સંપન્ન માણસ પ્રપન્ન ન બને ત્યાં સુધી પ્રસન્ન રહી શકતો નથી.
શબ્દ બ્રહ્મ છે,પણ અશબ્દ એ પરબ્રહ્મ છે.
હરિનામ સૌથી પહેલા આપણો રક્ષક છે.
મૌન પરબ્રહ્મનું પ્રતીક છે.
મૌન વ્રત નથી વિભૂતિ છે
શ્રાવણ આખો શ્રવણનો મહિનો છે.
રામનામ રક્ષા કરશે.
દુઃખના ખેતરમાં જ સુખનો પાક ઉગે છે.
સુનુ મુનિ તોહિ કહઉં સહરોસા,
ભજહિ જે મોહિં તજિ સકલ ભરોસા;
કરઉં સદા તિન્હ કે રખવારી,
જિમિ બાલક રાખઇ મહતારી.
અરણ્ય કાંડની આ પંક્તિઓનું ગાન કરીને બાપુએ મોમ્બાસામાં પ્રસન્નતાપૂર્વક બધાને પ્રણામ કર્યા ત્યારે ભારત ગુજરાત અને દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓ ભાવવિભોર બની ગયા.
જ્યારે કેન્યાનાં મોમ્બાસામામ ૯૬૧મી રામકથાનો શનિવારથી આરંભ થયો.
મોમ્બાસાનું ઐતિહાસિક મહત્વ,અહીં યુગાન્ડાથી જ ભારતીયોની યાત્રા શરૂ થઈ.હવા,ધરતી,યાદો તેમજ સંસ્કૃતિ,સ્થાપના અને સ્મૃતિથી ભરપૂર ૩૪ વરસ પહેલાની યાદો,આધ્યાત્મિક જ નહીં પણ ભાવનાત્મક જોડાણ વિશેની વાત પણ આરંભે થઈ. આ કથાનાં મનોરથી મામા-મામીથી ઓળખાતા અરુણભાઈ અને પ્રમિલાબેન સામાણી-કે જે મૂળ પોરબંદર પાસેના રાણાવાવના છે.૪૦ વરસ પહેલાં નૈરોબી અને પછી યુગાન્ડા આવ્યા,સંઘર્ષ કરીને અહીં રહ્યા.બાપુએ પણ જણાવ્યું કે વર્ષો પહેલા ઓ.ટી.લાખાણી હાર્ટ સ્પેશિયાલિસ્ટ-પોરબંદર રાણાવાવમાં કે જ્યાં આનંદમયી મા નો આશ્રમ છે ત્યાં ડોક્ટર લાખાણી આવતા એ વખતે રામકથા રાણાવાવમાં થયેલી.બધાનો આગ્રહ હતો કે રાણાવાવમાં કથા થાય પણ બાળકોનો આગ્રહ હતો કે ફરી પાછા મોમ્બાસામાં કથા કરવી છે.
સંપન્ન માણસ પ્રપન્ન ન બને ત્યાં સુધી પ્રસન્ન રહી શકતો નથી.બાપુએ આ બધી જ ઉદારતાની નોંધ લઇને પ્રસન્નતા વ્યક્ત કરી સાથે-સાથે અનેક જૂની યાદોમાં મજેઠિયા પરિવાર,નૈરોબીના વનમાળીદાસ બાપા,રમણીકભાઈ દેવાણી,નટુભાઈ નથવાણી કે જેઓએ પહેલી વખત શીપ બતાવી અને જેને કારણે શીપમાં-દરિયામાં જે કથા થઈ હતી એના બીજનું વાવેતર થયેલું.
સર્જક-સાહિત્યકાર ગુણવંત શાહના દીકરી અને જમાઈ પણ આવેલા છે એનો ઉલ્લેખ કરતા બાપુએ કહ્યું કે ગુણવંત શાહે ખાસ આગ્રહ કર્યો છે કે અહીંની રેતી લેતા આવજો! અત્યાર સુધી હતું કે રમણ રેતીજેવી સરસ સોફ્ટ રેતી નહીં હોય પણ અહીંની રેતીનું પણ વિશેષ મહત્વ છે.
