Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

પેરિસ સળગી ઊઠ્યુંઃ ૧૫૦૦ દુકાનો લૂંટાઈ, ૧,૦૦૦ પોલીસકર્મી ઘાયલ

મેક્રોન સરકાર મુશ્કેલીમાં

ફ્રાન્સમાં શાળાઓની ખરાબ હાલત અને વધતી મોંઘવારી સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
પેરિસ, તા.૧૯ ઓક્ટોબર ૨૦૨૬ — ફ્રાન્સમાં શાળાઓની ખરાબ હાલત અને સતત વધી રહેલી મોંઘવારી સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. શનિવારે સમગ્ર દેશમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનોએ અચાનક હિંસક વળાંક લીધો હતો અને જોતજોતામાં રાજધાની પેરિસ સહિત આખો દેશ હિંસાની આગમાં હોમાઈ ગયો હતો.

સરકારી આંકડા અનુસાર, આશરે ૫.૫ લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થિતિ વણસતાં પોલીસે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧,૨૦૦ તોફાનીઓની ધરપકડ કરી છે. સરકારનું કહેવું છે કે પ્રદર્શનકારીઓ તરફથી હિંસામાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો છે.

રાજધાની પેરિસમાં બપોર સુધી આંદોલન શાંતિપૂર્ણ ચાલતું હતું, પરંતુ સાંજ પડતાં જ સ્થિતિ બેકાબૂ બની ગઈ. ’પ્લાસ દ લા રિપબ્લિક’ જેવા મુખ્ય વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ વાહનો સળગાવી દીધા અને રસ્તા પર આગ લગાવી દીધી. હિંસક ભીડે કપડાં, ખાણી-પીણી સહિત અંદાજે ૧૫૦૦ જેટલી દુકાનોમાં લૂંટફાટ મચાવી તોડફોડ કરી અને એક રેસ્ટોરન્ટને સંપૂર્ણપણે આગને હવાલે કરી દીધી. ઉપદ્રવીઓને કાબૂમાં લેવા તોફાન વિરોધી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો તેમજ ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. ફ્રાન્સના વડાપ્રધાન સેબાસ્તિયન લેકોર્નુએ જણાવ્યું કે આ હિંસક અથડામણમાં ૧,૦૦૦ જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

હિંસાની આગ માત્ર પેરિસ પૂરતી સીમિત રહી નહોતી. લિયોન શહેરમાં ઉપદ્રવીઓએ ઐતિહાસિક ટુરિઝમ ઓફિસમાં આગ લગાવી દીધી. આ ઘટનાને લિયોનના મેયરે શહેર માટે મોટી દુર્ઘટના ગણાવી હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, અસામાજિક તત્વોએ ફાયર બ્રિગેડના જવાનોને આગ બુઝાવતા પણ અટકાવ્યા હતા. આ ઉપરાંત, લિમોજ શહેરમાં ટાઉન હોલમાં ભીષણ આગ લગાડવામાં આવી હતી, જેના કારણે ઐતિહાસિક ઈમારતની છતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. સેન્ટ-એટિયેનમાં એક યુવક ગ્રેનેડ બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનો હાથ કપાઈ ગયો હતો. લિલ શહેરમાં એપલ સ્ટોરમાં ઘૂસીને સામાનની લૂંટ ચલાવવામાં આવી હતી.

આ સમગ્ર વિવાદની શરૂઆત શાળાઓની કથળતી વ્યવસ્થાથી થઈ હતી. ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે માધ્યમિક શાળાઓ (લિસી)માં પૂરતા શિક્ષકો નથી અને ઈમારતો જર્જરિત હાલતમાં છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી વિદ્યાર્થીઓ શાળાઓમાં વધુ રોકાણ અને સારા શિક્ષણની માગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. ત્યારપછી આ વિદ્યાર્થી આંદોલનમાં દેશના મોટા ટ્રેડ યુનિયનો અને વર્ષ ૨૦૧૮માં મોંઘવારી સામે મોરચો માંડનાર જાણીતું ’યેલો વેસ્ટ’ આંદોલન પણ જોડાઈ ગયું. શિક્ષણ મંત્રીએ ૩,૦૦૦ વધારાના શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હોવા છતાં લોકોનો ગુસ્સો શાંત થયો નથી.

આ હિંસા એવા સમયે ભડકી છે જ્યારે ફ્રાન્સ ગંભીર રાજકીય અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે. રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન આવતા વર્ષે પદ છોડવાના છે અને આગામી રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીને લઈને દેશમાં રાજકીય ગરમાવો છે. હિંસા પર આકરું વલણ અપનાવતા રાષ્ટ્રપ્રમુખ મેક્રોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, સરકારી ઈમારતો અને દુકાનોમાં તોડફોડ તથા લૂંટ ચલાવનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરી સજા કરવામાં આવશે. બીજી તરફ વડાપ્રધાને આરોપ લગાવ્યો છે કે અમુક રાજકીય જૂથો ચૂંટણી પહેલા પોતાના એજન્ડા માટે આ હિંસાનો દુરુપયોગ કરી રહ્યા છે.

Related posts

કોંગોમાં ૬૫ લોકોના મોતથી અફરાતફરી, સેંકડો સંક્રમિત

Master Admin

અમેરિકાનો ૨૪ કલાકમાં ઈરાન પર બીજો મોટો હુમલો

Master Admin

ઈરાને યુએઈ પર બે મિસાઈલ છોડી, નાગરિકોને આપી ચેતવણી

Master Admin

Leave a Comment

Translate »