Nirmal Metro Gujarati News
article

વિશ્વયુદ્ધના આરે ઉભેલું મધ્ય પૂર્વ અને મહાસત્તાઓની લોહીલુહાણ રમત

નરેન્દ્ર જોષી

આજે જ્યારે આપણે ૨૦૨૬ના પ્રારંભિક દિવસોમાં ઉભા છીએ, ત્યારે આખું વિશ્વ એક એવા ભયાનક વળાંક પર આવીને ઉભું છે જ્યાં શાંતિની વાતો માત્ર કાગળ પર રહી ગઈ હોય તેવું લાગે છે. ઈરાન અને અમેરિકા વચ્ચે અત્યારે જે પ્રકારનો તણાવ જોવા મળી રહ્યો છે, તે માત્ર બે દેશોનો સીમા વિવાદ નથી, પરંતુ તે આવનારા સમયના વૈશ્વિક રાજકારણની દિશા નક્કી કરનારો સંઘર્ષ છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના પુનરાગમન પછી વ્હાઇટ હાઉસનો જે મિજાજ બદલાયો છે, તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે એક અજીબ પ્રકારનો ડર પેદા કરી દીધો છે. ટ્રમ્પની કાર્યશૈલી હંમેશાથી આક્રમક રહી છે અને આ વખતે તેઓ કોઈ પણ પ્રકારના આંતરરાષ્ટ્રીય લોકલાજ કે સંયુક્ત રાષ્ટ્રના નિયમોની પરવા કર્યા વગર પોતાના નિર્ણયો થોપી રહ્યા છે. તાજેતરમાં વેનેઝુએલામાં જે પ્રકારની ઘટના બની, જેમાં એક રાષ્ટ્રના રાષ્ટ્રપતિનું તેમના જ નિવાસસ્થાનેથી રાતના અંધકારમાં અપહરણ કરવામાં આવ્યું, તેણે સાબિત કરી દીધું છે કે અમેરિકા હવે એક એવી મહાસત્તા બની ગયું છે જેને રોકનાર કોઈ નથી. આ ઘટનાને ગુંડાગીરી સિવાય બીજું કોઈ નામ આપી શકાય તેમ નથી. જ્યારે એક શક્તિશાળી રાષ્ટ્ર રસ્તા પરના ગુંડાની જેમ વર્તવા લાગે, ત્યારે આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિષદ અને રાષ્ટ્રસંઘના ચાર્ટરની કોઈ કિંમત રહેતી નથી.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન માટે પણ અત્યારે સ્થિતિ અત્યંત ગંભીર છે. ઈરાન પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોએ ત્યાંની જનતાને પાયમાલ કરી દીધી છે, તેમ છતાં ઈરાન નમતું જોખવા તૈયાર નથી. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા તેમના સૈન્ય મથકો કે તેલના કુવાઓ પર હુમલો કરશે, તો તેઓ હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દેશે. આ સામુદ્રધુની એટલે વિશ્વના તેલ પુરવઠાની ધમની. જો અહીંથી અવરજવર બંધ થાય, તો આખી દુનિયામાં અંધકાર છવાઈ જાય અને તેલના ભાવ એટલા વધી જાય કે સામાન્ય માણસ માટે દાળ-રોટીનો મેળ કરવો પણ મુશ્કેલ થઈ જાય. ટ્રમ્પને એવું લાગે છે કે તેઓ પોતાના સૈન્ય બળથી કોઈ પણ રાષ્ટ્રને દબાવી શકશે, પરંતુ ઈરાન જેવું રાષ્ટ્ર જ્યારે તેની અસ્તિત્વની લડાઈ લડતું હોય, ત્યારે તે કંઈ પણ કરવા તૈયાર થઈ શકે છે. અમેરિકાનો ઈતિહાસ રહ્યો છે કે તેણે પોતાના હિતો માટે જે દેશમાં ઈચ્છ્યું ત્યાં હુમલો કર્યો છે, પછી તે ઈરાક હોય કે અફઘાનિસ્તાન. ઈરાક પર હુમલો કરતી વખતે રાસાયણિક હથિયારોનું જે બહાનું કાઢવામાં આવ્યું હતું, તે હથિયારો આજ સુધી મળ્યા નથી, પણ આખા દેશને તહસ-નહસ કરી નાખવામાં આવ્યો. આજે વેનેઝુએલા અને આવતીકાલે ઈરાન સાથે પણ આવું જ થઈ શકે છે.

