Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

પરમાણુ-મિસાઈલનું રક્ષણ કરીશું, USને દરિયામાં ધરબીશુંઃ મોજતબા

ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ કર્યું એલાન

યુએસ-ઈરાન વચ્ચે આડકતરી વાટાઘાટોમાં મધ્યસ્થી બનેલા પાકિસ્તાનનો ઉત્સાહ ઘટ્યો, બંને દેશ ફોન પર પણ સીધી વાત કરી લે તો તણાવ ઘટશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
દુબઈ, તા.૧ મે ૨૦૨૬ — યુએસ-ઈરાન વચ્ચે ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધ વિરામ વચ્ચે પણ તણાવ સતત વધી રહ્યો છે. ઈરાનના એનરિચ્ડ યુરેનિયમ પર અંકુશ મેળવવા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તલપાપડ છે અને દરેક મંત્રણા આ મુદ્દા પર આવીને અટકી જાય છે. યુએસ સાથે વાટાઘાટોના પ્રયાસોમાં નિષ્ફળતા વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ એલાન કર્યું છે કે, પરમાણુ અને મિસાઈલ ક્ષમતાનું રક્ષણ કરવા ઈરાન કટિબદ્ધ છે. હોર્મુઝની ખાડીમાં અમેરિકાની હાજરી સહેજ પણ સાંખી શકાય તેમ નથી. પર્શિયન અખાતમાં અમેરિકા માટે કોઈ જગ્યા હોય તો તે માત્ર તેના પેટાળમાં જ છે અને અમેરિકન્સને દરિયાના પેટાળમાં પહોંચાડી દેવાશે. પિતાના મોત બાદ ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યા ત્યારથી અયાતોલ્લાહ મોજતબા ખામેનેઈ જાહેરમાં જોવા મળ્યા નથી, પરંતુ તેમના નિવેદનો ક્યારેક પ્રસિદ્ધ થતા રહે છે. તાજેતરના એક નિવેદનમાં મોજતબાએ કહ્યું હતું કે, અમેરિકન્સ માટે પર્શિયન અખાતમાં માત્ર એક જ જગ્યા છે અને તે દરિયાનું પેટાળ છે. પ્રદેશના ઈતિહાસમાં નવો અધ્યાય લખાઈ રહ્યો છે. યુએસ નેવીની નાકાબંધીના કારણે ઈરાનના ઓઈલ ભરેલા ટેન્કર બહાર જઈ શકતા નથી અને અર્થતંત્ર માંદુ બની રહ્યું છે. ઈરાનની ક્રૂડ સ્ટોરેજ ક્ષમતા ટોચ પર પહોંચી ગઈ છે અને ક્રૂડને દેશની બહાર રવાના ન કરાય તો ઉત્પાદન બંધ કરવાની નોબત આવી છે. જો કે હોર્મુઝની ખાડી પરથી અંકુશ હટાવવા ઈરાન તૈયાર નથી. બ્રેન્ટ ક્રૂડની કિંમતો ૧૨૬ ડોલર પ્રતિ બેરલ પહોંચી છે ત્યારે હોર્મુઝની ખાડીમાંથી નાકાબંધી હટાવવા માટે ટ્રમ્પે ગુરુવારે નવી યોજના બનાવી છે. જે મુજબ, ઈરાનના બંદરોની નાકાબંધી યથાવત રાખવાની સાથે ક્રૂડની ગુપચુપ હેરફેર કરવાના પ્રયાસોને મિત્ર રાષ્ટ્રોની મદદથી નિષ્ફળ બનાવવામાં આવશે. અમેરિકાના મિત્ર ખાડી દેશો માટે હોર્મુઝની ખાડી ન ખુલે તો તકલીફો આવી શકે છે. આ સ્થિતિમાં ઈરાનની ઘેરાબંધી માટેના અન્ય બહુઆયામી રાજદ્વારી અને નીતિ વિષયક પ્રયાસો પણ ટ્રમ્પે વિચાર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું. ઈરાન-યુએસ વચ્ચે વધી રહેલા ગજગ્રાહ વચ્ચે પાકિસ્તાનની હાલત કફોડી થઈ છે. બંને દેશ વચ્ચે આડકતરી વાટાઘાટો માટે મધ્યસ્થી બનવાની તૈયારી દર્શાવતા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, બંને પક્ષ દ્વારા સીધી વાતચીત થાય તો જ તણાવ ઘટી શકે છે. તેઓ ફોન પર સીધી મંત્રણા માટે તૈયાર થાય તો પણ ઘણો ફરક પડી શકે છે. ઈરાનમાં પર્શિયન ગલ્ફ ડેની ઉજવણી નિમિત્તે ખામેનેઈએ કહ્યું હતું કે, દેશમાં અને દેશ બહાર વસતા ૯૦૦ લાખ ગૌરવશાળી ઈરાનિયનો રાષ્ટ્રીય સંપત્તિ છે અને તેઓ દેશની જમીન, પાણી અને આકાશનું રક્ષણ કરશે. અમેરિકાને મોટો શેતાન ગણાવતા ખામેનેઈએ કહ્યું હતું કે, હજારો કિમી દૂરથી લાલચ અને બદ ઈરાદા સાથે આવેલા વિદેશીઓ માટે દરિયાના પેટાળ સિવાય ક્યાંય જગ્યા નથી. હોર્મુઝની ખાડી પર ઈાનના અંકુશથી અખાત વધારે સલામત રહેશે. ખાડી પર ઈરાનના હક અને નવા સંચાલનથી પ્રદેશના તમામ દેશને લાભ થશે. યુદ્ધવિરામની જાહેરાત છતાં ઇઝરાયેલે લેબેનોન પર હુમલા ચાલુ રાખ્યા છે. જેમાં ૧૪ લોકોના મોત નીપજ્યા છે અને અનેક લોકોને ઇજા પહોંચી છે. જેબચિટમાં એક રહેણાંક ઇમારત પર હુમલો કરી દેવાતાં એક જ પરિવારના ચાર લોકો મોતને ભેટ્યા હતા.

Related posts

રશિયાએ યુક્રેન પર ૨૦૨૬નો સૌથી મોટો હુમલો કર્યો, ૧૫ લોકોના મોત

Master Admin

ડિમોના પરમાણુ પ્લાન્ટ અને ઊર્જા મથકો પર હુમલો કરીશું : ઈરાન

Master Admin

અમેરિકા-ઈઝરાયલનું ઈરાન સાથેનું યુદ્ધ વિનાશક બન્યું

Master Admin

Leave a Comment

Translate »