Nirmal Metro Gujarati News
article

સાત કુમારગથી જો બચી જશો તો એ જ સારામાં સારો માર્ગ છે

 

હું કોઈ પ્રતિબંધ લગાવવા નથી આવ્યો,પણ ઉઘાડ કરવા આવ્યો છું.

આપણે નરમાંથી નરોત્તમ અને નરોત્તમમાંથી નારાયણ બની શકીએ,જો આ સાત મર્યાદાનું પાલન કરીએ તો.

મારાથી રહેવાતું નથી એટલે હું કથા કરું છું.

ફરી અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં હવે પછીની કથા થાય એવા પ્રયત્નો ચાલુ છે.

ચરણ સાથે જોડાયેલી બધી જ ચીજો અદભુત છે.

 

દક્ષિણી અમેરીકીનાં આર્કાન્સાનાં લિટલ રોકની નયન રમ્ય ભૂમિ પર ચાલી રહેલી રામકથાનાં સાતમા દિવસનો સંવાદ શરૂ થતાં પહેલા નરેશભાઇએ ગઇકાલની કથાનો અંગ્રેજી સાર અનુવાદ રજૂ કર્યો.નાની-મોટી અનેક જિજ્ઞાસાઓને કથા સાથે વણી લેતા બાપુએ આરંભે આજે ચાર જુલાઈએ અમેરિકાનો સ્વતંત્રતા દિવસ,અહીં આવેલા બધાને તેમજ અહીંની જનતા અને પ્રેસિડેન્ટ ટ્રમ્પને ખૂબ ખૂબ વધાઈ સાથે કહ્યું કે આપ બધા ખુશ રહો.

આજે ગુજરાતના સમર્થ હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિ હતી.

કોઈએ પૂછ્યું કે અમારા માટે કયો માર્ગ આપ કહેશો જેના ઉપર અમે ચાલી શકીએ?બાપુએ કહ્યું કે મારે કોઈ માર્ગ બતાવો નથી પણ એક જ વાત કહેવી છે કે સાત કુમારગથી જો બચી જશો તો એ જ સારામાં સારો માર્ગ છે.

વેદ વ્યાસ કહે છે કે આ જીવ અને સાધક સાત મર્યાદાનું ઉલ્લંઘન ન કરે તો એ માર્ગી છે,સાચા માર્ગે છે,સાચા રાહી,પથિક,યાત્રી છે.

ધીરે ધીરે સાત વસ્તુ છોડતા જઈએ:

એક-જુગાર-દ્યુત:આખું મહાભારત મદ્ય અને દ્યુતનાં કારણે મહા સંહારનાં વમળમાં લપેટાઈ ગયું.

તમે કેસીનો-કસીનો અથવા તો કંઈક રમતા હશો,હું કોઈ પ્રતિબંધ લગાવવા નથી આવ્યો,પણ ઉઘાડ કરવા આવ્યો છું.

આપણે નરમાંથી નરોત્તમ અને નરોત્તમમાંથી નારાયણ બની શકીએ,જો આ સાત મર્યાદાનું પાલન કરીએ તો સરસ્વતી અને વ્યાસની કૃપા પણ જીવનમાં ઉતરે અને જીવનની મંઝીલ સિદ્ધ થાય. બીજું છે-મદ્ય-શરાબ:નશીલી ચીજનું સેવન ન કરો.હું કહીશ તો આપ બંધ કરવા વાળા નથી પણ ધીમે ધીમે ઓછું કરો.અને હું કંઈક એવું આપને પીવડાવવું જે(રામકથા)તો આપને આ વસ્તુઓ છૂટી જશે અને માનસથી સારામાં સારું કંઈ નથી.દરેક કથાથી મને સંતોષ થાય છે. મનોરથીઓ પણ તરત બીજી કથા માંગે છે એમને પણ પુરો સંતોષ થાય છે.એટલે જ હું કહું છું કે મારાથી રહેવાતું નથી એટલે હું કથા કરું છું અને થઈ શકે તો ફરી અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં હવે પછીની કથા થાય એવા પ્રયત્નો ચાલુ છે.

સામને હો તો ઇશારા કરો,ચલા જાયે તો પુકારા કરો! જગતમાં દરેક વ્યક્તિની ખુશીઓ અને એના ગમ અલગ-અલગ હોય છે.સાવ નજીક હોવા છતાં ન સમજી શકે એ કાં તો અંધ કાં તો અંધારામાં હોય છે માનસ આપણું પાલક છે.હું પણ પાલક બનું અને શોષક ન બનું એવા પ્રયત્ન કરું છું.

પણ આપણને કપટ,દંભ અને માયા પરેશાન કરે છે. આપણે છુપાવીએ છીએ એ કપટ છે.અને આપણામાં જે નથી એ દેખાડીએ છીએ એ દંભ છે અને આ બંને ખેલ જે કરાવે છે એ માયા છે.

જિનકે કે કપટ દંભ નહીં માયા;

તિનકે હૃદય બસહુ રઘુરાયા.

જેને યાદ કરીને આપણે રડી શકીએ એ આપણું પાલક છે.એ રોવું પણ પ્રસન્નતા ભરેલું છે.

નેટવર્ક કરીએ એ જુગાર જ છે.

