Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of GujaratGujarat

ગુજરાતમાં ૨૦૦ પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી!

પ્રજાના ૨૨૦૦૦ કરોડનું આંધણ

વિલંબને કારણે રાજ્યના આર્થિક હિતો પર માઠી અસર, ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થવાના લક્ષ્યાંકો અધૂરા

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૬ માર્ચ ૨૦૨૬ — ગુજરાત સરકારની નાણાકીય સ્થિતિ અંગેના કેગ (CAG)ના વર્ષ ૨૦૨૪-૨૫ના ઓડિટ રિપોર્ટમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. આ અહેવાલ મુજબ, માર્ચ ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં ૧૦ કરોડ કે તેથી વધુ બજેટ ધરાવતી ૨૦૦ જેટલી મહત્ત્વની યોજનાઓ અધૂરી રહી છે. નવાઈની વાત એ છે કે, આ તમામ કામો ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થઈ જવા જોઈતા હતા, પરંતુ સમયમર્યાદા વીતી ગઈ હોવા છતાં આ પ્રોજેક્ટ્‌સ પૂરા થયા નથી. અત્યાર સુધીમાં આ અધૂરી યોજનાઓ પાછળ ૧૮,૧૪૪ કરોડથી પણ વધુ રકમનો ખર્ચ થઈ ચૂક્યો છે. કામો સમયસર પૂરા ન થવાને કારણે સરકારી નાણાંના રોકાણ પર નકારાત્મક અસર પડી છે અને તેનાથી ખર્ચની ગુણવત્તા પણ જોખમાઈ છે.

ભારત સરકારના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૪-૨૫ના નાણાકીય હિસાબોનું ઓડિટ કરવામાં આવ્યું છે, જેમાં કેટલીક ગંભીર ખામીઓ સામે આવી છે.

કેગના અહેવાલમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે, જે યોજનાઓ સમયસર પૂર્ણ થતી નથી તેમાં કરોડો રૂપિયાનું ભંડોળ રોકાયેલું રહે છે, જેના કારણે સરકારી ખર્ચની ગુણવત્તા બગડે છે. આ વિલંબને કારણે રાજ્યના નાગરિકોને જે સુવિધાઓ કે લાભો સમયસર મળવા જોઈએ, તેનાથી તેઓ લાંબા સમય સુધી વંચિત રહી જાય છે. આમ, યોજનાઓ અધૂરી રહેવાથી સરકારી નાણાંનો વ્યય થાય છે અને વિકાસની ગતિ પણ ધીમી પડે છે.

ગુજરાત રાજ્યમાં ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં કુલ ૨૦૦ જેટલા મહત્ત્વના મૂડી કામો પૂર્ણ થવાના હતા, પરંતુ નિર્ધારિત સમયમર્યાદા પૂરી થવા છતાં આ યોજનાઓ અધૂરી રહી છે. આ ૨૦૦ યોજનાઓ માટે અંદાજે ૨૨૮૧૬.૪૮ કરોડ રૂપિયાના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની સામે અત્યાર સુધીમાં ૧૮૧૪૪.૬૬ કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. આ અપૂર્ણ કામોમાં સૌથી વધુ હિસ્સો માર્ગ અને મકાન વિભાગનો છે, જેના ૧૬૬ કામો હજુ બાકી છે. આ વિભાગના કામો માટે ૭૯૭૮.૮૫ કરોડ રૂપિયાનો અંદાજ હતો, જેમાંથી ૫૭૪૦.૪૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો હોવા છતાં યોજનાઓ પૂરી થઈ શકી નથી.

Related posts

કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજ્યગુરુએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ

Master Admin

SAL હોસ્પિટલ, સાયન્સ સિટી દ્વારા ખાસ “સેકન્ડ ઓપિનિયન ક્લિનિક” ની જાહેરાત

Master Admin

જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટના આયોજન હેઠળ આઠ ફેબ્રુઆરીએ 43મો જૈન સમૂહ લગ્નોત્સવ યોજાયો

Master Admin

Leave a Comment

Translate »