બેન્કો, રિકવરી એજન્ટ્સની દાદાગીરી પર RBIની લગામ
બેન્કો પોતાની બાકી લોનની વસૂલાત કરવા માટે લોનધારકનો મોબાઈલ ફોન કે લેપટોપ નિષ્ક્રિય ના કરી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૧૦ ઓગસ્ટ ૨૦૨૬ — રિઝર્વ બેન્કે બાકી લોનની ઉઘરાણી માટે વારંવાર ગ્રાહકોને ધમકી આપતાં, ગાળો ભાંડતા કે માર મારતા રિકવરી એજન્ટોની દાદાગીરી પર લગામ લગાવી છે. રિકવરી એજન્ટોના ત્રાસમાંથી લોનધારકોને મોટી રાહત આપતાં રિઝર્વ બેન્કે કેટલાંક નવા નિયમો જારી કરી, રિકવરી એજન્ટ્સ પર લોનધારકોને અપમાનજનક ભાષા બોલવા પર, વારંવાર કોલ કરી પરેશન કરવા પર કે હિંસક આચરણ કરવા જેવા આકરાં પગલાં લેવા પર પ્રતિબંધ મુક્યો છે. આ નવા નિયમો ૧ જાન્યુઆરી, ૨૦૨૭થી અમલી બનશે.સોશિયલ મીડિયા અને ફોન દ્વારા લોન લેનારાઓની થતી સતત પજવણીના વધતાં કિસ્સોઓને પગલે રિઝર્વ બેન્કે ધિરાણકારો તથા રિકવરી એજન્ટો માટે આ નવા નિયમો જારી કર્યાં છે.કસમયે ફોન કરવા પર અને બળપ્રયોગ કરવા પર તો રિઝર્વ બેન્ક અગાઉ જ પ્રતિબંધ મૂકી ચૂકી છે. મધ્યસ્થ બેન્ક દ્વારા બેન્કના કર્મચારીઓ તથા રિકવરી એજન્ટ્સ પર ધમકીભરી કે અશ્લિલ ભાષાના ઉપયોગ કરવા પર, લોનધારકની વ્યક્તિગત માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા પર, અયોગ્ય મેસેજીસ મોકલવા પર કે વારંવાર ફોન કરી પરેશન કરવા પર રોક લગાવી છે. નવા નિયમો અનુસાર, એજન્ટ્સ લોનધારકો કે તેમના સગાં-સંબંધીઓ, લોન માટે રેફરન્સ આપનાર, મિત્રો કે સહકર્મીને ધાકધમકી કે જાહેરમાં અપમાનીત નહીં કરી શકે. આ ઉપરાંત ખોટી કે ગેરમાર્ગે દોરનારી રજૂઆતો ખાસ કરીને દેવાને લગતી વિગતો અથવા તો લોન નહીં ચૂકવે તો પરિણામો ભોગવવાની ધમકી આપવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.નવા નિયમોમાં રિઝર્વ બેન્કે ભારપૂર્વક જણાવ્યું છે કે, બેન્કો પોતાની બાકી લોનની વસૂલાત કરવા માટે લોનધારકનો મોબાઈલ ફોન કે લેપટોપ નિષ્ક્રિય ના કરી શકે. જોકે અપવાદરૂપ કિસ્સાઓ કે જેમાં બેન્કે જ આ ઉપકરણો માટે ધિરાણ કર્યું હોય તો લોનની વસૂલાત માટે તેમ કરવાની મંજૂરી અપાઈ છે. મોબાઈલ કે લેપટોપ નિષ્ક્રિય કરવાના કિસ્સામાં પણ બેન્કોએ તબક્કાપૂર્વક આ કામગીરી કરવાની રહેશે. બેન્કો મોબાઈલના આવશ્યક ફીચર્સ જેમ કે ઈનકમિંગ કોલ, એસએમએસ અને ઈમરજન્સી એસઓએસ ફીચર્સને બંધ નહીં કરી શકે.

