Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

શહેરમાં દરરોજ સરેરાશ ૧૮૪ લોકોને કૂતરાં કરડ્યાં

૩ લાખથી વધુ રસી અપાઇ

જાહેર માર્ગો ઉપર અને સોસાયટીઓ-ચાલીઓમાં આવતાંજતા નાના બાળકો સહિત નાગરિકોને કૂતરાં કરડી જવાનાં કિસ્સા વધ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ — શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં અને કરડતાં કૂતરાંની સમસ્યા ગંભીર બની છે, છેલ્લા પાંચ વર્ષનાં આંકડા જોતાં દરરોજ સરેરાશ ૧૮૪ લોકોને કૂતરાં કરડ્યાની વિગતો મ્યુનિ. ચોપડે નોંધાઇ છે.મ્યુનિ. સામાન્ય સભાની બેઠકમાં ઝીરો અવર્સની શરૂઆતમાં કોંગ્રેસ પક્ષનેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં રખડતાં અને કરડતાં શ્વાનનો આતંક જોવા મળે છે. કૂતરાં પકડવાથી માંડીને તેને પાંજરે પૂરવા સહિતની મ્યુનિ.ની જૂની પરંપરાગત પદ્ધતિ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાયા બાદ રખડતાં કૂતરાંની સંખ્યામાં વધારો થયો છે અને શિયાળાની મોસમમાં તો રખડતાં કૂતરાં વધુ આક્રમક બનતાં હોવાનું જણાયુ છે.જાહેર માર્ગો ઉપર અને સોસાયટીઓ-ચાલીઓમાં આવતાંજતા નાના બાળકો સહિત નાગરિકોને કૂતરાં કરડી જવાનાં કિસ્સા વધી ગયાં છે. અમુક લોકો મ્યુનિ.ની સેવા લેવાને બદલે ખાનગી ડોક્ટર પાસે જઇ રસી મૂકાવતાં હોવાથી તેવા લોકોની સંખ્યા જાણવા મળતી નથી. પરંતુ મ્યુનિ. હેલ્થ ખાતાનાં આંકડા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં રખડતાં કૂતરાં કરડવાનાં ૩.૪૧ લાખ કિસ્સા બન્યા છે અને આટલી જ સંખ્યામાં હડકવાવિરોધી રસી આપવામાં આવી છે તેમ તેમણે જણાવ્યું હતું.શહેરમાં રખડતાં કૂતરાંને મારવાને બદલે ખસીકરણ અને રસીકરણ અભિયાન ચલાવવામાં આવે છે, તેમાં પણ જોઇએ તેવી ઝડપ જણાતી નથી તેવો આક્ષેપ કરતાં મ્યુનિ. વિપક્ષનેતાએ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં રખડતાં કૂતરાંને લગતી ૪૦ હજારથી વધુ ફરિયાદો નોંધાવા પામી છે અને ૧.૩૮ લાખ કૂતરાં પકડીને ખસીકરણ કરવામાં આવ્યુ છે તેવી માહિતી તેમને આપવામાં આવી છે. આ ખસીકરણ કરતી એજન્સીઓને પાંચ વર્ષમાં ૧૩.૪૬ કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે. છતાંય શહેરમાં રખડતાં અને કરડતાં કૂતરાંની સમસ્યા ઠેરની ઠેર જ રહી છે તેવો આક્ષેપ કરતાં શહેઝાદખાન પઠાણે કહ્યું કે, રખડતાં કૂતરાંને પકડીને ખસીકરણ કર્યા બાદ તેને મૂળ જગ્યાએ છોડી દેવામાં આવે છે અને ખસીકરણથી રખડતાં કૂતરાં નહિ કરડે તેની કોઇ ગેરંટી જ નથી.જોકે, મ્યુનિ. તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગત અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં કૂતરાં કરડવાનાં કેસોમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૬માં જ સાડા આઠ હજારથી લોકોને કૂતરાં કરડી ગયાની ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઇ છે.

Related posts

હિન્દુ સનાતન ધર્મના સંસ્કારો અને પરંપરાઓને ઉજાગર કરતો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો

Master Admin

શહેરમાં ચોમાસા પહેલાં ૧૦૦૦ પરકોલેટીંગ વેલ કાર્યરત થઇ જશે

Master Admin

કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ

Master Admin

Leave a Comment

Translate »