Nirmal Metro Gujarati News
article

પ્રયાગ સંસાર અને સંન્યાસ વચ્ચેનો સંગમ છે. અહીં પરમ વિવેકી અને પરમ શરણાગત એવા બે મુનિઓનો સંગમ થયો છે. રામચરિત માનસ સ્વયં મહાકુંભ છે

 

કથા ત્રિવેણીમાં સ્નાન કરવા તન સાથે મન,સિધ્ધિ ઉપરાંત બુધ્ધિ અને વિત્તની સાથે ચિત્ત પણ જરુરી છે.

કથાનાં કુંભ સ્નાનમાં એક જ વસ્તુ ઊતારવાની છે એ છે અહંકાર.

ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશેષ ઉપસ્થિત રહ્યા

 

પ્રયાગરાજનાં મહાકુંભ મેળામાં પરમાર્થ નિકેતન આશ્રમનાં સાંન્નિધ્યમાં ગવાઇ રહેલી રામકથાનાં બીજા દિવસે કહેવાયું કે કેટલીય વ્યાસપીઠો સવાર સાંજ કોઈને કોઈ ગ્રંથ લઈને મુખર થઈ રહી છે. રામચરિત માનસ સ્વયં મહાકુંભ છે.જેમાંથી કથાનું અમૃત નીકળે છે.અહીં જે સંગમ છે ત્યાં સ્નાન કરવા માટે તન એટલે કે શરીર લઈને આવવું પડે છે.

બાપુએ કહ્યું કે પૂરેપૂરા ભરોસા સાથે હું કહીશ કે દરેક કુંભમાં આપણાં ચર્મચક્ષુ ન જોઈ શકે એવી  અશરીરી ચેતનાઓ અવશ્ય,અવશ્ય,અવશ્ય આવે છે.

કથા ત્રિવેણીનાં સંગમમાં સ્નાન કરવા માટે માત્ર તન કામ નહીં કરે,અહીં મનને પણ લાવવું પડશે.ઘણા પોતાની સિદ્ધિઓ લઈને આવે છે.આ માનસ કુંભમાં બુદ્ધિ લઈને આવવું પડશે.બુદ્ધિ બહુ જરૂરી છે.જોકે આ તત્વ બુદ્ધિથી પર છે તો પણ એક પ્રજ્ઞા જરૂરી છે કથાકુંભમાં સ્નાન કરવા માટે વિત્તની સાથે-સાથે ચિત્ત પણ જરૂરી છે.અહીં સ્નાન કરવા માટે કપડાં બદલીએ છીએ,કથા કુંભમાં એક જ વસ્તુ ઉતારવાની છે-એ અહંકાર છે.આ પાણી નથી,પવિત્ર જળ છે.છતાં કહું કે ત્યાં પાણીમાં ડૂબકી લગાવાય છે અને અહીં સંતોની વાણીમાં ડૂબકી લગાવીએ છીએ.

દર વખતે જાણે કે એક નવી-નવી કમળની પાંખડીઓ દરેક કુંભમાં ખુલી અને ખીલી રહી છે એવું લાગે છે.

આ કથા ચાર ઘાટ:જ્ઞાન,ઉપાસના,કર્મ અને શરણાગતિના ઘાટ પર ચાલી રહી છે.શરણાગતિમાં કોઈ બુદ્ધપુરુષના ચરણોમાં રહેવું પડે છે પણ ત્યાંથી આપણે શિખરસ્થ થઈ જઈએ છીએ.શરણાગતિની ગોમુખમાંથી કથાની ધારા વહી રહી છે.શરણાગતિ માંથી આપણે પ્રવૃત્તિમાં પ્રવેશ કરીએ છીએ.ભારત ભૂમિ જ નથી,સનાતન બ્રહ્મની વિભૂતિ છે આ વાત તમારી પેઢી અને બાળકોનાં કાનમાં જરૂર નાંખજો. રામચરિત માનસમાં બાર સંગમ છે.અહીં પહેલો સંગમ યુગલ મુનિઓ-ભરત અને યાજ્ઞવલ્ક્યનો સંગમ થયો છે.ભરદ્વાજનાં મહિમાનું ગાયન આ પંક્તિઓમાં કરવામાં આવ્યું છે:

