરા સાથે જોડાવાની તક મળે છે, જે જ્ઞાન, વિદ્યાભ્યાસ અને ગુરુ-શિષ્ય પરંપરાનું જતન કરતી રહી છે. આ અવિરત આધ્યાત્મિક વારસાનો ભાગ બનવું અમારા માટે ગૌરવની વાત છે.”

શૃંગેરી ખાતે પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિ ભારતના આધ્યાત્મિક વારસાનાં બે મહત્ત્વપૂર્ણ આયામોને એકસાથે જોડે છે—રામાયણ અને રામચરિતમાનસની પરંપરા તથા આદિ શંકરાચાર્યજી સાથે સંકળાયેલી અદ્વૈત વેદાંતની પરંપરા.

કન્યાકુમારીથી કાલડી અને હવે શૃંગેરી સુધીની આ યાત્રા દક્ષિણ ભારતના વિશિષ્ટ આધ્યાત્મિક નકશાને ક્રમશઃ આવરી રહી છે અને ત્યારબાદ ઉત્તર ભારતના હિમાલય તરફ આગળ વધશે. શૃંગેરીમાંથી પસાર થવું આ યાત્રામાં એક વધુ મહત્ત્વપૂર્ણ અધ્યાય ઉમેરે છે. આ એવી પવિત્ર પીઠ છે, જેણે પેઢી દર પેઢી અદ્વૈત પરંપરા અને આદિ શંકરાચાર્યના વારસાનું જતન કર્યું છે.

પૂજ્ય મોરારી બાપુની રામકથાઓ હંમેશાં સત્ય, પ્રેમ અને કરુણા — આ મૂલ્યોનો સંદેશ આપતી રહી છે. તેમના માટે આ યાત્રા આ મૂલ્યોને સમગ્ર ભારતની યાત્રા દ્વારા વધુ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયાસ છે. યાત્રા દરમિયાન યોજાતી રામકથા અને અન્ય કાર્યક્રમો સૌના માટે ખુલ્લા છે. આ ઉપરાંત, દરેક સ્થળે પ્રસાદરૂપે શાકાહારી સામૂહિક ભોજન એટલે કે ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે.

== સમાપ્ત ==

Related posts

તતક્ષણ જે સાધુસંગ કરે છે એને તક્ષક કંઈ કરી શકતો નથી

Master Admin

મનને ધોવા માટે બે જ ઉપાય છે : બુદ્ધપુરુષની વાણી અને આપણી આંખનું પાણી.

Master Admin

સત્યનો વિચાર, ઉચ્ચાર અને સ્વિકાર-એ મહાદેવનું ત્રિપુંડ છે.

Master Admin

Leave a Comment

Translate »