ભારતથી આવેલા લોકોએ અહીં સંસ્કૃતિ,સભ્યતા અને ગુજરાતી ભાષાની ખેવના કરી છે એની વિશેષ પ્રસન્નતા વ્યક્ત કરી.
શ્રાવણ મહિનો છે એ આખો મહિનો શ્રવણનો છે. એક-એક દિવસ પર્વ છે,એમાં પણ શિવરાત્રી મહાપર્વ છે.
કથા બીજ વિશે કહ્યું કે પહેલા વિચાર હતો કે ૩૪ વર્ષ પહેલાં માનસ કામદર્શન કથા કરેલી,આ વખતે માનસ રામદર્શન કરીએ,ફરી દિમાગમાં દસ્તક થઇ કે રક્ષાબંધન ચાલે છે તો માનસ રામરક્ષા કરીએ! પણ કથા દરમિયાન ખબર પડી કે ઝાંઝીબારમાં માનસ રામરક્ષા કથા થઈ ગયેલી છે!! એટલે આજ પૂરતું કથા વિષયનું નામકરણ એક દિવસ પાછળ ઠેલીને કાલે નક્કી કરશું કે કયા વિષય પર બોલવું.
પણ રામ બધાની રક્ષા કરે છે.આજે સમગ્ર વિશ્વને રક્ષાની જરૂર છે.હનુમાનજીને પ્રાર્થના કરીએ.ચારે બાજુ જ્યારે યુદ્ધના બ્યુગલો વાગે છે ત્યારે રામ બધાની રક્ષા કરે.વિશ્વામિત્રએ પણ રામરક્ષા સ્તોત્ર લખ્યું છે.બધાને રક્ષાની જરૂર છે.આપણા મનની રક્ષા કોણ કરે છે?આપણા તનની,સ્થૂળ નહીં પણ અન્ય રીત-આપણા ધનની,આપણા આંતરિક અને બાહ્ય શત્રુઓથી આપણને કોણ બચાવે છે?- એ વાતો પણ કરશું.
અહીં પંપા સરોવર કાંઠે અરણ્યકાંડમાં રામને મળવા જ્યારે નારદ જાય છે અને પૂછે છે કે આપની માયાની પ્રેરણાથી વિશ્વમોહિનીનો પ્રસંગ સર્જાયો ત્યારે મને આપે વિવાહ કેમ ન કરવા દીધા! એ વખતે રામ સહર્ષ નારદને જવાબ આપતા કહે છે કે મારો ભરોસો કરનાર,બધો જ આધાર મૂકીને માત્ર મારું ભજન કરે છે હું એની રક્ષા કરું છું;જે રીતે મા પોતાના બાળકની બધી રીતે રક્ષા કરે છે.એ પણ કહ્યું કે જ્ઞાનીઓ પોતે પોતાની રક્ષા કરે છે.એ આ ચોપાઈ નો સાર છે.
અહીંયા ચોપાઈનો કોઈ ખોટો અર્થ પણ કરીને એમ કહે છે કે સહરોસા એટલે રોષ સહિત- પણ સ્પષ્ટ છે કે સહર્ષ રામ બેઠા છે,માત્ર લીલા કરે છે અને ખૂબ જ પ્રસન્નતાપૂર્વક જવાબ આપે છે.
રામરક્ષા સ્તોત્ર કે જે મહર્ષિ વિશ્વામિત્રએ રચ્યું છે એનું પણ જરૂરથી પઠન કરજો અને આપના બાળકોના દફતરમાં રામાયણ અને ગીતાજી અવશ્ય રાખજો એની લંબાણપૂર્વક બાપુએ વાત કરી.
