Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

ભાગવત ગજબ શાસ્ત્ર છે, રામાયણ અજબ શાસ્ત્ર છે.

નામનો આશ્રય ખૂબ કરો,નિરંતર કરો.
કળિયુગ દોષનો ભંડાર કહેવાય છે,પણ એકમાત્ર ગુણ છે કે નામથી મુક્તિ પ્રાપ્તિ થાય છે.
નામ,નામીને પરાધિન કરી દે છે.
શુક જ આપણું સુખ છે.
શોક મટી જાય ત્યારે શુક વધે છે.
માણસમાં શોકથી ત્રણ વસ્તુ છૂટી જાય છે:જ્ઞાન,ધૈર્ય અને લજ્જા.
શોકની જગ્યાએ શ્લોક આવી જાય તો જ્ઞાન વિજ્ઞાનમાં પરિવર્તિત થઈ જાય છે.

અવધૂત શિરોમણિ શુકદેવજીની પરમ ચેતનાઓ ભરી શુક્રતાલની ભૂમિ પર વહી રહેલી રામકથાની ધારા ગુરુવારે છઠ્ઠા દિવસમાં પ્રવેશી ત્યારે શુકદેવજીની સાથે-સાથે જેને નિતાંત દ્રઢાશ્રય થયો છે એવા રાજર્ષિ પરીક્ષિતને પણ પ્રણામ કરીને કહ્યું કે ભાગવતમાં સ્વર્ગ,સર્ગ-વિસર્ગ,અપવર્ગ,આશ્રય વગેરે મળીને દસ વસ્તુઓ વિશે પૂછાયું છે.જોકે ભાગવતના વિદ્વાનો આનો વ્યવસ્થિત ઉત્તર દઈ શકે કારણ કે વિદ્વાનોની પરીક્ષા ભાગવતમાં થાય છે. પણ આ ૧૦માંથી એકમાત્ર આશ્રય વિશે થોડુંક તમને કહું.જો આશ્રય નહીં હોય તો સ્વર્ગ,સર્ગ, વિસર્ગ,અપવર્ગ પણ કામ નહીં આવે.મહાપુરુષો પાસે સાંભળીને તમારી રુચિમાં બેસે તો ઠીક છે. બાકી એકમાત્ર આશ્રય જરૂરી છે.

આશ્રય નવ પ્રકારના છે:એક-નામાશ્રય.નામનો આશ્રય.નામનો આશ્રય ખૂબ કરો,નિરંતર કરો.જે નામમાં રુચિ હોય.કળિયુગ દોષનો ભંડાર કહેવાય છે પણ એકમાત્ર ગુણ છે કે નામથી મુક્તિ પ્રાપ્તિ થાય છે.આ ખૂબ જ સરળ આશ્રય છે.આપના બુદ્ધ પુરુષનાં નામનો આશ્રય.

શુકદેવજી જ્યારે જઇ રહ્યા હતા ત્યારે પરીક્ષિતે કૃષ્ણનાં ગુણગાન પણ નહીં માત્ર શુક,શુક અને શુક બોલે છે.શુક જ આપણું સુખ છે.શોક મટી જાય ત્યારે શુક વધે છે.

માણસમાં શોકથી ત્રણ વસ્તુ છૂટી જાય છે:જ્ઞાન,ધૈર્ય અને લજ્જા.શોકની જગ્યાએ શ્લોક આવી જાય તો જ્ઞાન વિજ્ઞાનમાં પરિવર્તન થઈ જાય છે.જો કે જ્ઞાન વિજ્ઞાન સાપેક્ષ છે.માણસ વિજ્ઞાન વિષારદ થઈ જાય છે.બીજું-અશ્રુધારા આશ્રય છે.પણ બળપૂર્વક નહીં ભાવ જાગે અને નામને કારણે આંખમાંથી આંસુ આવી જાય.જેની પાસે નામ આવી ગયું,નામીને ક્યારેક ને ક્યારેક આવવું જ પડશે.નામ નામીને પરાધિન કરી દે છે.અશ્રુ આશ્રયનું શાસ્ત્રીય નામ છે: જલાશ્રય.ખુબ ભજન કરતા-કરતા શરીરમાંથી પરસેવો આવી જાય,આંસુ આવી જાય.ત્રીજું છે:

થલાશ્રય-એકાંતમાં એક સ્થાન ઉપર બેસીને જપ કરવો.ચોથું:રૂપ આશ્રય-પરમનું રૂપ સતત ધ્યાનમાં આવે.પાંચમું છે:ધામ આશ્રય-સંકલ્પ કરીને કોઈના ધામમાં બેસી જવું.છઠ્ઠું:ગુરુએ આપેલી કોઈ ચીજનો આશ્રય.
ભાગવત ગજબ શાસ્ત્ર છે,રામાયણ અજબ શાસ્ત્ર છે.

