અનેક રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય
આ ઉપરાંત પાંચ કાર અને બે ભારે વાહનોને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા્,તા.૭ ઓગસ્ટ ૨૦૨૬ –– મહેસાણા-અમદાવાદ હાઇવે પર વરસાદ બાદ સર્જાયેલી બિસ્માર સ્થિતિ વાહનચાલકો માટે જીવલેણ બની રહી છે. ખાસ કરીને મહેસાણા મેવડ ચાર રસ્તાથી શિવાલા સર્કલ અને મેવડ ટોલ પ્લાઝા વચ્ચેના આશરે દોઢ કિલોમીટરના વિસ્તારમાં મોટા અને ઊંડા ગાબડાં પડતાં દરરોજ અકસ્માતનો ભય ઉભો થયો છે. છેલ્લા માત્ર ૧૫ દિવસમાં જ ૧૩ બાઇકચાલકો આ ગાબડાંના કારણે અકસ્માતનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પાંચ કાર અને બે ભારે વાહનોને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.વરસાદ બાદ રોડની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. હાઇવે પર એક પછી એક મોટા ગાબડાં સર્જાતા વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદ દરમિયાન ગાબડાં દેખાતા ન હોવાથી અકસ્માતની સંભાવના અનેકગણી વધી જાય છે. રોજ હજારો વાહનો પસાર થતા આ માર્ગ પર લોકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે.
સ્થાનિક રહીશો અને નિયમિત અવરજવર કરતા વાહનચાલકોનો આક્ષેપ છે કે છેલ્લા બે અઠવાડિયાથી માર્ગ અને મકાન વિભાગ તેમજ સંબંધિત અધિકારીઓને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. છતાં આજદિન સુધી ગાબડાં પુરવા કે કામચલાઉ સમારકામ કરવા માટે પણ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ ઉદાસીનતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ હાઇવેના કેટલાક ભાગોમાં એટલા મોટા ગાબડાં પડી ગયા છે કે વાહનોને અચાનક બ્રેક મારવી પડે છે અથવા લેન બદલવી પડે છે, જેના કારણે પાછળથી આવતા વાહનો સાથે અથડામણનો ખતરો પણ વધ્યો છે. ખાસ કરીને બાઇકચાલકો માટે આ માર્ગ સૌથી વધુ જોખમી સાબિત થઈ રહ્યો છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે. જેના કારણે હાલના ગાબડાં વધુ ઊંડા અને પહોળા બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકો અને વાહનચાલકોની માંગ છે કે કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલાં જ તંત્ર તાત્કાલિક સમારકામ હાથ ધરે અને હાઇવેને ફરી સલામત બનાવે. લોકોનું કહેવું છે કે અકસ્માત બાદ કાર્યવાહી કરવાને બદલે સમયસર રસ્તાનું સમારકામ કરવામાં આવે તો અનેક નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય. હાલ સમગ્ર વિસ્તારમાં તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