ભરદ્વાજ મુનિ બસહિં પ્રયાગા;

તિન્હહિ રામ પદ અતિ અનુરાગા

તાપસ સમ દમ દયા નિધાના;

પરમારથ પથ પરમ સુજાના

ભરદ્વાજ વાલ્મિકીના શિષ્ય છે.તુલસીજી વર્તમાનકાળમાં બતાવે છે એનો મતલબ એ થયો કે ભરદ્વાજની અશરીરી ઉપસ્થિતિ છે.આજે પણ ભારદ્વાજ છે.જ્યાં સુધી ગંગા વહેતી રહેશે,ભારદ્વાજ હશે.શંકર રહેશે ત્યાં સુધી જટા રહેશે,જટા રહેશે ત્યાં સુધી ગંગા રહેશે અને જ્યાં સુધી ગંગા વહેતી રહેશે ભારદ્વાજ પણ રહેશે.

ભરદ્વાજ રામચરણમાં અતિ અનુરાગી છે,ખૂબ મોટા તપસ્વી છે,દયાની મૂર્તિ છે અને પરમાર્થના માર્ગમાં નિષ્ણાત છે.આ કુંભમાં દરેકનો સ્વિકાર છે.પ્રયાગ સંસાર અને સંન્યાસ વચ્ચેનો સંગમ છે.સંસારી પણ સંન્યાસ તરફ થોડુંક ચાલે અને સંન્યાસી પણ પોતાના દરવાજા ખોલીને સ્વાગત કરે એ જરૂરી છે. ગંગા,યમુના અને સરસ્વતી પવિત્ર તો છે જ પણ બાહ્ય સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. ભરદ્વાજનો આશ્રમ રમ્ય બતાવેલો છે.

આ કુંભમાં પણ ધર્મ સભાઓ થશે.દરેક કુંભ વખતે ધર્મસભા થતી અને ત્યારે બ્રહ્મનિરૂપણ,ધર્મવિધિ, તત્વમિંમાસા,ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્યની ચર્ચા થતી. ફરી એક એવો મંચ બનવો જોઈએ ત્યાં બધા જ એક સાથે બેસીને આવી ચર્ચાઓ કરી શકે.

રામચરિત માનસને માત્ર ધર્મગ્રંથ ન સમજતા,આ વૈજ્ઞાનિક ગ્રંથ પણ છે,મોર્ડન સાયન્સમાં જે વિચાર્યું પણ નથી એવું અહીં મળે છે.

અહીં કંઈ આપી શકો કે ન આપી શકો પરંતુ ઘણું બધું લઈને જવાનું છે.અહીં વાણી,આસન અને સ્થાન પવિત્ર બતાવ્યું છે.અતિ પવિત્રતાનો પણ આ સંગમ છે.એક પરમ વિવેકી અને એક પરમ શરણાગત એવા બે મુનિઓનો સંગમ છે.બુદ્ધપુરુષ પાસે નિર્ભિક થઈને સંશય કરીએ તો રામાયણ ખુલે છે.ભરદ્વાજ અને યાજ્ઞવલ્ક્ય વચ્ચે સંવાદ થયો ત્યાં કોઈ સંશય નથી પણ એ આપણું પ્રતિનિધિત્વ કરે છે એમને ગૂઢ તત્વને સાંભળવું હતું.પ્રશ્ન પૂછે છે: રામતત્વ શું છે?આજ સુધી આ ચર્ચા ચાલે છે કે રામ એટલે શું?રામ એક જ છે.એ જ દશરથનો દીકરો, એ જ દરેક ઘટ-ઘટમાં વાસી છે,એનો જ વિસ્તાર ફેલાયેલો છે અને એ જ રામ તત્વ બધાથી ન્યારું અલગ છે.પ્રભાવ પ્રગટ હોય છે પણ સ્વભાવ ગુપ્ત હોય છે.

