અમદાવાદ, ગુજરાત | ૦૪ ઓક્ટોબર ૨૦૨૬ | કરાટે ડો ફેડરેશન–ગુજરાત (KDFG) દ્વારા આયોજિત તથા કરાટે એસોસિએશન ઓફ અમદાવાદ દ્વારા હોસ્ટ કરવામાં આવતી “ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશિપ–2026”નું આયોજન અમદાવાદના વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ 29 જિલ્લાઓમાંથી આશરે 1500 જેટલા ખેલાડીઓ ભાગ લેવા આવી રહ્યા છે. સબ જુનિયર, કેડેટ, જુનિયર, U-21 અને સિનિયર કેટેગરીમાં ખેલાડીઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે.
આ સ્પર્ધાની વિશેષતા એ છે કે તેમાં વર્લ્ડ લેવલ, એશિયા લેવલ અને નેશનલ લેવલના અનુભવી રેફરી તથા નિર્ણાયકો નિર્ણાયક ભૂમિકા ભજવશે, જેના કારણે સ્પર્ધાનું આયોજન ઉચ્ચ સ્તરના નિયમો અને માપદંડો સાથે કરવામાં આવશે.
કરાટે ડો ફેડરેશન–ગુજરાત (KDFG)ના પ્રેસિડેન્ટ કલ્પેશ ખત્રી દ્વારા આ સ્પર્ધાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. સંસ્થા ગુજરાત સરકારના રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલી માન્યતા ધરાવતી સંસ્થા તરીકે કાર્યરત છે.
અમદાવાદ કરાટે એસોસિએશનના પ્રેસિડેન્ટ કમલેશ પટેલ અને જનરલ સેક્રેટરી પૂર્વાંગ નાયક દ્વારા આ ટુર્નામેન્ટ અમદાવાદ જિલ્લામાં હોસ્ટ થઇ રહી છે, આ ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બનનારા ખેલાડીઓને આગળ વેસ્ટ ઝોન લેવલની સ્પર્ધા માટે જયપુર, રાજસ્થાન ખાતે રમવાની તક મળશે. તેથી ગુજરાતના ખેલાડીઓ માટે આ સ્પર્ધા રાજ્ય કક્ષાથી આગળ વધીને ઝોનલ સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરવાની મહત્વપૂર્ણ તક બની રહેશે.
આ સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં કરાટે રમતને પ્રોત્સાહન આપવો, યુવા ખેલાડીઓને ઉચ્ચ સ્તરની સ્પર્ધાનો અનુભવ આપવો તથા પ્રતિભાશાળી ખેલાડીઓને આગળ વધવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
== સમાપ્ત ==
