Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

મહેસાણા જિલ્લામાં કોંગ્રેસની બંધ બાજી સામે ભાજપે મોડી રાત્રે પત્તાં ખોલ્યાં

મહેસાણા કોર્પોરેશનમાં ભાજપે ૯ને રીપીટ કર્યા, જુના જોગીઓનાં પત્તાં કપાયાં

રાજકીય લેબોરેટરી ગણાતા જિલ્લામાં ફૂંકી ફૂંકીને પગ મુકી રહેલા પક્ષોએ છેલ્લે સુધી રહસ્ય રાખ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા, તા.૧૧ એપ્રિલ ૨૦૨૬ –– રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષો ફૂંકી ફૂંકીને પગ મુકી રહ્યા છે. ભાજપે શુક્રવારે રાત્રે મહેસાણા કોર્પોરેશનના ઉમેદવારો જાહેર કર્યાના ઘણા સમય બાદ જિલ્લા પંચાયત સહિત અન્ય સંસ્થાઓના ઉમેદવારો જાહેર કર્યા હતા, જ્યારે કોંગ્રેસે શુક્રવારે મોડી રાત સુધી કોઈ ઉમેદવારો જાહેર નહોતા કર્યા.મહેસાણા જિલ્લામાં મહેસાણા મહાનગરપાલિકા અને પાંચ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત તથા ૧૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની સાથે સાથે વડનગર પાલિકાના એક વોર્ડની પેટાચૂંટણી જાહેર કરાઈ છે. વિવિધ પક્ષોમાંથી ટિકિટો મેળવવા દાવેદારોએ સંભવિત તમામ ધમપછાડા કર્યા હતા અને ઉમેદવારોની યાદી જાહેર થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, શનિવારે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ બળવો કે હોબાળો ટાળવા માટે ફૂંકી ફૂંકીને પગ મુકી રહ્યા હોય તેમ બેઠક દીઠ બે-ત્રણ દાવેદારોને ફોન કરીને ફોર્મ ભરવાની તૈયારી કરી દેવા જણાવી દેવાયું હતું પરંતુ ઉમેદવારો જાહેર કરવામાં વિલંબ કરી રહ્યા હતા. જેમાં કોંગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, દાવેદારોને ફોન કરીને સૂચના આપી છે, જો કે, શનિવારે સીધા મેન્ડેટ આપવામાં આવશે. જે મુજબ કોંગ્રેસે મહેસાણા જિલ્લાની કોઈપણ સંસ્થાના તેમના ઉમેદવારો શુક્રવારે મોડી રાત સુધી જાહેર કર્યા નહોતા.તો બીજી તરફ ભાજપ દ્વારા નવરચિત મહેસાણા મહાપાલિકાના ઉમેદવારો રાત્રે દસેક વાગ્યે જાહેર કરાયા હતા અને તેના એકાદ કલાક બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓના ઉમેદવારો જાહેર કર્યા હતા. ભાજપે દિવસે સત્તાવાર ઉમેદવારો જાહેર કર્યા નહોતા છતાં પણ કેટલાક ઉમેદવારો અંગે અંદેશો આવી જતાં કેટલાક સ્થળે નારાજગી બહાર આવી હતી. જોટાણ તા.પં.ની મરતોલી બેઠકમાં ટિકિટ વહેચણીના મુદ્દે નારાજગીને લઈને મહેશ પટેલ સહિત મરતોલી તથા અજબપુરા ગામના કેટલાક કાર્યકરો ભાજપ પર આક્ષેપ કરીને કોંગ્રેસમાં જોડાયા હતા. મહેસાણા તાલુકા પંચાયતની મગુના બેઠકમાં પણ હોબાળો જોવા મળ્યો હતો. મોડી રાત્રે ભાજપે જિલ્લાની તમામ સંસ્થાઓના ઉમેદવારો જાહેર કરતાં જ દાવેદારોમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ સર્જાયો હતો.નવરચિત મહેસાણા મહાનગરપાલિકામાં ભાજપે મોટાભાગે નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા છે. નગરપાલિકાની ગત ટર્મમાં જીતેલા ભારતીબેન ઠાકોર, દિપકભાઈ પટેલ, દેવેશભાઈ પટેલ, અસ્મીતાબેન પટેલ, રાકેશભાઈ પટેલ, મિત્તલબેન પ્રજાપતિ, ઋષિરાજ પરમાર અને કપિલાબેન ઠાકોરને રીપીટ કર્યા છે, તો ગત ટર્મમાં હારેલા ઉમેદવાર ભવાનીસિંહ પ્રિન્સને પણ રીપીટ કરાયા છે. આ સિવાય મોટાભાગના જૂના જોગીઓનાં પત્તાં કપાયાં છે. ઉપરાંત સંગઠનના હોદ્દેદારો કે તેમના પરિવારજનોને પણ મેદાનમાં ઉતાર્યા છે.

Related posts

ચીનને જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે પીએમ ગાયબ : ભોપાલમાં રાહુલ ગાંધીના પ્રહાર

Master Admin

ગુજરાતની સહકારી મંડળીઓની ચૂંટણી આગામી ૬ મહિના સુધી સ્થગિત કરાઈ

Master Admin

અમદાવાદ શહેરની હાર્વી શાહ એ 23 દેશોનાં વિદ્યાર્થી સામે અર્થશાસ્ત્ર ઓલિયમ્પિયાડમાં વૈશ્વિક સ્તરે 9મું સ્થાન મેળવ્યું

Reporter1

Leave a Comment

Translate »