ગ્રંથ પરિચયમાં બે વિશેષ પ્રસંગ કહ્યા :એક પ્રસંગમાં કહ્યું કે સો વર્ષ પહેલા મુંબઈમાં બનેલો સાચો પ્રસંગ, અયોધ્યાનાં એક વિરત-ત્યાગી બાબા માધવબાગમાં કથા કરતા અને રોજ જ્યારે કથાની શરૂઆત કરે ત્યારે લાલ રંગની નાનકડી ગાદી હનુમાનજી માટે રાખી અને ‘આઈએ હનુમંત બિરાજેએ’- એમ કહેતા એ વખતે એક વકીલને શંકા થઈ કે આ કેમ શક્ય બને?તેણે તર્ક ઉઠાવ્યો અને પછી એ બાબા સાથે શરત લાગી કે આવતીકાલે હું જ્યારે આ બોલું અને ગાદી હટાવી દે તો હું મારો ભેખ ઊતારી દઈશ. બાપુએ કહ્યું કે આમ તો આ પ્રસંગને હું જલ્દી સ્વીકારું નહીં પરંતુ પ્રસિદ્ધ વકીલ નાની પાલખીવાલા-કે જ્યારે મુંબઇનાં બ્રેબોન સ્ટેડિયમમાં એક પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ હતો એ વખતે મેં પૂછેલું ત્યારે પાલખીવાલાએ કહ્યું કે હા એ વકીલ મારી સાથે જ કામ કરતા,કદાચ સોલંકી કે એવું નામ હતું.એણે આવી વાત કરેલી અને એ પછી બીજા દિવસે કથામાં એ વકીલ ગાદીને ઉઠાવવાનું તો દૂર એનો સ્પર્શ પણ ન કરી શક્યા અને ખૂબ જ રડી અને એ અયોધ્યાના બાબા પાસે માફી માંગી અને હનુમાનજીનો સ્વીકાર કર્યો.
હનુમાન પ્રાણ તત્વ છે,પ્રાણ બળ છે,આત્મબળ છે, આપણને ઉર્જા કોણ આપે છે? કોઈક તો છે જ. મહાભારતમાં પણ હનુમાનજી છે.
અને બીજો કાશી નરેશ અને દ્રવિડ દેશના સમ્રાટની રાણીઓ સગર્ભા હતી અને બંને વેવાઈ બનવાની વાત કરી અને એ વખતે છળ કપટપૂર્વક એવું ન થયું ત્યારે તુલસીદાસજી રામકથાનું ગાયન કર્યું ને એક દીકરી દીકરામાં પરિવર્તન થઈ-બાપુ કહે કે આવા અર્થ હું કદાચ નથી સ્વિકારતો પણ એટલો અર્થ ચોક્કસ કે રામકથા એ પૌરુષ આપે છે,જીવવાનું બળ,હોંસલો પ્રદાન કરે છે.જીવવા માટેનું બળ કથા આપે છે.
પ્રથમ મંત્રમાં વંદે વાણી વિનાયકૌ-કહ્યું અહીં પણ તુલસીદાસજી માટે બીજા લોકો વારંવાર નારી નિંદક કરીને એને વખોડે છે ત્યારે એણે આ મંગલાચરણનાં મંત્ર વાંચવા જોઈએ કે તુલસીજીએ ક્રાંતિ કરી અને પ્રથમ સ્થાને માને રાખી અને બીજા સ્થાને ગણપતિની વંદના કરી છે.
બાપુએ કહ્યું કે શબ્દ બ્રહ્મ છે,પણ અશબ્દ એ પરબ્રહ્મ છે.મૌન પરબ્રહ્મનું પ્રતીક છે.મૌન વ્રત નથી વિભૂતિ છે.શ્રાવણનાં વાદળાઓ એ શિવનો અભિષેક કરે છે.મેળાઓ અને વ્રતો શ્રાવણમાં આવે છે.શ્રાવણ ગજબ છે,અકથનીય છે.શ્રાવણની આદ્રતા અને ભાદરવાની ભદ્રતા હોય છે.શ્રદ્ધાથી જ્ઞાન મળશે,વિશ્વાસથી ભક્તિ મળશે પણ ભરોસાથી ભગવાન મળશે.જેને સ્વાન્ત: સુખ નથી મળતું એનું મન ક્યારેય સ્થિર થતું નથી.
