Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

અમદાવાદમાં ઘરેલુ હિંસાની ગંભીર સ્થિતિ, ત્રણ વર્ષમાં ૧૨,૭૨૧ ફરિયાદો નોંધાઈ

ઘરની ચાર દીવાલોમાં મહિલાઓ અસુરક્ષિત

અભયમ ૧૮૧ પર આવતા દર બે ફોનમાંથી એકથી વધુ ઘરેલુ હિંસા સંબંધિત, માનસિક પ્રતાડના મુખ્ય સમસ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૬ નવેમ્બર ૨૦૨૬ — એક સમય હતો જ્યારે ઘર એટલે હૂંફ, વિશ્વાસ, સમજણ અને સુરક્ષાનું પ્રતીક ગણાતું હતું. દિવસભરના થાક બાદ પરિવાર સાથેની થોડીક વાતચીત પણ માનવીને માનસિક શાંતિ આપતી હતી. પરંતુ બદલાતી જીવનશૈલી, વધતી અપેક્ષાઓ, આર્થિક દબાણ, સોશિયલ મીડિયાનો અતિરેક અને સંબંધોમાં ઘટતી સહનશક્તિએ હવે ઘરના વાતાવરણને પણ તણાવપૂર્ણ બનાવી દીધું છે. જે ઘરમાં બે વ્યક્તિએ સાથે મળીને જીવન વિતાવવાનાં સપનાં જોયાં હતાં, એ જ ઘરમાં આજે અહંકાર, શંકા, અસહમતી અને મારઝૂડ જેવી ઘટનાઓ સંબંધોને તોડી રહી છે. અમદાવાદમાં ઘરેલુ હિંસાને લગતા છેલ્લા ૩ વર્ષના આંકડા આ સામાજિક પરિવર્તનની અત્યંત ગંભીર તસવીર રજૂ કરે છે.૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનના આંકડા અનુસાર, છેલ્લા ૩ વર્ષમાં અમદાવાદમાંથી કુલ ૨૪,૧૩૬ મહિલાઓએ વિવિધ પારિવારિક અને ઘરેલું સમસ્યાઓના સંદર્ભમાં મદદ માટે સંપર્ક કર્યો હતો. તેમાંથી ૧૨,૭૨૧ ફરિયાદો એટલે કે ૫૨.૭ ટકા જેટલી ફરિયાદો ઘરેલુ હિંસા અને શારીરિક અત્યાચાર સંબંધિત હતી. બીજા શબ્દોમાં કહીએ તો, હેલ્પલાઈન પર મદદ માટે આવેલા દર ૨ ફોનમાંથી ૧ કરતાં વધુ ફોન પાછળ ઘરની ચાર દીવાલો વચ્ચે થતી હિંસાની પીડા છુપાયેલી હતી.આ આંકડા માત્ર પતિ-પત્ની વચ્ચેના સામાન્ય ઝઘડાની વાત નથી કરતા, પરંતુ અનેક પરિવારોમાં મહિલાઓએ સહન કરવી પડતી શારીરિક અને માનસિક યાતનાઓ દર્શાવે છે. સાસરિયાં દ્વારા મારપીટ, અપમાન, ગાળાગાળી, સતત માનસિક દબાણ અને ઘરમાંથી કાઢી મૂકવા જેવી ઘટનાઓ પણ આ ચિત્રનો ભાગ છે.હેલ્પલાઈનના વર્ષવાર આંકડા જોઈએ તો વર્ષ ૨૦૨૪માં ઘરેલુ હિંસાની ૪,૭૨૧ ફરિયાદો નોંધાઈ હતી. વર્ષ ૨૦૨૫માં આ સંખ્યા ૪,૪૮૯ રહી હતી, જ્યારે વર્ષ ૨૦૨૬માં ૨૪ ઓક્ટોબર સુધીના અહેવાલમાં ૩,૫૧૧ ફરિયાદો નોંધાઈ હોવાનું જણાવાયું છે. આમ, ૩ વર્ષમાં કુલ ૧૨,૭૨૧ ફરિયાદ સામે આવી છે. વર્ષ ૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫માં ફરિયાદોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ૨૦૨૬ના આંકડા પણ હજુ ચિંતાજનક છે.છેલ્લા ૩ વર્ષના આંકડાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ તો ચોંકાવનારી વિગતો સામે આવે છે. આ ૩ વર્ષમાં ૩,૯૮૪ કિસ્સાઓમાં મહિલાઓએ ગંભીર શાબ્દિક દુર્વ્યવહાર અને માનસિક પ્રતાડનાનો સામનો કર્યો હતો. જ્યારે ૧,૩૯૫ કિસ્સાઓમાં પારિવારિક વિવાદ એટલી હદે વકર્યો હતો કે પરિણીત મહિલાઓને સાસરીનું ઘર છોડવાની ફરજ પડી હતી. આ ઉપરાંત, છેલ્લા ૩ વર્ષમાં લગ્નેતર સંબંધો અને વર્ચ્યુઅલ જોડાણોને લગતા ૧,૧૬૮ કિસ્સાઓ સામે આવ્યા હતા, જેમાં વર્ષ ૨૦૨૪માં આવા ૪૫૨ કિસ્સા નોંધાયા હતા, જે વર્ષ ૨૦૨૫માં ઘટીને ૩૯૨ અને વર્ષ ૨૦૨૬માં ૩૨૪ થયા હતા.પારિવારિક વિખવાદની સીધી અસર માસૂમ બાળકો પર પણ પડી રહી છે. છેલ્લા ૩ વર્ષમાં બાળકોની મુલાકાત, કસ્ટડી અને માતા-પિતાથી અલગ થવા સંબંધિત ૭૧૪ કિસ્સાઓમાં અભયમની રેસ્ક્યુ વાન અને કાઉન્સેલરની મદદ લેવાની જરૂર પડી હતી. વર્ષવાર વિગતો મુજબ વર્ષ ૨૦૨૪માં આવા ૨૮૩ કિસ્સા હતા, જે વર્ષ ૨૦૨૫માં ૨૩૪ અને વર્ષ ૨૦૨૬માં ૧૯૭ નોંધાયા હતા.મનોવિજ્ઞાનીઓ અને પરિવારના પ્રશ્નો સાથે સંકળાયેલા નિષ્ણાતોના મતે, આજના સમયમાં પરિવારોમાં સંવાદ અને સહનશક્તિ ઘટતી જાય છે. પહેલાં સંયુક્ત પરિવારમાં વડીલોની હાજરીને કારણે પતિ-પત્ની વચ્ચેના નાના મતભેદનો ઉકેલ આવી જતો હતો.

Related posts

ગુજરાતમાં 7 મે ‘ગૌ સમ્માન દિવસ’: 268 તાલુકાઓમાં પ્રાર્થના પત્ર અભિયાન, કેન્દ્રીય કાનૂનની ઉઠી માંગ

Master Admin

રિટેલ ટ્રેડર્સને થઈ રહેલા વધતા નુકસાન વચ્ચે Spider Softwareનો NTC 1.0 કોન્ક્લેવ જવાબદાર ટ્રેડિંગ અને નાણાકીય જાગૃતિ પર આપશે ભાર

Master Admin

હયાત અમદાવાદ ખાતે આવેલી ‘મિસીસ મેજ’ રેસ્ટોરન્ટ, હયાત રીજન્સી દિલ્હીની ‘સિરાહ’ રેસ્ટોરન્ટના શેફ કરીમ સાથે લાવે છે લેવન્ટના સ્વાદિષ્ટ વ્યંજનો

Master Admin

Leave a Comment

Translate »