Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

સોસાયટીના છત્રપતિ! ભાઈગીરીનું GST – ગુનાહિત સત્તાનો ટેક્સ!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

સુરત શહેર હીરા-કાપડથી નહીં, હવે સોસાયટીની ભાઈગીરીથી પ્રખ્યાત થઈ રહ્યું છે. દરેક સોસાયટીમાં એક એવો પ્રમુખ હોય જે ચૂંટાયેલો ન હોય, પણ ચૂંટાયેલા કરતા વધારે પાવરફુલ હોય. એનું નામ? “ભાઈ”!

૧. ભાઈગીરીનો જન્મ કેવી રીતે?
સોસાયટી બને, ૨-૪ લોકો ભેગા થાય, મીટિંગ રાખે. પછી કોઈ “ભાઈ” ઊભા થાય. બોલે એટલું બધું કે બાકીના કંટાળીને કહે “લે ભાઈ, તું જ સંભાળી લે”. અને બસ, ત્યારથી એ સોસાયટીના બિનતાજ બાદશાહ બની જાય. બાય-લોઝ? એ તો ફક્ત રદ્દીના ભાવે વેચવાના કાગળ.

૨. ભાઈગીરીનું GST
GST એટલે ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ નહીં સાહેબ, અહીં GST એટલે “ગુનાહિત સત્તાનો ટેક્સ”. મેઈન્ટેનન્સના નામે ૫૦૦ વધારે, પાર્કિંગના નામે ૧૦૦૦, તહેવારના નામે ૨૦૦૦. હિસાબ માંગો તો જવાબ એક જઃ “તને વિશ્વાસ નથી?!” વિશ્વાસ હોય તો હિસાબ કેમ નહીં?!

૩. કાયદો ખિસ્સામાં, ધમકી જીભે
ભાઈનું ડાયલોગ સાંભળવા જેવો હોય. “મને બધા ઓળખે”, “મ્યુનિસિપાલિટીમાં મારો માણસ બેઠો છે”, “પોલીસ સ્ટેશન મારા સસરાનું છે”. પછી શું? તમારું ગેરકાયદે બાંધકામ છે એમ કહીને તોડવાની ધમકી. રાત્રે મોડા ઘરે આવો તો “દારૂ પીને આવ્યો છે” કહીને રેડની ધમકી. IPS કલમ ૩૮૪ અને ૫૦૬ એમને માટે બર્થડેની તારીખ જેવી છે.

૪. પ્રજા એટલે આપણે
અને આપણે? આપણે બધા પ્રજા. સારું મકાન લીધું, સારી સોસાયટીમાં રહેવા આવ્યા. પણ શાંતિ ખરીદી ન શક્યા. કારણ કે ભાઈગીરી સામે બોલે એટલે એનો વાંક. “નવો આવ્યો છે, એને ખબર ન પડે”. “એને તો ઝગડા કરવાનો શોખ છે”.
સૌથી રમુજી વાત એ કે ભાઈ જાતે ક્યારેય નિયમ ન તોડે. એ નિયમ જ બનાવે! એની કાર પાર્કિંગમાં ઉભી રહે તો “વિશેષાધિકાર”. તમારી બાઇક ૨ ઇંચ આગળ જાય તો “નોટિસ”.

૫. ઇલાજ શું?
ઇલાજ એક જ છે – એકતા. ભાઈ એકલો બળવાન છે કારણ કે આપણે વીખરાયેલા છીએ. ૧૦ લોકો ભેગા થઈને પૂછો કે ભાઈ, છેલ્લા ૩ વર્ષનો ઓડિટ રિપોર્ટ ક્યાં છે? તો ભાઈની બોલતી બંધ.

CCTNS પોર્ટલ, સોસાયટી રજિસ્ટ્રાર, પોલીસ ફરિયાદ – કાયદાના બધા રસ્તા ખુલ્લા છે. ભાઈ પાસે ધમકી છે, આપણી પાસે કલમ ૩૮૪ છે. એની પાસે દાદાગીરી છે, આપણી પાસે ૧૧૨ છે.

અત્રે અંતે સાહેબ, સોસાયટી એટલે સાથે રહેવાની જગ્યા, સાથે લડવાની જગ્યા નહીં. પ્રમુખ એટલે સેવક, શાસક નહીં. મેઈન્ટેનન્સ એટલે વિકાસ માટે, વેરો વસૂલવા માટે નહીં.

ખેર, રખે એ યાદ રાખો – ભાઈગીરી ત્યારે જ ટકે જ્યારે ડર ટકે. ડર જાય એટલે ભાઈ પણ “સર, એક મિનિટ” કહેતો થઈ જાય.
સમાજ જાગશે તો જ સોસાયટી સુધરશે. નહીં તો આપણે ભાડાના મકાનમાં રહેતા હોઈએ અને ભાઈ પોતાના રાજમાં!જય સોસાયટી, જય લોકશાહી!

Related posts

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ યોજાયો

Reporter1

નરસૈયાંની ચૈતસિક અને દિલેર ભૂમિ ગોપનાથથી ૯૬૫મી રામકથાનો રાસોત્સવ શરૂ થયો

Reporter1

અબ્રાહમ કરારઃ બદલાતા વૈશ્વિક રાજકારણનો અરીસો – ટ્રમ્પ વિરુદ્ધ મોજતબા ખામેની અને બદલાતા મધ્ય પૂર્વ ભૂરાજનીતિ – શું પશ્ચિમ એશિયામાં એક નવું ધ્રુવીય રાજકારણ ઉભરી રહ્યું છે?

Master Admin

Leave a Comment

Translate »