Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

૧ એપ્રિલથી ઈંડા પર એક્સપાયરી ડેટ લખવી ફરજિયાત કરાઇ

ઉત્તર પ્રદેશ સરકારે ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો

આ નિયમ પશુપાલન વિભાગ અને ખાદ્ય સુરક્ષા વિભાગના નિર્દેશથી લાગુ કરવામાં આવી રહ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશ,તા.૧૭ માર્ચ ૨૦૨૬ — ઉત્તર પ્રદેશ સરકારે ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે. હવે ૧ એપ્રિલથી રાજ્યમાં દરેક ઈંડા પર ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ લખવી ફરજિયાત કરી દીધું છે. તેનો અર્થ છે કે, હવે દુકાનદાર તાજા ઈંડા છે એવું કહીને જૂના કે ખરાબ ઈંડા વેચી શકશે નહીં. ગ્રાહક પોતે જ તારીખ જોઈને સમજ શકશે કે, ઈંડા કેટલા તાજા છે અને ક્યાં સુધી સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે.આ નિયમ પશુપાલન વિભાગ અને ખાદ્ય સુરક્ષા વિભાગના નિર્દેશથી લાગુ કરવામાં આવી રહ્યો છે. મુખ્ય પશુ ચિકિત્સાધિકારીએ જણાવ્યું કે, ઈંડા સીધા માણસના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે. પહેલા ઘણી જગ્યાએ પડતર કે વાસી ઈંડા વેચવામાં આવતા હતા અને ગ્રાહકોને ખબર પડતી નહોતી કે ઈંડા કેટલા તાજા છે. હવે આ નિયમ લાગુ થયા પછી પારદર્શિતા આવશે અને લોકોને સુરક્ષિત ઈંડા મળી શકશે.

સામાન્ય તાપમાનમાં (લગભગ ૩૦ ડિગ્રી સેલ્સિયસ) ઈંડા માત્ર બે અઠવાડિયા સુધી સારા રહે છે. જો તેને ઠંડી જગ્યાએ (લગભગ ૨ થી ૮ ડિગ્રી સેલ્સિયસ) રાખવામાં આવે તો તેનો ૫ અઠવાડિયા સુધી ઉપયોગ સ્વાસ્થ્ય માટે સારો છે. પરંતુ ઘણાં દુકાનદાર અને વેપારી ઠંડા સ્ટોરેજનો યોગ્ય ઉપયોગ કરતા નહોતા. હવે એક્સપાયરી ડેટની છાપણીથી ગ્રાહક સરળતાથી ચેક કરી શકશે.
જો કોઈ વેપારી કે દુકાનદાર નિયમનું પાલન ન કરે, તો તેના ઈંડાં જપ્ત કરી લેવામાં આવશે. કાં તો તેને નષ્ટ કરી દેવામાં આવશે અથવા તેના પર સ્પષ્ટ લખી દેવામાં આવશે કે આ માણસના ઉપયોગ માટે સુરક્ષિત નથી. વિભાગ કડક તપાસ કરશે અને કાર્યવાહી કરશે.

યુ.પી. જેવા મોટા રાજ્યમાં હાલમાં માત્ર બે મુખ્ય કોલ્ડ સ્ટોરેજ છે. એક આગ્રામાં અને એક ઝાંસીમાં. ખાદ્ય સુરક્ષાના નિયમો અનુસાર, ઈંડાંને શાકભાજી સાથે એક જ કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાતા નથી, કારણ કે બંનેની તાપમાનની જરૂરિયાત અલગ-અલગ હોય છે. વ્યવસ્થા હજુ મર્યાદિત છે, પરંતુ સરકાર કહે છે કે હવે બહાનાં ચાલશે નહીં. બધાએ નિયમનું પાલન કરવું પડશે.
પહેલાં ગ્રાહકને અંદાજ લગાવવો પડતો હતો કે ઈંડું કેટલું જૂનું છે. ઘણી વખત જૂના ઈંડાં ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થતું હતું. હવે ઈંડું પોતે જ તેની ઉત્પાદન તારીખ અને એક્સપાયરી જણાવશે. આનાથી લોકો વધુ સારી પસંદગી કરી શકશે અને સુરક્ષિત ખોરાક ખાઈ શકશે. પશુપાલન વિભાગના અધિકારીઓ કહે છે કે આ નિર્ણય માત્ર એક આદેશ નથી, પરંતુ ઉપભોક્તા સુરક્ષાની મજબૂત કડી છે. જલદી જ આ નિયમનું આખા રાજ્યમાં કડક અમલ કરવામાં આવશે. દુકાનદારો અને ઉત્પાદકોને પહેલેથી તૈયારી કરવાની સલાહ આપવામાં આવી છે. આ પગલું ઉત્તર પ્રદેશમાં ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ છે.

Related posts

રાહુલ ગાંધીના ઘરે AI સમિટને બદનામ કરવા માટે ષડયંત્ર રચાયું

Master Admin

RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત

Master Admin

બંગાળ ચૂંટણી માટે ભાજપે ૧૪૪ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

Master Admin

Leave a Comment

Translate »