તુલસીજીએ પંચદેવની વંદના કરીને ઉમેર્યું કે વ્યક્તિની રક્ષા એનો વિવેક કરશે એ પાંચ દેવોની યુવાનો માટે કઈ રીતે વંદના એની વાત કરી.અંધારાને પણ પોતાનો એક ઉજાસ હોય છે,અંધારાને પણ એક અજવાસ હોય છે.હનુમંત વંદના કરીને પહેલા દિવસની કથા પુરી કર્યા પછી રવિવારના બીજા દિવસે નેચરમાં છુપાયેલી પ્રગટ-અપ્રગટ ચેતનાઓને પ્રણામ કરીને ખાસ જણાવ્યું કે આ દેશની પીડાયેલી વંચિત જનતા માટે કંઈક સંકલ્પ કરજો એવો ભાવ વ્યક્ત કરું છું.
કથાનો કયો વિષય રાખવો એ માટે મૃગાંક શાહે કહ્યું કે માનસ કક્ષા પર બોલો,પ્રોફેસર મનોજ જોષીએ કહ્યું કે માનસ પ્રતિક્ષા પર બોલો,કોઈએ સમીક્ષા પર, કોઈએ પરીક્ષા પર-એવા અલગ-અલગ મંતવ્ય પણ આપ્યા.બાપુએ કહ્યું કે મારી પાસે એકેડેમિક ચર્ચા નહીં ઓટોમેટીક ચર્ચા છે.
ચાર પ્રકારના ધર્મ આપણા જીવનમાં હોય છે:કાળ ધર્મ,દેશધર્મ,ગુણધર્મ અને સ્વભાવ ધર્મ અથવા તો સહજ ધર્મ.રજોગુણ બેસવા દેતો નથી,તમોગુણ ઊઠવા નથી દેતો.કોઈ પણ પ્રયાસ શ્રમિત કરાવે છે અને પ્રસાદ વિશ્રામ આપે છે.સૂચનો પણ બહુ હતા અને પ્રશ્ન પણ બહુ હતા.
Box
એક પત્ર:જેને બાપુએ ફૂલછાબનાં મેનેજર ઝીબાસાહેબનાં હવાલે કરીને જબરી આશા આપી.
આજે એક વિશિષ્ટ પત્ર બાપુ ઉપર આવ્યો.બાપુએ ફુલછાબનાં મેનેજર નરેન્દ્રભાઈ ઝીબા સાહેબને સંબોધીને કહ્યું કે એ આપના તરફ અને સાહિત્ય જગત તરફનો પત્ર છે.પત્રમાં એવું લખ્યું હતું કે બાપુ! હું તમને પૂજ્ય નથી માનતો,પ્રિય પણ માનતો નથી પરંતુ આદર આપવા માટે આદરણીય મોરારી બાપુ જ કહું છું.કવિતાઓ લખું છું.નાનું-મોટું સર્જન કરું છું, સાહિત્યનો જીવ છું,પણ એણે પોતાનું નામ પણ લખેલું છે અને નંબર પણ આપ્યા છે અને કહ્યું કે ફૂલછાબના મેનેજર ઝીબા સાહેબને કોન્ટેક્ટ આપજો.પણ સાહિત્ય જગત તરફ અને કોઈક ગ્રંથિ લઈને ઘણી જ ફરિયાદો તેઓએ કરી.તેઓની ફરિયાદનો સૂર એ હતો કે મેં ખૂબ પ્રયત્ન કર્યા પણ મને સાહિત્ય જગતમાં કોઈ આગળ આવવા દેતું નથી અને આપના સુધી પહોંચવા દેતું નથી.બાપુએ કહ્યું કે ફૂલછાબનાં મેનેજર ઝીબા સાહેબનો કોન્ટેક્ટ લખી રાખો.