Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

ભાભર પંથકમાં ખેડૂતોની જાણ બહાર જમીન પર લોન લેવાનું કૌભાંડ

સેવા સહકારી મંડળીઓ અને બેન્કમાં ખેડૂતોનાં ખાતાંમાં પારદર્શિતા માટે માંગ

લોન કૌભાંડ અંગે પોલીસમાં રજૂઆતો કરી હોવા છતાં પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ના હોવાનું નાગરિકોમાં રટણ

(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાભર, તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬: ભાભર પંથકમાં ખેડૂતોના ખેતર ઉપર ખેડૂતોની જાણ વગર બોજા થઈ જવાના અને લોન લઈ લેવાના તથા મૃતકોના નામે લોન અને ધિરાણના તેમજ ડોક્યુમેન્ટમાં ખોટી સહીઓ થતી હોવાની કેટલીક ઘટનાઓ બહાર આવતાં જાગૃત નાગરિકોએ સેવા સહકારી મંડળીઓ, સબંધિત બેન્કના કારોબારમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર બાબતે લેખિત કરી ઉચ્ચ કચેરીએ તેમજ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆતો કરી પારદર્શક વહીવટની માંગ કરી છે.ભાભર પંથકની કેટલીક સેવા સહકારી મંડળી તથા સંબંધિત બેન્કમાં ખેડૂતોની જાણ બહાર તેમના નામે જમીન ઉપર બોજો કે લોન લેવાના કિસ્સા બનતા ભ્રષ્ટાચાર અંગે શંકાસ્પદ પરિસ્થિતિ ઉભી થઈ છે. સભ્યોના જણાવ્યા મુજબ, મંડળીઓ અને બેન્કો દ્વારા સભ્યોના ખાતામાં પારદર્શિતા ન રાખવી અને યોગ્ય હિસાબ ન આપવો, લોન વિતરણમાં પક્ષપાત અને નિયમોનો ભંગ કરવો, મંડળી અને બેન્કના નાણાંકીય વ્યવહારમાં અનિયમિતતા અને જવાબદારીનો અભાવ, સામાન્ય સભ્યોના હિતોને અવગણીને મંડળીના સંચાલનમાં ગેરવહીવટ જેવા વ્હાલા દવાલાની નીતિ અને ભ્રષ્ટાચાર બાબતે સભ્યો અને જાગૃત નાગરિકોએ લેખિત રજૂઆતો કરી છે. અરજદારોની માંગ છે કે, સંબંધિત સરકારી વિભાગો, સહકારી ખાતું અને તપાસ એજન્સીઓ દ્વારા નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે અને જો કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર કે ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ભાભર પંથકના સભ્યો અને નાગરિકોના હિત અને વિશ્વાસ જળવાઈ રહે તે માટે પારદર્શિતા અને જવાબદારી અત્યંત જરૂરી છે. આ બાબતે પોલીસ સ્ટેશન ખાતે પણ રજૂઆતો કરી હોવા છતાં પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ના હોવાનું નાગરિકોએ જણાવ્યું હતું. આથી સંબંધિત સત્તાવાળાઓને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ તાત્કાલિક તપાસ હાથ ધરે અને ન્યાય આપે.આ બાબતે અરવિંદભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, મેં લોન લીધી નથી છતાં મારી ઓળખનો દુરુપયોગ કરીને મારા નામે ખોટા પૂરાવા ઊભા કરીને લોન લઈ લેવામાં આવી છે. જે અંગે મે લેખિત રજૂઆતો કરી છે.

Related posts

ગુજરાતમાં ૨૦૦ પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી!

Master Admin

પ્રત્યેક નાગરિકને ચૂંટણી પ્રક્રિયા અને મતદાનમાં ભાગ લેવાનો અધિકાર

Master Admin

સોલા, અસલાલી, બગોદરામાંથી ૮૩ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

Master Admin

Leave a Comment

Translate »