આ સંઘર્ષની સૌથી વધુ અસર પાકિસ્તાન પર પડવાની સંભાવના છે. પાકિસ્તાન અત્યારે એક એવા ધર્મસંકટમાં ફસાયેલું છે જેમાંથી નીકળવું તેના માટે અશક્ય જેવું છે. એક તરફ તે એક કટ્ટર ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે ઈરાન સાથે સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે જોડાયેલું છે, તો બીજી તરફ આર્થિક રીતે તે અમેરિકાની રહેમનજર પર જીવી રહ્યું છે. પાકિસ્તાનની તિજોરી ખાલી છે અને તે આઈએમએફના પેકેજ પર નિર્ભર છે. જો ટ્રમ્પ પાકિસ્તાનને ઈરાન સાથેના સંબંધો તોડવા માટે મજબૂર કરશે, તો પાકિસ્તાનમાં આંતરિક અશાંતિ પેદા થશે. ત્યાંની જનતા ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાનો સાથ આપવાના વિરોધમાં છે. પાકિસ્તાને ઈરાન સાથે ગેસ પાઈપલાઈનનો જે કરાર કર્યો છે, તે અમેરિકાની આંખમાં ખટકે છે. જો પાકિસ્તાન ઈરાન તરફ જશે તો અમેરિકા તેની આર્થિક સહાય બંધ કરી દેશે અને જો અમેરિકા તરફ જશે તો ઈરાન સરહદ પર અસ્થિરતા પેદા કરશે. પાકિસ્તાન અત્યારે દુનિયાના સૌથી અસુરક્ષિત દેશોમાંનો એક છે અને આ યુદ્ધ તેને સંપૂર્ણપણે બરબાદ કરી શકે છે.

ભારત માટે પણ આ સ્થિતિ આશાસ્પદ નથી. ભલે આપણે દુનિયાની ચોથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા હોઈએ, પણ આપણું કદ અમેરિકા કે ચીનની સરખામણીએ હજુ ઘણું નાનું છે. આપણી અર્થવ્યવસ્થા સીધી રીતે તેલ પર નિર્ભર છે. જો મધ્ય પૂર્વમાં યુદ્ધ ફાટી નીકળે અને તેલના ભાવ ૨૦૦ ડોલર પ્રતિ બેરલને પાર કરી જાય, તો ભારતની જીડીપીમાં મોટો ઘટાડો આવી શકે છે. ભારત અત્યારે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદી રહ્યું છે, પરંતુ જો અમેરિકા રશિયા અને ઈરાન બંને પર એકસાથે ગાળિયો કસશે, તો ભારત માટે વિદેશ નીતિ જાળવી રાખવી મુશ્કેલ બનશે. ટ્રમ્પની વિસ્તારવાદી અને ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ ભારતને નુકસાન પહોંચાડી શકે છે. આપણે ત્યાં નોટબંધી જેવી ઘટનાઓ પછી લોકોના હાથમાં જે રીતે પૈસા આવ્યા છે અને જીવનધોરણમાં જે સુધારો થયો છે, તેને આ વૈશ્વિક સંકટ પાછળ ધકેલી શકે છે.