ઝીબા સાહેબને પણ કહ્યું કે હું જ્યારે બીજી ઓક્ટોબરે અથવા તો જ્યારે પણ રાજકોટ આવું ત્યારે ખાસ મને આ વ્યક્તિની ઘરે ચા પીવા માટે લઈ જજો.અથવા તો હું તમને આગ્રહ કરું છું કે આપ તલગાજરડા ખુશી ખુશી આવો! નહીં તો હું આપને ત્યાં ચા પીવા માટે આવીશ.કારણ કે ગ્રંથિઓ ઘણી હોય છે,એમાં પૂર્વગ્રહની ગ્રંથી પણ હોય છે. આપ પ્રભાવથી પ્રભાવિત થઈ ગયા છો.પણ મારા સ્વભાવનો અનુભવ કરીને જૂઓ!બાપુએ જણાવ્યું કે આપના માતા પિતાએ પણ ન આપ્યો હોય એનાથી વધારે પ્રેમ જો હું ન કરું તો મોરારીબાપુ નહીં! હું આપને નિમંત્રિત કરું છું અને જાણી જોઈને આપનું નામ નથી આપતો પણ આપને સાંભળીશ, કારણ કે હું ભાવક છું.આપ કહો છો કે હું પાછળ રહી ગયો,મને આગળ પહોંચવા ન દીધો તો આ પત્ર દ્વારા આપની તમામ પ્રકારની પીડા અને આલોચનાઓ એ બધું આમાં લખ્યું છે એટલે જ્યારે પણ મળી શકો આપ સાદર નિમંત્રિત છો અથવા તો ઝીબા સાહેબના માધ્યમથી હું આપને મળીશ.
પ્રભાવ એક બાહરી ચીજ હોય છે,અને સ્વભાવ એ ભીતરી બીજ હોય છે.પૃથ્વિ રુપી યુવતીનાં પગમાં સુંદર નપુર છે:એક સરિતા અને બીજી કવિતા. વિશ્વાસ ખુદ એક સબૂત છે.કસોટી શ્રદ્ધાની જ થાય છે,સંશય અને સંદેહની કસોટી થતી નથી.શંકર, પાર્વતીની અત્યંત તપસ્યા પછી પણ એની કસોટી કરાવે છે કારણ કે વિશ્વાસ એ શ્રદ્ધાની પરીક્ષા કરાવે છે અને એ પણ સપ્તઋષિ એટલે કે સાધન શુધ્ધિથી એની કસોટી કરાવે છે.વિશ્વાસ સ્વયં સબૂત છે.
તો રામનું નામ આપણી રક્ષા કરશે.હરિનામ સૌથી પહેલા આપણો રક્ષક છે.વિશ્વવંદ્ય ગાંધીજીએ કહ્યું છે કે પ્રત્યેક સંકટની પળમાં મારી રક્ષા રામ નામે કરી છે.અનેક સંતોના અનુભવ છે અને તમારા મોરારીબાપુના પણ અનેક અનુભવ છે કે રામ નામે અનેક વખત રક્ષા કરી છે.ભક્તિ,પ્રેમમાર્ગમાં વિશ્વાસ પરમ સંપદા છે.વિવેકાનંદ વિશ્વાસને જીવન અને સંશયને મોત કહેતા.ભરત પણ એ જ વાત કહે છે કે મને રઘુવરનો ભરોસો છે.મને રામ,બુદ્ધપુરુષ,ગુરુ, ગ્રંથ,સનાતન ધર્મ,વૈદિક પરંપરા નો ભરોસો છે.
