Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsGujarat

શહેરમાં આગ લાગવાથી લોકોની ૪૪૦ કરોડની મિલકત સ્વાહા થયાનો દાવો

૧૯૬૦ લોકો દાઝી જવાનાં તેમજ કેટલાકનાં મરણ થવાનાં કિસ્સા બન્યા

મ્યુનિ.હદ વિસ્તરણમાં શૂરાપૂરા સત્તાધીશો ફાયર સહિતની સુવિધા પૂરા પાડવામાં નિષ્ફળ : વિપક્ષ નેતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ — શહેરનાં વિસ્તરણ સાથે આગ જેવી કુદરતી અને માનવસર્જીત હોનારતોનાં કિસ્સામાં ચોંકાવનારો વધારો નોંધાયો છે, ત્યારે પાંચ વર્ષમાં આગ-અકસ્માતોનાં કારણે લોકોની ૪૪૦ કરોડની વિવિધ પ્રકારની મિલકતો સ્વાહા થઇ ગયાનો દાવો ફાયર બ્રિગેડ તરફથી આપવામાં આવેલી માહિતીનાં આધારે મ્યુનિ. કોંગ્રેસ પક્ષનેતાએ કર્યો હતો.મ્યુનિ. સામાન્ય સભાની રાબેતા મુજબની બેઠકમાં ઝીરો અવર્સનાં પ્રારંભે મ્યુનિ. વિપક્ષનેતાએ જણાવ્યું હતું કે, રોડ, પાણી, ગટર વગેરે પ્રકારની પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની મ્યુનિ.ની ફરજ છે, તેની સાથે સાથે જાતજાતની કુદરતી અને માનવસર્જીત હોનારત-દુર્ઘટના-અકસ્માત વગેરેમાં પણ રાહત બચાવ વગેરે પ્રકારની કામગીરી કરવાની જવાદારી પણ મ્યુનિ.તંત્રની છે, જેના માટે ફાયર બ્રિગેડ વિભાગની રચના કરવામાં આવેલી છે.તેમણે કહ્યું કે, ઉનાળાની મોસમ આવે ત્યારે પ્રચંડ ગરમી અને અન્ય કારણોસર જુદા જુદા વિસ્તારોમાં રહેણાંક અને કોમર્શિયલ એકમોમાં આગ લાગવાનાં કિસ્સા વધી જતાં હોય છે. છેલ્લા દસ વર્ષમાં આગ લાગવાનાં ૨૪,૪૮૯ બનાવ બન્યા છે અને ૧૯૬૦ લોકો દાઝી જવાનાં તેમજ કેટલાકનાં મરણ થવાનાં કિસ્સા બન્યા છે. તેમાંય સને ૨૦૨૩-૨૪નાં વર્ષમાં આગ-અકસ્માતોનાં કારણે જ પ્રજાને ૧૩૮.૨૪ કરોડનુ જંગી નુકશાન વેઠવુ પડ્યું છે. આ બધા આંકડા જોતાં શહેરમાં દરરોજ આગ લાગવાનાં સરેરાશ ૨૧૦ કિસ્સા નોંધાય છે. તે જોતાં આગામી ઉનાળાની મોસમ શરૂ થાય તે પહેલાં જ સાવચેતીનાં પગલા લેવાની જરૂર છે.મ્યુનિ. કોંગ્રેસ પક્ષનેતા શહેઝાદખાન પઠાણે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, મ્યુનિ.હદ વિસ્તરણમાં ચોક્કસ લોકોનાં હિત-લાભને ધ્યાને રાખવામાં આવ્યા છે અને મ્યુનિ.હદ વિસ્તણમાં શૂરાપૂરા સત્તાધીશોએ આજની તારીખે પ્રાથમિક સુવિધાઓ અને ફાયર બ્રિગેડની સુવિધા પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ પૂરવાર થયાં છે. વર્ષોથી હાઇરાઇઝ ઇમારતોને મંજૂરી આપી બણગાં ફૂંકતા મ્યુનિ. સત્તાધીશો ઉંચી સ્નોરસ્કેલ ખરીદી શક્યા નથી. દોઢ વર્ષ અગાઉ સ્ટે.કમિટીમાં દરખાસ્ત મંજૂર થયા પછી પણ વિદેશથી મંગાવેલી સ્નોરસ્કેલ અમદાવાદ સુધી પહોંચી નથી. જોકે વિપક્ષનેતાનાં આક્ષેપનો જવાબ આપતાં સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણીએ કહ્યું કે, ૫૦ માળની ઉંચાઇ સુધી પહોંચી શકે તેવી સ્નોરસ્કેલ ખરીદવા માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતું, જર્મનીની કંપની દ્વારા સ્નોરસ્કેલ બનાવવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં અમદાવાદમાં આવશે. તદઉપરાંત શહેરમાં ૧૦ કિલોમીટરે એક ફાયર સ્ટેશનની નીતિ અપનાવવામાં આવી છે અને ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઇ છે.

Related posts

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા રોટરી નૂતન વર્ષની અનોખી શરૂઆત : “સ્કૂલ ચલે હમ” પ્રોજેક્ટ અંતર્ગત જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ બેગ અને નાસ્તાનું વિતરણ કરાયું

Reporter1

ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મેડિકલ બિલના નવા નિયમો આવ્યા

Master Admin

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને સાંસદ હેમંગ જોષીના મુખ્ય અતિથિ તરીકે આંતરરાષ્ટ્રીય BIMSTEC પરિષદમાં ઉપસ્થિત; યુથ એમ્બેસેડર વિદિત શર્માએ 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચેલી માનસિક આરોગ્ય જાગૃતિ ઝુંબેશની માહિતી આપી

Master Admin

Leave a Comment

Translate »