Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

કાશ્મીર જતાં પર્યટકોમાં ૪૦ ટકાનો જંગી ઘટાડો

પહલગામ હુમલાને આજે એક વર્ષ

ખીણના જે રસ્તાઓ પ્રવાસીઓના કલરવથી ગૂંજતા હતા, ત્યાં આજે નીરવ શાંતિ જોવા મળી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીર, તા.૨૨ એપ્રિલ ૨૦૨૬ — કુદરતી સૌંદર્યથી લથબથ કાશ્મીરની ખીણો આજે પણ ભયના ઓથાર હેઠળ હોય તેવું લાગી રહ્યું છે. ગયા વર્ષે ૨૨ એપ્રિલના રોજ પહેલગામની બાઈસરન વેલીમાં થયેલા ભયાનક આતંકી હુમલાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ તેની વિપરીત અસર પ્રવાસન ઉદ્યોગ પર સ્પષ્ટ દેખાઈ રહી છે.સામાન્ય રીતે વેકેશન દરમિયાન કાશ્મીર જવા માટે ગુજરાતીઓની પડાપડી થતી હોય છે. આંકડાઓ મુજબ એપ્રિલ-મે મહિનામાં દર વર્ષે ૫૦ થી ૭૦ હજાર ગુજરાતીઓ કાશ્મીર પહોંચતા હતા. આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ૪૦% સુધીનો ઘટાડો નોંધાયો છે. જે પ્રવાસીઓ કાશ્મીર જાય છે, તેમાંથી ૨૦% લોકો સુરક્ષાના કારણે પહેલગામ જવાનું ટાળી રહ્યા છે અને માત્ર શ્રીનગર, ગુલમર્ગ કે સોનમર્ગની મુલાકાત લઈ પરત ફરે છે.હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ કાશ્મીરમાં કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક વીડિયો દ્વારા કાશ્મીર સુરક્ષિત હોવાનો પ્રચાર પણ કરવામાં આવ્યો, છતાં પર્યટકોના મનમાંથી હુમલાનો ફાળો દૂર થયો નથી. ખીણના જે રસ્તાઓ પ્રવાસીઓના કલરવથી ગૂંજતા હતા, ત્યાં આજે નીરવ શાંતિ જોવા મળી રહી છે. કાશ્મીરમાં અસુરક્ષાની લાગણી જન્માવતા હવે સહેલાણીઓએ અન્ય પહાડી વિસ્તારો તરફ પ્રયાણ કર્યું છે. કાશ્મીરના વિકલ્પ તરીકે હવે લોકો લેહ-લદાખ, શિમલા-મનાલી (હિમાચલ પ્રદેશ), સ્પીતી વેલી, જેવા સ્થળો પર વધુ પસંદગી ઉતારી રહ્યા છે. પર્યટન ઉદ્યોગ માટે આ સ્થિતિ ચિંતાજનક છે, કારણ કે આતંકની એક કાળી છાયાએ ‘ધરતી પરના સ્વર્ગ’ ગણાતા કાશ્મીરના અર્થતંત્રને પણ ફટકો માર્યો છે.

Related posts

મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીના ઘર તરફ ભાજપની મહિલા નેતાઓની કૂચ

Master Admin

બે દિવસમાં ૨૪નાં મોત, અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત

Master Admin

શેર બજારમાં મોટો ઘટાડો! સેન્સેક્સ ૫૧૬ પોઈન્ટ તૂટ્યો

Master Admin

Leave a Comment

Translate »