Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
entertainment

“School Days” : વ્યસન સામે લડતો એક સંવેદનશીલ સિનેમેટિક પ્રયાસ

ગુજરાત, અમદાવાદ | ૦૩ ફેબ્રુઆરી ૨૦૨૬ — આજના ડિજિટલ યુગમાં બાળકો અને ટીનેજર્સ મોબાઈલ એડિક્શન, ખોટી સંગત અને વ્યસનની ચુંગાલમાં ઝડપથી ફસાઈ રહ્યા છે. સિગરેટ, દારૂ અને ડ્રગ્સ જેવા ઘાતક વ્યસનો હવે નાની ઉંમરે જ જીવનને બરબાદ કરી રહ્યા છે. આ ગંભીર અને સંવેદનશીલ મુદ્દાને સમાજ સામે મૂકાશે એ જ હેતુથી બનેલી ગુજરાતી ફિલ્મ “School Days” એક મહત્ત્વપૂર્ણ પ્રયાસ છે.

ફિલ્મના પ્રોડ્યૂસર રાજેશ મેહતા જણાવે છે કે આ ફિલ્મ ભારતના ભવિષ્ય સમાન યુવાધનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. “આજના સમયમાં ખોટી સંગત અને મોબાઈલ એડિક્શન બાળકને ધીમે ધીમે વ્યસનની દિશામાં લઈ જાય છે. જ્યારે ટીનેજ બાળક ગેરમાર્ગે જાય ત્યારે તેને તરછોડવાની નહીં, પરંતુ સમજાવીને, માર્ગદર્શન આપીને પાછો લાવવાની જરૂર છે — એ જ વિચાર આ ફિલ્મની આત્મા છે,”

ફિલ્મમાં શિક્ષકો, માતા-પિતા અને સારા મિત્ર વર્તુળની ભૂમિકાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પ્રોડ્યૂસર મુજબ, બાળક જન્મથી ખરાબ હોતું નથી. તેને મળતી સંગત, ઘરનું વાતાવરણ અને માતા-પિતાનું ધ્યાન જ તેના વ્યક્તિત્વને ઘડે છે. “જો માતા-પિતા માત્ર કમાણીમાં વ્યસ્ત રહે અને સંતાનના રોજિંદા બદલાવ પર ધ્યાન ન આપે, તો સમસ્યા ઊભી થાય છે,” તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે.

શિક્ષણક્ષેત્ર સાથે લાંબા સમયથી જોડાયેલા પ્રોડ્યૂસર પોતાના અનુભવ શેર કરતાં કહે છે કે સ્કૂલ યુનિફોર્મમાં બાળકોને સિગરેટ પીતા જોઈને તેમને અંદરથી આંચકો લાગ્યો. “મેં વિચાર્યું કે ભાષણો અને લેખો કરતાં ફિલ્મ વધુ અસરકારક માધ્યમ છે. જો આ ફિલ્મ જોઈને ૧% કે ૫% લોકો પણ પોતાની વિચારસરણી બદલે, તો હું મારા પ્રયત્નને સફળ માનું,” તેમનું માનવું છે.

“School Days”ની વાર્તા પ્રોડ્યૂસર દ્વારા જાતે લખવામાં આવી છે. આ તેમની પ્રથમ પ્રોડક્શન ફિલ્મ હોવા છતાં, તેમણે બિઝનેસ કરતાં સમાજસેવાને પ્રાથમિકતા આપી છે. તેઓ સ્પષ્ટ કરે છે કે હાલ આ ફિલ્મથી નફો કમાવવાનો કોઈ ઉદ્દેશ નથી. “અમે આ ફિલ્મ ઓછી ટિકિટ કિંમતે અને ઘણી જગ્યાએ અમારા ખર્ચે બતાવી રહ્યા છીએ, જેથી સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચે,” તેઓ ઉમેરે છે.

કલાકારોની પસંદગી વિશે તેઓ જણાવે છે કે પાત્રને અનુરૂપ ચહેરા અને અભિનય ક્ષમતાને આધારે કાસ્ટિંગ કરવામાં આવ્યું છે. નવા કલાકારો સાથે અનુભવી કલાકારોનો સંતુલિત સંયોજન ફિલ્મને વધુ રિલેવન્ટ બનાવે છે… ધિંગામસ્તી, બાવરી, બગાવત, રૂપિયો નાચ નચાવે જેવી ફિલ્મ ડિરેકટ કરી છે અને ગુજરાત સરકારના સ્ટેટ એવોર્ડમાં જેમને બેસ્ટ દિગ્દર્શકનો એવોર્ડ મળેલ છે એવા અનુભવી ડિરેક્ટર જયેશ ત્રિવેદીએ જ ફિલ્મ માટે દિગ્દર્શન નો દોર સાંભળેલ સાથે કાસ્ટીંગ પણ કર્યું છે.

ફિલ્મનું શૂટિંગ મોટા ભાગે પોતાની જ સ્કૂલ પરિસરમાં કરવામાં આવ્યું, જેથી બાળકોની સુરક્ષા અને અભ્યાસ પર કોઈ અસર ન પડે. શૂટિંગ વેકેશન દરમિયાન અને ખાલી ક્લાસરૂમમાં કરવામાં આવ્યું હોવાનું તેઓ જણાવે છે. “અમે એક પણ અશ્લીલ કે અયોગ્ય દૃશ્ય રાખ્યું નથી. ફિલ્મ સંપૂર્ણપણે પરિવાર સાથે જોવા યોગ્ય છે,” તેઓ ભારપૂર્વક કહે છે.

આજના ગુજરાતી સિનેમા અંગે પ્રોડ્યૂસર માને છે કે ફિલ્મો માત્ર મનોરંજન પૂરતી સીમિત ન રહેવી જોઈએ. “એન્ટરટેનમેન્ટ જરૂરી છે, પરંતુ સાથે સાથે ફિલ્મ જોનારના મનમાં સંદેશ પણ ઉતરવો જોઈએ. આવું થશે તો જ સમાજમાં સાચો બદલાવ આવશે,” તેમનું માનવું છે.

અંતમાં તેઓ દર્શકોને એક મેસેજ આપે છે કે — “તમારી સાચી મૂડી તમારા સંતાન છે. જેટલું ધ્યાન તમે પૈસા કમાવવામાં આપો છો, એટલું જ ધ્યાન સંતાનના ઘડતર પર આપશો, તો આવતીકાલનું ભારત વ્યસનમુક્ત, સંસ્કારસભર અને સશક્ત બનશે. ‘School Days’ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ એક ચેતવણી અને માર્ગદર્શન છે.”

==♦♦♦ ♦♦♦ ♦♦♦==

Related posts

The rhythm of revenge is here! Catch the trailer of Sony LIV’s Chamak: The Conclusion now

Reporter1

ભારતીય સિનેમા માટે એક ગર્વની ક્ષણ, ‘ગાંધી’ ફિલ્મે ટોરોન્ટોને હચમચાવી નાખ્યું, વર્લ્ડ પ્રીમિયરમાં ઉભા થઈને તાળીઓ પાડી

Reporter1

Will Good Monk End the eternal war between nutrition and taste by bridging the gap? Watch their pitch on Shark Tank India 4

Reporter1

Leave a Comment

Translate »