ત્રીજું છે-શિકાર:શિકારનો વ્યાપક અર્થ છે હત્યા. શિકાર માત્ર શસ્ત્રોથી જ ન થાય,વાણીથી,મનની મલિનતાથી,આંખોથી પણ થાય છે.સૌંદર્ય,પ્રતિષ્ઠા અને સંપત્તિનો શિકાર પણ થાય છે.કોઈનો તેજોવધ કરવો,કોઈનું ચરિત્ર હરણ કરવું,કોઈની પ્રતિષ્ઠા તોડવા માટે ચાલ ચાલવી એ શિકાર જ છે.

ચોથું છે-અકારણ સંઘર્ષ:સંઘર્ષ ઉર્જા ખતમ કરે છે. ચંદનના શીતળ ઝાડ પણ સંઘર્ષ કરે તો સળગી જાય છે.

પાંચમુ-કોઈપણ સ્ત્રીનું અપમાન.છઠ્ઠુ-અપ્રિય સત્ય. અને સાતમું-કુસંગ.આવા સાત કુમાર્ગોથી બચીએ તો આપણે માર્ગી છીએ.

તર્કજ્ઞ,મર્મજ્ઞ અને સર્વજ્ઞમાં શું ફરક છે?

તર્કજ્ઞ બુદ્ધિપ્રધાન હોય છે,મર્મજ્ઞ એ છે જે ભજનાનંદી છે,હાર્દિક છે અને સર્વજ્ઞ જેણે પરમ તત્વ મેળવી લીધું છે.

જનકપુરીમાં રામ લક્ષ્મણ આવ્યા.સિતા ભક્તિ છે, ભગવાન હંમેશા ભક્તિનાં ભવનમાં નિવાસ કરે છે અને અહીંથી આમ્રકુંજ,સુંદરસદન,જનકપુર, પુષ્પવાટીકા,રંગભૂમિ,વિવાહ મંડપ પછી કોહબર લીલા અને સીતાની સાથે અયોધ્યા-એ ક્રમમાં કથા આગળ વધે છે.

નગર દર્શન માટે જનકપુર જોવા જાય છે.બ્રહ્માનંદને જ માનનારાઓને પરમાનંદ આપે છે.નિર્ગુણમાં બ્રહ્માનંદ અને સગુણમાં પરમાનંદ મળે છે.

મોટા લોકોથી ડરવું એ નીડર બનાવે છે આ અદભુત પણ જલ્દી સમજમાં ન આવે એવું સૂત્ર છે.

રામ-લક્ષ્મણ ગુરુની ચરણસેવા કરે છે પણ હું આ પ્રસંગ ઓછો કહું છું કારણ કે વ્યક્તિ પૂજા અને ઘેલછા સુધી લોકો જાય એનો ડર લાગે છે.

ચરણ સાથે જોડાયેલી બધી જ ચીજો અદભુત છે જેમાં ચરણ રજ,ચરણ પ્રક્ષાલન,ચરણામૃત,ચરણ સેવા અને ચરણ પાદુકાનો મહિમા છે પણ વ્યક્તિ પૂજા,શોષણના ડર અને કલી પ્રભાવથી આ પ્રસંગ ઓછો કહેવાતો હોય છે.પરાગ જ પારસમણી છે. બાપુએ ત્રિભુવન દાદાની આજ્ઞારૂપી તમામ સેવા સો ટકા માની એની વાત કરી અને કહ્યું કે એટલે જ હું કથા કહું છું.દરેક પ્રકારની સેવા સાવિત્રી મા એ અને ચરણ સેવા મારા ગામના માધા બાબરે કરી એ વાત કરી.

માનસમાં બે વાટિકા છે:જનકની પુષ્પવાટીકા અને રાવણની અશોક વાટિકા.તેમાં સમાનતા પણ છે તફાવત પણ છે.જનકની વાટિકા વિદેહ નગરમાં છે, રાવણની દેહ નગરની વાટિકા છે.જનકની વિદ્યાવાનની વાટિકા છે,રાવણની વિદ્વાનની વાટિકા છે.જનકની વાટિકામાં ફળ નથી,માત્ર ફૂલ છે.કારણકે ફળની આકાંક્ષા ન કરે એવું કર્મ કરે છે.રાવણની અશોક વાટિકામાં ફળ જ છે,ફૂલ નથી.ભોગવાદીઓ ફળની જ ઈચ્છા રાખે છે.ત્યાં માસુમિયત નથી,મહેંક નથી.

એ પછી રામ લક્ષ્મણ ગુરુપૂજા માટે અને સીતાજી ગૌરીપૂજા માટે બાગમાં આવે છે.ધનુષ્ય ભંગ પછી ચારે ભાઈઓના વિવાહ અને અયોધ્યામાંથી વિશ્વામિત્રની વિદાય બાદ બાલકાંડનું સમાપન થાય છે.

Related posts

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ લોંચ કરે છે આકાશ ઇન્વિક્ટસ – મહત્તમ ગેમ-ચેન્જર JEE તૈયારી કેમ્પસ, હવે વડોદરા માં

Reporter1

City to host Aabra Ka Dabra Kids Carnival: A unique blend of fun and social impact

Reporter1

હું સંકલ્પનું ગંગાજળ હાથમાં લઈને કહું છું: રામાયણ અને મહાભારત રાખો અને તમને કંઈ મુશ્કેલી પડે તો અડિયો દડિયો મારા ઉપર!”-બાપુ

Reporter1
Translate »