Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

ભાવનગર નકલી દારૂકાંડ મામલે જિગ્નેશ મેવાણીના આકરા પ્રહાર

પોલીસ અને બુટલેગરોની મિલીભગતનો ગંભીર આક્ષેપ

સરકારી તંત્ર અને કાયદો-વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતા તેમણે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગર,તા.૨૧ ઓગસ્ટ ૨૦૨૬ — ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૮ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ૧૯થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ ગંભીર ઘટના બાદ વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ ભાવનગરની હોસ્પિટલ ખાતે પહોંચી પીડિતો અને તેના પરિજનોની મુલાકાત લીધી હતી. સરકારી તંત્ર અને કાયદો-વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતા તેમણે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે.

હોસ્પિટલની મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીતમાં જિગ્નેશ મેવાણીએ રાજ્યમાં દારૂબંધીના અમલીકરણ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ’રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે, જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ (IPS), SP, IG અને ગૃહ વિભાગની છત્રછાયા વિના અશક્ય છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) કે પોલીસની રેડ પડે ત્યારે માત્ર કોન્સ્ટેબલ, PSI  કે PI કક્ષાના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને મોટા અધિકારીઓને છાવરવાનો ખેલ રમાય છે. વારંવાર સર્જાતા આવા લઠ્ઠાકાંડમાં ગરીબ પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને અનેક મહિલાઓ વિધવા બની છે.’

મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીના રાજીનામાની માંગ વ્યક્ત કરતા જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, ’જ્યાં સુધી ગુજરાતની જનતા એક થઈને મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું નહીં માંગે, ત્યાં સુધી આવા લઠ્ઠાકાંડ સર્જાતા જ રહેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ છઠ્ઠી કે સાતમી ઘટના છે જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક ગરીબ પરિવારોની બહેનો વિધવા બની છે.’

શાસક પક્ષના નેતાઓ પર નિશાન સાધતા જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, ’ભાવનગરમાં ભાજપ કાર્યાલય હોસ્પિટલથી માત્ર ૨૦૦ મીટરના અંતરે આવેલું હોવા છતાં અને અનેક મંત્રીઓ સ્થાનિક હોવા છતાં, એક પણ ભાજપ નેતા હજુ સુધી પીડિતોના ખબર-અંતર પૂછવા કે સાંત્વના આપવા ફરક્યા નથી, જે એમની સંવેદનહીનતા દર્શાવે છે.’

રાજ્યના DGP દ્વારા તપાસ ભાવનગર પોલીસ પાસેથી આંચકીને SMCના વડા મયુરસિંહ ચાવડાને સોંપવા અંગે મેવાણીએ સ્પષ્ટ અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ’ભ્રષ્ટ અધિકારીઓ જ આવા ગેરકાયદે કારોબારમાંથી કરોડો રૂપિયા કમાય છે, તેથી પોલીસની પોતાની જ આંતરિક તપાસમાં તેમને ૧ ટકો પણ ભરોસો નથી. જાનમાલની સુરક્ષા માટે જનતાએ એક થઈને ગૃહ વિભાગ પાસે જવાબદેહી માગવી પડશે.’

Related posts

ભાજપ કાર્યાલયના પાર્કિંગમાં ધૂળ ખાતી સરદાર સાહેબની પ્રતિમા

Master Admin

ગુજરાત સહિત ૩ રાજ્યોમાં પેનિક બાઈંગ, સમીક્ષા કરે રાજ્ય સરકાર

Master Admin

ફાગણી પૂનમ મેળા: ડાકોર જતા માર્ગો પર ૨૫ ફેબ્રુઆરીથી ૪ માર્ચ સુધી ભારે વાહનો માટે ’નો-એન્ટ્રી’

Master Admin

Leave a Comment

Translate »