Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક મુદ્દે અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત

હત્યાકાંડને સૈન્ય ઓપરેશન ન ગણાવો

આ હુમલામાં કથિત રીતે ૪૦૦ લોકોના મોત થયા છે અને ૨૫૦ જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
કાબુલ,તા.૧૭ માર્ચ ૨૦૨૬ — અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી એક હોસ્પિટલ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા એરસ્ટ્રાઈકની ભારતે સખત શબ્દોમાં નિંદા કરી છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે(સ્ઈછ) આ હુમલાને ’બર્બર’ અને ’કાયરતાપૂર્ણ’ હિંસક કૃત્ય ગણાવ્યું છે. કાબુલના ઓમિદ નશામુક્તિ કેન્દ્ર પર થયેલા આ હુમલામાં કથિત રીતે ૪૦૦ લોકોના મોત થયા છે અને ૨૫૦ જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જે બાદ ભારતે પાકિસ્તાનના આ આક્રમક વલણ સામે આકરા પ્રહાર કર્યા છે.

ભારતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હોસ્પિટલ જેવી સંસ્થા, ’જેનો ઉપયોગ ક્યારેય સૈન્ય લક્ષ્ય તરીકે ન થઈ શકે, ત્યાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવા તે ઘોર અમાનવીયતા છે. પાકિસ્તાન આ નરસંહારને સૈન્ય અભિયાનનું નામ આપીને બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે અફઘાનિસ્તાનની સંપ્રભુતા પર હુમલો અને પ્રાદેશિક શાંતિ માટે મોટું જોખમ છે.’

પાકિસ્તાનના વલણની આકરી ટીકા કરતા ભારતે જણાવ્યું કે, આ હુમલો ઇસ્લામાબાદની પોતાની આંતરિક નિષ્ફળતાઓ પરથી ધ્યાન ભટકાવવાનો અને તેના ’બિનજવાબદાર વર્તન’નો પુરાવો છે. શાંતિ અને કરુણાના પ્રતીક સમાન પવિત્ર રમઝાન માસમાં કરવામાં આવેલો આ હુમલો અત્યંત આઘાતજનક અને નિંદનીય છે. ભારતનું માનવું છે કે કોઈ પણ ધર્મ, નૈતિક મૂલ્યો કે આંતરરાષ્ટ્રીય કાયદો હોસ્પિટલના લાચાર દર્દીઓને નિશાન બનાવવાની પરવાનગી આપતા નથી. આ ઘટના પાકિસ્તાનની સરહદ પાર ફેલાઈ રહેલી હિંસક માનસિકતાને છતી કરે છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને ખાસ અપીલ કરી છે કે આ ’ગુનાહિત કૃત્ય’ માટે જવાબદારોને સજા અપાવવામાં આવે. ભારતે વિશ્વ સમક્ષ એવી પણ માગ કરી છે કે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં નાગરિકોને આડેધડ નિશાન બનાવવાની પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને સોમવારે આખી રાત કાબુલ અને નંગરહારમાં એરસ્ટ્રાઈક કરી હતી, જે તેના ઓપરેશન ’ગજબ-લિલ-હક’(ઇન્સાફ માટે ગુસ્સો)નો ભાગ હોવાનું કહેવાય છે.

Related posts

ભારતે ખુલ્લેઆમ ઈરાનને UNમાં આપ્યું સમર્થન

Master Admin

અફઘાનિસ્તાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પે શાહબાઝ-મુનીરના ગુણગાન ગાયા

Master Admin

રશિયાએ યુક્રેન પર ૪૫૦ લાંબા અંતરનાં ડ્રોન અને ૭૦ મિસાઇલ છોડી

Master Admin

Leave a Comment

Translate »