વંદના પ્રકરણમાં પ્રધાન પાત્રોની વંદના,સીતારામની વંદના પછી તુલસીની દ્રષ્ટિએ રામનું દર્શન,કૌશલ્યાની આંખોથી રામ દર્શન,શંકરની આંખોથી રામ,યાજ્ઞવલ્ક્ય,ભુશુંડી દરેકની પોતપોતાની દ્રષ્ટિથી રામદર્શન કેવું છે એ કહ્યું.દુઃખના ખેતરમાં જ સુખનો પાક ઉગે છે.પહેલા દુઃખ ભોગવી લેવું જેથી સુખ ભોગવવાની મજા આવશે.જનકની આંખે, મિથિલાવાસીઓની આંખે અને સીતાજીની આંખે પણ રામદર્શન કેવું છે એની વાત પણ કહી.
રામનામ મહામંત્ર છે.યજ્ઞ કરો,પૂજા કરો,યોગ કરો કંઈ પણ કરો,રામનામની ક્યારે ટીકા કે નિંદા ના કરો.
બંદઉ નામ રામ રઘુવર કો;
હેતુ કૃસાનુ ભાનુ હીમ કરકો.
નામ રક્ષા કરશે.બીજું રૂપ ધ્યાનથી રક્ષા કરશે.રામ એ મહામંત્ર,પરમ મંત્ર,બીજમંત્ર,પરમ તત્વ છે. ચોપાઈ એ શંકરની જટા છે અને આંખો એ છંદ છે.
આ કથાથી આરંભે વેદમંત્રોનાં પાઠની જેમ કથાના અંતે મંત્ર પુષ્પાંજલિનો પાઠ નિયમિત થશે.
Box
ગુજરાતીઓ,ભારતીય સર્જકો,કલા ઉપાસકો,સાક્ષરો,સાહિત્યકારો બન્યા મોમ્બાસાનાં મહેમાનો:
કથાનાં વિવિધ પ્રસંગોમાં સાહજિક જ ફૂલછાબનો ઉલ્લેખ થતો રહ્યો.
ફૂલછાબનાં મેનેજર શ્રી નરેન્દ્રભાઇ ઝીબા સહિત સર્જકોની હાજરીમાં બાપુએ કહ્યું કે અતિ ગૌરવ અને આનંદ પ્રસન્નતાની લાગણી થાય છે જ્યારે બે દિવસ પહેલા ફૂલછાબમાં અને અન્ય અખબારોમાં પણ સમાચાર વાંચ્યા કે બિહારનાં સિતામઢીમાં વરસોની લાગણી હતી કે મા જાનકીજીનું ભવ્ય મંદિર બને.એ લાગણીનાં પરિપાકરૂપે આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ તેમજ નીતિશકુમારજીએ મંદિરનું ભૂમિપૂજન કર્યું અને સાથે-સાથે ૩૦૦થી ૪૦૦ કરોડ રૂપિયા જેટલી રાશિ મંજૂર કરી,આપણા સૌ માટે આ આનંદનો અવસર છે.
Box
અધ્યાત્મમાં સાતનું મહત્વ:
રામકથાના સાત સોપાન.સાત કાંડ.પ્રથમ સોપાનનાં સાત મંત્ર.મંગલાચરણમાં જ્ઞાનની ભૂમિકા પણ સાત. સાત આકાશની વાત કરી છે.સાક્ષરોને પ્રશ્ન પણ પૂછ્યો કે આકાશ અને અવકાશ એક છે કે અલગ છે પણ તુલસીજીએ જ એનો જવાબ આપ્યો છે કે આકાશ અને અવકાશ બે અલગ વસ્તુ છે.
નભ શત કોટિ અમિત અવકાશા… -એટલે કે આકાશ છે એ સો કરોડ છે,પણ અવકાશ અનંત છે. અંગ્રેજીમાં સ્કાય અને સ્પેસ બંને શબ્દ અલગ છે જ. સંગીતના સૂર પણ સાત છે.સાગર પણ સાત છે. પાતાળ પણ સાત છે.સાત દ્વિપનું પણ વર્ણન છે. રામ એ સાતમો અવતાર છે.આ રીતે સાતનું મહત્વ ઘણું છે.