મહાસત્તાઓની વાત કરીએ તો રશિયા પોતે યુક્રેનમાં જે કરી રહ્યું છે તેને કોઈ પણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં, પણ તેને રોકનાર કોઈ નથી. રશિયા, અમેરિકા અને ચીન – આ ત્રણેય દેશો અત્યારે દુનિયાને વહેંચી લેવાની રમતમાં પડ્યા છે. ચીન પોતાની નજર તાઈવાન અને પાકિસ્તાનના બલૂચિસ્તાન પર જમાવીને બેઠું છે, જેથી તેને કુદરતી સંસાધનો મળી શકે. અમેરિકા ડેનમાર્કના ગ્રીનલેન્ડ પર કબજો મેળવવાના પ્રયાસમાં છે. હવે આંતરરાષ્ટ્રીય મંચ પર લોકલાજ કે નીતિ-નિયમો જેવું કંઈ રહ્યું નથી. જેની પાસે તાકાત છે, તે જ સાચો છે એવો માહોલ સર્જાયો છે. ભારત અત્યારે આર્થિક રીતે તે સ્તરે નથી પહોંચ્યું કે તે આ મહાસત્તાઓને પડકારી શકે. આપણું સંરક્ષણ બજેટ અને ટેકનોલોજી હજુ પણ પશ્ચિમી દેશો પર નિર્ભર છે. આપણે આ ખાઈ પૂરવા માટે હજુ દાયકાઓ લાગશે.

દેશની અંદરની વાત કરીએ તો, ભારતની પ્રગતિ માટે શિક્ષણ અને સ્વાસ્થ્યનો ખર્ચ સરકારે ભોગવવો ખૂબ જરૂરી છે. જ્યારે જનતાને આ પાયાની જરૂરિયાતો મફત કે સસ્તી મળશે, ત્યારે જ દેશનો ૨૦ ટકા વર્ગ જે મુશ્કેલીમાં જીવી રહ્યો છે, તે બહાર આવી શકશે. સરકારી શાળાઓની હાલત દયનીય છે, જ્યાં બાળકો કરતા શિક્ષકો વધુ છે, છતાં ભણતરનું સ્તર નીચું છે. દેશની અંદર પણ કેટલીક દેશવિરોધી તાકાતો સક્રિય છે, જે જેએનયુ જેવી સંસ્થાઓમાં બેસીને દેશને નબળો પાડવાના પ્રયાસો કરે છે. આ શહેરી નક્સલવાદ સમાજ માટે કોઢ સમાન છે. એક તરફ આપણે સરહદ પર મહાસત્તાઓ સામે લડવાનું છે અને બીજી તરફ ઘરની અંદરના આ તત્ત્વોને ડામવાના છે.

અંતે, ઈરાન અને અમેરિકા વચ્ચેનો આ જંગ જો ટૂંક સમયમાં નહીં અટકે, તો માનવજાત માટે મોટું સંકટ ઉભું થશે. વેનેઝુએલાના ઓપરેશનમાં નિર્દોષ લોકોના જાન ગયા તેનો જવાબદાર કોઈ નથી. દુનિયા અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધના આરે ઉભી છે. આ અરાજકતામાં નાના દેશોનું અસ્તિત્વ ભૂંસાઈ જશે. ભારતને હવે અત્યંત સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે, કારણ કે આપણે માત્ર આર્થિક પ્રગતિ જ નહીં, પણ આપણા નાગરિકોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવાની છે. આ સંકટ ગમે ત્યારે ભડકી શકે છે અને તેના માટે આપણે માનસિક અને સામરિક રીતે તૈયાર રહેવું જ પડશે.

નરેન્દ્ર જાષી

 

Related posts

Chief Minister Bhupendra Patel Inaugurates Gujarat’s Largest Private Cancer Centre at HCG Aastha Cancer Centre, Ahmedabad 

Reporter1

India’s Largest Consumer Interest Organisations Unite to Urge the Government to Prohibit Opinion Trading Platforms in India

Reporter1

ભારત સંકીર્ણ નથી મહાભારત છે

Reporter1
Translate »