Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
editorial

પરમ અસ્તિત્વનો એક સ્વભાવ એ છે-સાધુ, તમામ દ્વંદોમાં પણ સ્થિર રહે એ મુનિ.

સત્યની સાધનાને કારણે ક્યારેય ભય ના અનુભવે,એ સ્થિર બુદ્ધિવાળો મુનિ છે.

વૈષ્ણવ પાસે ત્રણ વસ્તુ હોવી જોઈએ:વિવેક,ધૈર્ય અને આશ્રય.

ત્યાગ મતલબ કંઈ છોડવું નહીં,શ્રેષ્ઠને પકડી લેવું એ ત્યાગ છે.

“મને ત્રણ ખૂણાઓ મળ્યા છે:ઘરનો ખૂણો-જ્યાં હું માનસ ભણતો હતો,રામજી મંદિરનો ખૂણો-જ્યાં દાદા બેસતા અને સાવિત્રીમા ની આંખનો ખૂણો-આ ત્રણેય ખૂણાઓએ મને ધન્ય બનાવ્યો છે.”

યમુનાજીનાં તટ પર વસેલી આધ્યાત્મિક- ઐતિહાસિક નગરી અગ્રવન-આગ્રા ખાતે ગવાઇ રહેલી રામકથા જ્યારે સોમવારે સાતમા દિવસમાં સાધુ વિશેની વાત કરતા કહ્યું કે સાધુ એક સ્વભાવ છે.પરમ અસ્તિત્વનો એક સ્વભાવ એ છે-સાધુ. ગોસ્વામીજી કહે ત્યારે બળ મળે છે:

સરલ સુભાવ ન મન કુટિલાઇ;

જથા લાભ સંતોષ સદાઇ.

ગીતામાં મુનિ અને ઋષિની લગભગ ૨૦ વખત વ્યાખ્યાઓ દેખાય છે.

કેટલું પણ દુઃખ પડે છતાં ક્યારે ઉદ્વેગ ન આવે, સુખમાં જે છલકે નહીં,જે રાગ,ભય અને ક્રોધથી મુક્ત રહે એ મુનિ છે.

સત્યની સાધનાને કારણે ક્યારેય ભય ના અનુભવે એ સ્થિર બુદ્ધિવાળો મુનિ છે.

બધાનાં કલ્યાણ માટે જીવન જીવતો હોય,કોઈ દોષ કોઈ અવઢવ-દ્વિધા ન આવે ને બધાનાં શુભ માટે જે શ્વાસ લેતો હોય એને ઋષિ કહીએ છીએ.

શ્રીમન મહાપ્રભુજી કહે છે:વૈષ્ણવ પાસે ત્રણ વસ્તુ હોવી જોઈએ:વિવેક,ધૈર્ય અને આશ્રય.

ધૈર્યની કસોટી આપત કાળમાં થાય છે.બધા જ વિપરીત ચાલે ત્યારે ધૈર્યની કસોટી થતી હોય છે.

રામ માટે ‘રણ રંગધીર’ શબ્દ છે.જે સમાજના દ્વંદોની વચ્ચે પણ પોતાની સ્થિતિ ટકાવી રાખે એ-રામ-જે રણમાં પણ ધીર રહે છે.

આ પણ ન થઈ શકે તો કોઈ મહાપુરુષનો આશ્રય કરવો.ત્યાગ તપ વગર થતું નથી,ત્યાગ શ્રેષ્ઠને પકડ્યા વગર આવતો નથી.

ત્યાગ મતલબ કંઈ છોડવું નહીં,પણ શ્રેષ્ઠને પકડી લેવું એ ત્યાગ છે.રામનામ,રામકથા પકડો એ ત્યાગ છે.

ભગવાન બુદ્ધે આઠ પ્રકારની સમ્યકતા-સમ્યક વચન,સમ્યક આહાર,સમ્યક વિહાર,સમ્યક વ્યાયામ કહીને બતાવ્યું કે જેનામાં આ છે એ બુદ્ધ કથિત સાધુ છે.મધ્યની મહિમા બતાવી છે.

આપણે સપ્તર્ષિની વાત કરી,દેવર્ષિ નારદ પણ ઋષિ છે.અર્વાચીન ભારતના ઋષિઓમાં સનાતન ધર્મનાં એક પુસ્તકમાં જ્યાં સૌથી પહેલું નામ ભરદ્વાજ ઋષિનું લખ્યું છે.

બાપુએ કહ્યું કે મને ત્રણ ખૂણાઓ મળ્યા છે:એક ઘરનો ખૂણો-જ્યાં હું માનસ ભણતો હતો,બીજો રામજી મંદિરનો ખૂણો-જ્યાં દાદા બેસતા અને ત્રીજો સાવિત્રીમા ની આંખનો ખૂણો-આ ત્રણેય ખૂણાઓએ મને ધન્ય બનાવ્યો છે.

અનુભવીને એટલું કાયમ આનંદમાં રહેવું;

સમરવાં શ્રી હરિ ને કોઇને કાંઇ ન કહેવું.

