તંત્રીની કલમે….
રાજ્યમાં કુલ ૭૦ થી વધુ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, ઓબીસી અનામતના મુદ્દે અને સીમાંકનની પ્રક્રિયાને કારણે આ ચૂંટણીઓ વિલંબમાં પડી હતી. હાલની વહીવટી તૈયારીઓ અને સીમાંકનની પ્રક્રિયા જોતા, એવી પ્રબળ શક્યતા છે કે આ ચૂંટણીઓ ફેબ્રુઆરી ૨૦૨૬ ના અંતમાં અથવા માર્ચ ૨૦૨૬ ના પ્રથમ પખવાડિયામાં યોજવામાં આવે.આ ચૂંટણીઓ આવનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાનો ’સેમીફાઈનલ’ જંગ માનવામાં આવે છે. આ ચૂંટણીઓ દ્વારા જ ખ્યાલ આવશે કે ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં પ્રજાનો મિજાજ કઈ તરફ છે.
આ કારણે ગુજરાતના રાજકીય ફલક પર ફરી એકવાર ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને આ વખતે જંગ સીધો જનતાના ઉંબરે એટલે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ખેલાવા જઈ રહ્યો છે. પાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ ભલે સ્થાનિક મુદ્દાઓ પર લડાતી હોય તેવું ઉપરછલ્લું દેખાય, પરંતુ તેની ભીતરમાં જ્ઞાતિવાદના મૂળિયાં અને પક્ષો વચ્ચેની આંતરિક ખેંચતાણ એટલી પ્રબળ બની છે કે જેની અસર રાજ્યના મુખ્ય પ્રવાહના રાજકારણ સુધી વર્તાઈ રહી છે. લોકશાહીના આ પાયાના એકમો સત્તાના સિંહાસન સુધી પહોંચવા માટેની સીડી માનવામાં આવે છે, અને તેથી જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા મુખ્ય પક્ષોએ અત્યારથી જ પોતાની તમામ શક્તિઓ મેદાનમાં ઝોંકી દીધી છે. ગામડાંની ચોરાઓથી લઈને શહેરની ગલીઓ સુધી અત્યારે વિકાસના કામો કરતા બેઠકોની વહેંચણી અને ઉમેદવારની પસંદગીના ગણિતો વધુ ચર્ચાઈ રહ્યા છે, જે સૂચવે છે કે આ વખતની જંગ માત્ર પક્ષો વચ્ચેની નહીં પણ પ્રતિષ્ઠાની લડાઈ બની રહેશે.
સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓમાં સૌથી મહત્વનું પાસું જ્ઞાતિ સમીકરણો બની રહ્યું છે. ગુજરાતનું રાજકારણ હંમેશાથી સામાજિક ગણિતો પર આધારિત રહ્યું છે, પરંતુ આ વખતે ગ્રામીણ સ્તરે જે રીતે જ્ઞાતિઓનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે તે પક્ષો માટે ચિંતા અને વ્યૂહરચના બંનેનો વિષય છે. ટિકિટ ફાળવણીમાં ’જેની જેટલી સંખ્યા, તેની તેટલી ભાગીદારી’ના સૂત્રને આધારે દરેક જ્ઞાતિના આગેવાનો પોતાના સમાજ માટે વધુમાં વધુ પ્રતિનિધિત્વની માંગ કરી રહ્યા છે. આ દબાણ હેઠળ રાજકીય પક્ષોએ એવા ઉમેદવારો શોધવા પડી રહ્યા છે જે પક્ષની વિચારધારા કરતા પોતાના જ્ઞાતિના સમીકરણોમાં વધુ ફિટ બેસતા હોય. પાટીદાર, ઓબીસી, દલિત અને આદિવાસી મતોનું વિભાજન અટકાવવા માટે જે રીતે ખાનગી બેઠકોનો દોર ચાલી રહ્યો છે, તે જોતા લાગે છે કે વિકાસના એજન્ડા પાછળ ધકેલાઈ ગયા છે અને જ્ઞાતિવાદનું ઝેર ફરી એકવાર લોકશાહીના મૂળને સ્પર્શી રહ્યું છે.
પક્ષોની આંતરિક ખેંચતાણ પણ આ વખતે ચરમસીમાએ છે. ખાસ કરીને શાસક પક્ષમાં જૂના અને નવા કાર્યકરો વચ્ચેનો સંઘર્ષ છાપરે ચડીને પોકારી રહ્યો છે. પક્ષ પલટો કરીને આવેલા નેતાઓને કારણે પાયાના કાર્યકરોમાં વ્યાપેલી નારાજગી સ્થાનિક સ્તરે બળવાખોરીમાં ફેરવાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. બીજી તરફ, વિપક્ષોમાં નેતૃત્વના અભાવે કાર્યકરોમાં જે મૂંઝવણ છે, તેનો ફાયદો ઉઠાવવા માટે ત્રીજા પક્ષો સક્રિય થયા છે. નગરપાલિકાઓ અને પંચાયતોમાં સત્તા મેળવવા માટે જે રીતે ગઠબંધનો અને આંતરિક જૂથબંધીઓ ખેલાઈ રહી છે, તેનાથી સામાન્ય મતદાર પણ અસમંજસમાં છે. નેતાઓ માત્ર પોતાની સત્તા ટકાવી રાખવા માટે પક્ષ સાથેની વફાદારી નેવે મૂકીને ગમે તે હદ સુધી જવા તૈયાર હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે, જે આ ચૂંટણીઓને વધુ રોમાંચક અને જટિલ બનાવી રહ્યું છે.
આ સંજોગોમાં મતદારોની ભૂમિકા સૌથી મહત્વની બની જાય છે. શું મતદાર વ્યક્તિગત ઓળખ અને જ્ઞાતિના વાડાઓથી ઉપર ઉઠીને પોતાના વિસ્તારના વિકાસ માટે મતદાન કરશે? રસ્તા, ગટર, પાણી અને પાયાની સુવિધાઓ જેવા મુદ્દાઓ શું જ્ઞાતિવાદી સમીકરણોની ભીંસમાં દબાઈ જશે? સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એ લોકશાહીની પાઠશાળા છે અને જો અહીં જ સત્તાના સ્વાર્થ અને જ્ઞાતિવાદનું ગ્રહણ લાગશે, તો તેની અસર છેક ઉપર સુધી પહોંચશે. રાજકીય પક્ષોએ એ સમજવાની જરૂર છે કે ચૂંટણીઓ જીતવા માટે ટૂંકા ગાળાના ગણિતો ભલે કામ લાગે, પરંતુ જનતાનો લાંબા ગાળાનો વિશ્વાસ માત્ર પારદર્શક વહીવટ અને નિષ્ઠાવાન ઉમેદવારોથી જ મેળવી શકાય છે. આગામી દિવસોમાં જ્યારે પ્રચારના પડઘમ વાગશે, ત્યારે જ્ઞાતિવાદ અને વિકાસવાદ વચ્ચેની આ લડાઈ કયા વળાંકે જાય છે તેના પર સૌની મીટ મંડાયેલી રહેશે.
નરેન્દ્ર જોષી