વંદના પ્રકરણમાં સિતારામની વંદનામાં ત્રણ સંબંધ જાનકીજી સાથે બતાવ્યા:એ જનકસુતા છે, જગતજનની છે અને ભગવાન રામની અતિશય પ્રિય છે.એટલે કે પિતાની શુદ્ધબુદ્ધિ,માતાના રૂપમાં મહાબુદ્ધિ અને રામપ્રિયાના રૂપમાં પરમબુદ્ધિ છે. એને વંદન કરવાથી નિર્મળ મતિ આપણને મળી શકે છે.

નામ વંદનાનું પ્રકરણ સંક્ષિપ્તમાં ગાયન કરીને કથાને વિરામ આપવામાં આવ્યો.

 

“યોગીજીનું મેનેજમેન્ટ એટલે-સાધુ,સાધુ,સાધુ”

આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને સાધુઓનાં અખાડાના મહામંડલેશ્વર એવા યોગી આદિત્યનાથ વિશેષ ઉપસ્થિત રહ્યા.

એના વિશેનો પરિચય આપતા મુનીજીએ કહ્યું કે જેનું જીવન શુધ્ધિ,બુદ્ધિ અને સિદ્ધિનો સંગમ છે. દેવભક્તિ પણ છે,દેશભક્તિ છે,મહંત છે અને પરમ સંત પણ છે.કુંભની એ સનાતની પરંપરાને પાછી લાવનાર યોગીજી વિશે એમ પણ કહેવાયું કે સિધ્ધોની પરંપરા વિશે સાંભળેલું આજે પ્રયાગની ધરતી ઉપર દેખાય છે કે અનેક કીર્તિમાન સ્થાપિત કર્યા છે.આ પ્રયાગ જ નહીં એક પ્રયોગ છે જે ઉત્તર પ્રદેશમાંથી જઈને સમગ્ર વિશ્વમાં નવા કીર્તિમાન સ્થાપિત કરશે.આ કુંભ અકલ્પનીય,અદ્વિતીય મેનેજમેન્ટથી ભરેલો છે.યોગીજી શાસક,સાધક અને ઉપાસનાનો પણ સંગમ છે.

પોતાની વાણી રાખતા આદિત્યના નાથે કહ્યું કે: પ્રયાગરાજની એકતાનો સંદેશ જ અખંડ ભારતનો માર્ગ કંડારનારો છે.એ પણ ઉમેર્યું કે બાપુની દરેક કથામાં કોઈક નવી જ વાત,નવી રોચકતા દેખાતી હોય છે.કથાનો સંદેશ રાષ્ટ્રીય એકતાનો સંદેશ હોય છે અને હોવો જોઈએ.સાથે-સાથે અખંડ ભારતનો સંદેશ લઇને તમામે અહીંથી જવાની વાત કરી.

બાપુએ પોતાનો ભાવ રાખતા જણાવ્યું કે યોગીજીના કાર્યક્ષેત્રના અનેક વિશિષ્ટ કામ દેશે જોયા છે.દેશ એનાથી પરિચિત છે અને આ કુંભમેળાનાં એમના આયોજન માટે શબ્દો નથી.એટલું જ કહી શકીશ: સાધુ,સાધુ, સાધુ.

Related posts

જગદગુરુ શંકરાચાર્ય તેમના વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે બેનિફિટ ન્યૂઝ અને ઇન્ડિયન બિઝનેઝ પેજીસના સંસ્થાપક એડિટર શ્રી ભરતભાઇ પોપટની ષષ્ઠી પૂર્તી ઉજવણી સમારોહમાં આશીર્વાદ આપવા પધાર્યા હતા.

Reporter1

Oxford University Press Launches 7th Edition of Oxford Big Read Global Challenge to Ignite Reading Passion in Indian Students

Reporter1

SUD Life Launches Viksit Bharat and New India Leaders Funds to Play the India Growth Story and Create Wealth for Policyholders

Reporter1
Translate »