એસઓજીએ બે મુસાફરોને એરપોર્ટ પર પહોંચાડ્યા
મળેલા ૫૫ રેસ્ક્યૂ કોલમાં ફાયરની ટીમે ૧૨૩ લોકોનું રેસ્ક્યૂ કરીને સહીસલામત સ્થળે ખસેડ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૫ જુલાઈ ૨૦૨૬ — શહેરમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં પાલડી કંટ્રોલ રૂમ તરફથી મળેલા ઇમરજન્સી કોલ બાદ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક હરકતમાં આવીને સાબરમતી, છારાનગર અને રબારીવાસ વિસ્તારમાં એક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે વરસાદને કારણે સાબરમતી, છારાનગર અને રબારીવાસના ઘરોમાં કમરબૂડ પાણી ભરાઈ ગયા હતા. પરિસ્થિતિ એટલી વિકટ બની હતી કે સ્થાનિક રહીશો પોતાનો જીવ બચાવવા માટે ઘરના ઉપરના માળે તેમજ ધાબા પર ચડી જવા મજબૂર બન્યા હતા.ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બોટ તેમજ રેસ્ક્યૂ સાધનોની મદદથી ધાબે ફસાયેલા તમામ લોકોને સહી-સલામત બહાર કાઢ્યા હતા. તમામ લોકોને સુરક્ષિત રીતે તેમના સ્થાનિક સગા-સંબંધીઓ અને આશ્રયસ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે.શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે. ઠેર-ઠેર ઝાડ પડવાથી દીવાલ તથા મકાન ધરાશાયી થવાના અને આગ લાગવા સહિતના બે દિવસમાં ફાયર બ્રિગેડને ૧૮૦ જેટલા ઇમરજન્સી કોલ મળ્યા છે. મોટાભાગના કોલ પશ્ચિમ વિસ્તારમાંથી આવ્યા છે. મળેલા ૫૫ રેસ્ક્યૂ કોલમાં ફાયરની ટીમે ૧૨૩ લોકોનું રેસ્ક્યૂ કરીને સહીસલામત સ્થળે ખસેડ્યા છે.વરસાદ અને પવનના કારણે છેલ્લા બે દિવસમાં શહેરના અલગ-અલગ વિસ્તારમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થયાં હતાં. જેમાં કુલ ૯૦ વૃક્ષો ધરાશાયી થતાં રસ્તાઓ જામ થઈ ગયા હતા. ફાયર વિભાગને કોલ મળતાં જ તાત્કાલિક આ ઝાડ કાપીને રસ્તો ક્લિયર કર્યો હતો. આ ઉપરાંત વીજ થાંભલા, ઇલેક્ટ્રિક ડીપી અને ઘરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાના ૧૮ કોલ મળ્યા હતા, જ્યારે સ્લેબ કે દીવાલ ધરાશાયી થવાના કુલ ૧૭ કોલ મળ્યા હતા. અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વરસાદમાં રોડ પર ઉતરી ગયા હતા. જેને પગલે શહેરભરની પોલીસ પણ કામગીરીમાં લાગી ગઇ હતી ત્યારે જ અમદાવાદ એસઓજીની ટીમે એરપોર્ટ જવા નીકળેલા પરંતુ માર્ગમાં આટવાયેલા બે મુસાફરોને એરપોર્ટ પહોંચાડ્યા હતા. જોકે શહેર પોલીસે પણ ઘણા મુસાફરોને એરપોર્ટ અને એરપોર્ટથી ઘરે જવાની વ્યવસ્થા કરી આપી હતી.અમદાવાદ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બે મુસાફરો મળ્યા હતા. જેમને એરપોર્ટથી મુંબઇ અને બેંગલોર જવાનું હતું. તેમને એરપોર્ટ પહોંચાડવા માટે કોઇ વાહન મળતું નહોતું ત્યારે જ પોલીસે પોતાની પ્રાઇવેટ ગાડીમાં તેમને એરપોર્ટ પહોંચાડ્યા હતા. પોલીસની આવી કામગીરીથી પ્રભાવિત થયેલા મુસાફરોએ પોલીસનો આભાર માન્યો હતો. આ તો થઇ એક ઘટના પરંતુ દિવસ દરમિયાન ઘણા મુસાફરોને પોલીસે એરપોર્ટ પહોંચાડ્યા હતા જ્યારે એરપોર્ટ પોલીસે પણ એરપોર્ટ પર અટવાયેલા મુસાફરોને તેમના ઘરે કે ઘર નજીક પહોંચાડ્યા હતા.