ભરદ્વાજની બે વિશેષતા હતી:શરીર ચિકિત્સા અને વ્યાકરણનાં આચાર્ય હતા.બીજા કુંભજ-અગત્ય જન્મ ઘડામાંથી થયો પણ ત્રણ અંજલિમાં આખો સાગર પી ગયા.સંખ્યાચાર્ય કપિલ મુનિ તેમજ સુશ્રુત જેણે સુશ્રુતસંહિતા અને ચરક જેણે ચરકસંહિતાની રચના કરી.કશ્યપનું નામ પણ સંહિતા સાથે જોડાયેલું છે.સ્મૃતિકાર મનુ-જે આપણો આદિપુરુષ છે.મનુથી જન્મ્યા આપણે મનોજ-મનુષ્ય કહેવાયા. વચ્ચેનાં ગાળામાં એણે રચેલા શાસ્ત્રમાં કોઈએ ક્ષેપક નાખીને મનુને પણ બદનામ કરાઈ રહ્યા છે.

આધુનિક ઋષિઓમાં બુદ્ધકાળમાં નાગાર્જુન-જે રસાયણશાસ્ત્રી હતો.શૂન્ય પર સંશોધન કર્યું હતું.

આ રીતે શ્રાદ્ધપક્ષ આવી રહ્યો છે ત્યારે ઋષિઓનું સ્મરણ કરીને એડવાન્સમાં શ્રાદ્ધ કરીએ.

રામજન્મ પછી અયોધ્યામાં ઉત્સવ બાદ નામકરણ સંસ્કાર થયા.રામ આદિ-અનાદિ છે પણ દશરથને ઘરે આવ્યા એ સગુણ અવતારનું નામ રામ અપાયુ. ચારે ભાઈઓનાં વૈશ્વિક નામ વશિષ્ઠ દ્વારા રખાયા. એ પછી વિશ્વામિત્ર સાથે રામની યાત્રા-જે જન્મથી લઈ સીતા રૂપી શક્તિ,શાંતિ,શ્રદ્ધાની શોધમાં જાય છે ત્યારે પિતાજીનાં સ્નેહ રૂપી પહેલું વિઘ્ન,રાક્ષસી દ્વારા બીજું વિઘ્ન આવે છે.જનકપુરીમાં લીલા,ધનુષ્ય ભંગ વગેરે પ્રસંગ બાદ વિશ્વામિત્રની અયોધ્યાથી વિદાય બાદ બાલકાંડનું સમાપન થયું.

 

કથા-વિશેષ:

રામકથા બધી જ રીતે અમૂલ્ય છે,છતાં પણ બિલકુલ ફ્રી છે.

કથાના આરંભે એક વિનય ભરી સ્પષ્ટતા કરતા બાપુએ જણાવ્યું કે ઘણા લોકો એવું સમજે,માને છે અથવા પ્રચાર કરે છે કે બાપુની કથામાં આગળ બેસવાનો ૫૦૦૦ રૂપિયા ચાર્જ છે.આ બધી ભ્રામક વાતો છે.વાત ખૂબ આગળ વધી જાય ત્યારે સ્પષ્ટતા કરવી પડે છે.અહીં કોઈ ચાર્જ નથી.વ્યવસ્થા કે નિયુક્તિ પણ હું કરતો નથી.પોત-પોતાની રીતે જોડાતા હોય છે.આવું કશું હોતું હશે તો કોઈને પૈસા ન આપવા.મેં કોઈની નિયુક્તિ કરી નથી.

બાપુએ પોતાના કથા જીવનની શરૂઆતથી આજ સુધીમાં જે-જે ગાયકો,વાદકો આવ્યા એ વિશેની એક-એકને યાદ કરીને વાત કરી કે પ્રવાહમાં એક પછી એક લોકો આવતા ગયા અને જોડાતા ગયા.

૧૪ વર્ષની ઉંમરથી કથાની શરૂઆત કરી ત્યારથી એકલો જ આવતો-જતો રહ્યો છું.વ્યાસપીઠ કોઈને બાંધતી નથી.કોઈ નીકળી જવા ઈચ્છે તો એટલા જ સન્માનથી જઇ પણ શકે છે.

મુક્તિ વેચવા વાળા બધાને બાંધી રહ્યા છે,તિલકથી અને કંઠીથી બાંધતા હોય છે.

અહીં બેસવાનું,સાંભળવાનું કે ભોજનનો કોઈ ચાર્જ નથી.વ્યાસપીઠને એનાં મૂળ રૂપમાં તમે ક્યારે સમજશો?

આ રામકથા બધી જ રીતે અમૂલ્ય છે,એને કોઈ ખરીદી શકે એમ નથી છતાં પણ બિલકુલ ફ્રી છે.

== સમાપ્ત ==

Related posts

ભારતીય અર્થતંત્રના સુવર્ણકાળ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચેના પડકારો : રોકાણકારો માટે વિગતવાર પૃથ્થકરણ

Master Admin

ડિજિટલ ભારતનું નવું સુરક્ષા કવચઃ સોશિયલ મીડિયા માટે કડક આચારસંહિતા અનિવાર્ય

Master Admin

વિશ્વમાં ગુંજ્યો ભારતનો યોગ સંદેશ

Master Admin

Leave a Comment

Translate »