ફ્લાયદુબઈ વિમાન કાંડ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ!
અલ-હમ્મામીએ અચાનક કોકપિટની અંદર ઇમરજન્સી કુહાડીથી કેપ્ટન સ્મિત મચ્છર પર જીવલેણ હુમલો કર્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુબઈ, તા.૫ ઓક્ટોબર ૨૦૨૬ — દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓમાની કો-પાયલટે કથિત રીતે આ વિમાનને હાઇજેક કરીને ઈઝરાયલના તેલ અવીવ શહેરમાં કોઈ મોટી ઇમારત સાથે અથડાવીને ક્રેશ કરવાનું મોટું કાવતરું રચ્યું હતું. જોકે, ભારતીય પાયલટ સ્મિત મચ્છરે સમયસૂચકતા દાખવીને આ ખતરનાક કોશિશને નિષ્ફળ બનાવી દીધી હતી.ઈટાલિયન મીડિયા રિપોર્ટ અનુસાર, ૩૦ સપ્ટેમ્બરના રોજ ઉડાન શરૂ થતાની સાથે જ કો-પાયલટે અફરા-તફરી મચાવી દીધી હતી. કો-પાયલટની ઓળખ ૨૯ વર્ષીય હમ્મામ અલ-હમ્મામી તરીકે થઈ છે, જેના પિતા ઓમાની અને માતા સીરિયન છે. શરૂઆતમાં તેના વ્યવહારમાં કંઈપણ શંકાસ્પદ જણાયું ન હતું, પરંતુ ફ્લાઇટ હવામાં પહોંચ્યા બાદ તેનો અસલી ઈરાદો બહાર આવ્યો હતો.અલ-હમ્મામીએ અચાનક કોકપિટની અંદર ઇમરજન્સી કુહાડીથી કેપ્ટન સ્મિત મચ્છર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતીય પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલો કર્યા બાદ તેણે પ્લેનનું કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધું અને વિમાનને ઝડપથી નીચે તરફ વાળી દીધું હતું. આ દરમિયાન વિમાન માત્ર ૩૦ સેકન્ડમાં આશરે ૧૬,૦૦૦ ફૂટ નીચે ગયું હતું.ઈઝરાયલી ગુપ્તચર એજન્સીના અહેવાલો મુજબ, આતંકવાદી માનસિકતા ધરાવતા અલ-હમ્મામીની યોજના વિમાનને તેલ અવીવ લઈ જઈને ત્યાંની કોઈ ઊંચી ઇમારત સાથે અથડાવવાની હતી. તેની આ યોજના એટલી ઝડપી હતી કે અધિકારીઓ કે લડાકુ વિમાનોને કોઈ વાતચીત કરવાનો કે પ્રતિક્રિયા આપવાનો સમય ન મળે. ફ્લાઇટમાં તે સમયે ૧૭૪ મુસાફરો અને ક્રૂના ૬ સભ્યો સવાર હતા.ગંભીર રીતે ઘાયલ હોવા છતાં સ્મિત મચ્છરે હિંમત હારી નહીં. તેઓ કોકપિટમાંથી બહાર આવીને અન્ય ક્રૂ મેમ્બર્સ અને કેટલાક મુસાફરોની મદદ લેવામાં સફળ રહ્યા. આ બધાએ મળીને સહ-પાયલટ અલ-હમ્મામી પર કાબૂ મેળવ્યો અને નીચે તરફ પછડાતા વિમાનને સમયસર સ્થિર કર્યું હતું.પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ વિમાનને સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સાઉદી સત્તાવાળાઓએ અલ-હમ્મામીને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી હતી અને બાદમાં તેને યુનાઇટેડ આરબ એમીરેટ્સ મોકલી આપવામાં આવ્યો છે, જ્યાં હાલ તેને રાખવામાં આવ્યો છે. આ ઘટનામાં તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા અને બાદમાં તેમને અન્ય માધ્યમથી તેલ અવીવ મોકલવામાં આવ્યા હતા.