સાતમું છે:વિવેકનો આશ્રય.
બિનુ સતસંગ બિવેક ન હોય;
રામ કૃપા બીનું સુલભ ન સોય.
સૌથી શ્રેષ્ઠ આશ્રય છે:કથાનો આશ્રય.
કથા પ્રવાહમાં રામનું જનકપુરમાં નગર દર્શન.

રામે શીલથી અયોધ્યાને,રૂપથી જનકપુરીને અને બળથી લંકાપુરીને વશ કરી હતી.
સીતાજી પણ બાગમાં પ્રવેશ કરે છે એ આખો પ્રસંગ સીતાજીનું દર્શન તેમજ એની ભવાનીની પૂજા અને રામ-લક્ષ્મણનું એ વખતે ગુરુપૂજા માટે ફૂલ લેવા જવું.ગૌરીપૂજા પ્રસંગનું રસાળ ગાયન વર્ણન થયું.સિતારામજી સહિત ચારે ભાઇઓનાં વિવાહ,કન્યાવિદાય તથા અયોધ્યાની સમૃધ્ધિ બાદ વિશ્વામિત્રની અયોધ્યાથી વિદાય સાથે બાલકાંડનું સમાપન થયું

Box:
કથા જો સત્સંગ છે તો વિવેક કેમ નથી આવતો? બાપુએ કથા પંડાલમાં થતી રોજની માથાકૂટ પ્રત્યે સંકેત કરીને કહ્યું કે આટલો ઝઘડો શું કામ!આ શું તમાશો છે?મારી મહેનત તો જુઓ! હું ઘર ફૂંકીને નીકળી ગયેલો છું.વરસોથી એકલો ઘૂમી રહ્યો છું. એક હોસ્પિટલમાં એવી વ્યવસ્થા હતી કે કોઈ દર્દી આવે ત્યારે ડોક્ટર તપાસ કરીને ચિઠ્ઠી લખે.પહેલા રૂમમાં એણે દર્દીને જોયો અને ચિઠ્ઠી લખી કે બે દિવસમાં સારું થઈ જશે,દવા ચાલુ છે.બીજા ઓરડામાં દર્દી સૂતો હતો ત્યાં ડોક્ટરે ચિઠ્ઠી લખી કે દર્દીની તપાસ કરી લીધી છે,દવા ચાલુ છે,પાંચ-છ દિવસમાં સારું થઈ જશે.ત્રીજા ઓરડામાં ચિઠ્ઠી લખી કે તપાસ કરી છે,આનો કોઈ ઈલાજ નથી. પહેલા રૂમમાં જે દર્દી હતો એને સાપે ડંખ આપ્યો હતો પણ ડોક્ટરે જોયું અને બે-ત્રણ દિવસમાં એનું ઝેર ઉતરી જશે એવી દવા આપી.બીજા ઓરડામાં જે હતો એને એક હડકાયું કૂતરું કરડેલું.ડોક્ટરે ચેક કર્યું અને જોયું કે પાંચ સાત દિવસમાં એ પણ સાજો થઈ જશે.પણ ત્રીજા રૂમમાં જે હતો એ માણસને બીજા એક માણસે બટકું ભરી લીધેલું!જેનો કોઈ ઈલાજ નથી.

કદાચ હું ત્યાં જાઉં અને કોઈ પૂછે કે એનો ઈલાજ તો એક જ ઈલાજ છે:કરુણા.વર્ષોથી હું પણ મહેનત કરી રહ્યો છું.
ક્યારેક બાપુએ કહેલું પણ ખરું કે રામકથા શરૂ થતા પહેલા મંડપમાં મહાભારત સર્જાતું હોય છે.

Related posts

૨૨ અને ૨૩ એપ્રિલે અંબાજી ગબ્બરના દર્શન રહેશે બંધ

Master Admin

જીવનમાં એક વાર મૂળ મહાભારતનું અવલોકન – સ્વાધ્યાય અવશ્ય કરજો

Master Admin

બદરી કેદારનાથ ધામમાં વિશેષ પૂજા માટે ફી વધારવાની તૈયારીઓ

Master Admin

Leave a Comment

Translate »