Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

શિવ સંકલ્પમાં શબ્દ,સ્પર્શ,રૂપ,રસ અને ગંધ છે.

ઘણી વખત એશ્વર્ય પામ્યા પછી આપણે દુર્ગંધી બની જઈએ છીએ.
આપણી ઋચિની પણ એક સુગંધ હોય છે.
જેને મળી ગયું છે એ વહેંચ્યા વગર રહી જ ન શકે.

સગાપરાની ધાર પાસેનાં સ્વયંભૂ જડેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં,જ્યાં તપની અનેક ધારાઓ વહે છે એ પાલિતાણાથી શરૂ થયેલી રામકથા રવિવારે બીજા દિવસમાં પ્રવેશી ત્યારે બાપુએ જણાવ્યું કે શિવ સંકલ્પ મૂળ તો વૈદિક મંત્રનો ટુકડો છે.બે અર્થ છે: શિવ પોતે સંકલ્પ કરે છે અને બીજું જગત કલ્યાણ માટે સંકલ્પ થયો છે.આપણે ત્યાં વેદની અંદર ૧૦ પ્રકારની સુગંધનું વર્ણન છે,મહાભારતમાં પણ ૧૦ પ્રકારની સુગંધ કહી છે.કીર્તિની,સ્વભાવની જીવનની સુવાસ વગેરે.અથર્વા ઋષિ કહે છે:

યસ્તે ગન્ધ: પુરૂષેષુ સ્ત્રીષુ
પુંસુ ભગો: ઋચિ:;
યો અશ્વેષુ વીરેષુ યો મૃગેષૂત હસ્તિષુ;
કન્યાયાં વર્ચો યદ્ ભૂમે તેનાસ્માં અપિ
સં સૃજ મા નો દ્વિક્ષત કશ્ચન

પૃથ્વીનો ગુણ ગંધ છે,આકાશનો ગુણ શબ્દ છે. પુરુષની પોતાની ગંધ હોય છે.પરસેવાની નહીં પણ આધ્યાત્મિક સુવાસ.કૃષ્ણમૂર્તિ પાસે જનારા કહેતા કે કોઈ જુદા જ પ્રકારની ખુશ્બુ એમનામાંથી આવે છે. પરમ પુરુષની ખુશ્બુ કેટલી ગુણાતિત હશે! ગામડાઓની સમાધિમાંથી ખુશ્બુ નીકળતી પણ કળિયુગે એનું કામ કર્યું એટલે હવે આપણે એ સુવાસ અનુભવી શકતા નથી.માતૃ શરીરની પણ એક ખાસ ગંધ હોય છે.બાળક એની માતાને ગંધ દ્વારા ઓળખી જાય છે.જગદંબાઓને પણ પોતાની એક સુગંધ છે.પશુઓની સુગંધ.ભગ એટલે ઐશ્વર્ય, પ્રભાવની પણ એક સુવાસ હોય છે.એશ્વર્ય પામ્યા પછી પ્રભાવની સુગંધ.ઘણી વખત એશ્વર્ય પામ્યા પછી આપણે દુર્ગંધી બની જઈએ છીએ.ભગવાન રામ,કૃષ્ણની કીર્તિ ત્રિભુવનમાં ફેલાઈ છે.ઋષિ સ્વભાવની સુગંધ અને આપણી પસંદગીની પણ એક સુગંધ હોય છે.કપડાં,હેર સ્ટાઇલ,ભોજન આપણી સંગત એ આપણી રુચિઓ છે.ઘોડાની એક સુગંધ હોય છે.વીર પુરુષોની ખુમારીની સુગંધ અને હરણની નાભિ કસ્તુરીની સુગંધ હોય છે.મને તો એવું સમજાય છે કે કસ્તુરી મૃગને નાભિની સુગંધની ખબર ન પડે એ માનવું થોડું કઠિન છે,પણ એ બધી જ દિશાઓમાં સુગંધ વહેંચવા સતત દોડે છે.જેને મળી ગયું છે એ વહેંચ્યા વગર રહી ન શકે.હાથીની અંદર મદ ઝરે એની વિશેષ સુગંધ હોય.કુમારીકાનાં કૌમાર્યની સુગંધ.અહીં લખ્યું નથી પણ સંયમ પૂર્વક જીવતા કુમારની પણ એક સુગંધ હોવી જોઈએ.ગંધ શબ્દને પકડીને વેદ આવી વાત કરે એ વિશેષ છે.જેણે શિવ સંકલ્પ કર્યો છે એની પાસે એક ગંધ હોય છે.ગંધર્વો સુગંધ જોઈને શિવ પાસે આવે છે. શિવે સંકલ્પ કર્યો.આકાશવાણી થઈ ત્યાં શબ્દ છે. આમ શિવ સંકલ્પમાં શબ્દ,સ્પર્શ,રૂપ,રસ અને ગંધ છે.

રામચરિત માનસનો પહેલો શિવ સંકલ્પ એ છે શિવ કહે મારે રામચરિતમાનસની રચના કરવી છે.

વંદના પ્રકરણમાં રામનાં કાર્યમાં મદદ કરનાર તમામની વંદનાઓ ક્રમશઃ કરી અને રામ નામની વંદના,નામ મહિમા પ્રકરણનું ગાન કરવામાં આવ્યું.

શેષ-વિશેષ:
એશ્વર્ય પામ્યા પછીનાં પ્રભાવની સુગંધ.
ડોક્ટર વીજળીવાળાએ એક પ્રસંગ લખ્યો છે: અબ્રાહમ લિંકન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા અને પહેલી વખત એની સંસદ મળી.સૌ બેઠા હતા એમાં ઈર્ષાળુઓ પણ હતા.એમાંથી એક માણસ ઉભો થઈ ને કહ્યું કે મિસ્ટર પ્રેસિડેન્ટ!આપ ભલે મોટા પદ પર પહોંચ્યા છો પણ,તમારા બાપદાદા અમારા જોડાં સિવવાનું કામ કરતા.ઉતારી પાડવા માટે આવું કહ્યું કારણ કે લિંકનના બાપદાદા મોચી હતા.પણ અબ્રાહમ લિંકને સવિનય જવાબ આપ્યો કે મને આનંદ થાય છે કે આ સેનેટમાં મારા પિતાને પણ યાદ કરી રહ્યા છો.મને પણ જોડાં સીવતા આવડે છે અને મારા બાપાએ સિવેલા બુટ આપને ક્યાંય કઠ્યા હોય તો હું આપની માફી માગું છું.તમારા બાળકોના બુટ સિવવા હોય તો હજી હું બેઠો છું!આ એશ્વર્ય પામ્યા પછી પ્રભાવની સુગંધ છે.

Related posts

ચારધામ મંદિરોમાં બિન-હિન્દુઓને પ્રવેશવા પર પ્રતિબંધ

Master Admin

પોરબંદર નજીક થયેલા અકસ્માતમાં માર્યા ગયેલાઓ પ્રતિ સંવેદના વ્યક્ત કરી સહાય મોકલતા મોરારિબાપુ

Master Admin

શંકરાચાર્યજીના પંચ દેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા – શ્રી મોરારિબાપુ

Master Admin

2 comments

Beckett4614 April 21, 2026 at 2:13 am Reply
Landon276 April 21, 2026 at 4:02 am Reply

Leave a Comment

Translate »