Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

૨૩ વર્ષીય યુવતીએ ૧૦મા માળેથી કૂદીને કર્યો આપઘાત

ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર,તા.૨૦ મે ૨૦૨૬ — જામનગર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા પંચેશ્વર ટાવર નજીક આવેલા હાઈરાઈઝ બિલ્ડિંગ ’શાલિગ્રામ એપાર્ટમેન્ટ’માં એક ૨૩ વર્ષીય યુવતીએ ૧૦માં માળેથી પડતું મૂકીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.

મળતી વિગતો અનુસાર, આપઘાત કરનાર યુવતીની ઓળખ ૨૩ વર્ષીય દ્રષ્ટિ જતીનભાઈ પારેખ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવતી આ શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતી ન હતી, પરંતુ કોઈ અગમ્ય કારણોસર તે બિલ્ડિંગમાં પ્રવેશી હતી અને સીધી ૧૦માં માળે પહોંચી ગઈ હતી. ઘટના સમયે યુવતીએ કેસરી રંગનું ટી-શર્ટ અને કાળો ટ્રાઉઝર પહેરેલો હતો. ૧૦માં માળેથી નીચે પછાડાતા યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ જામનગર શહેરની સીટી એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવતીની લાશનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે જી.જી. હોસ્પિટલ ખસેડી છે. આ ચકચારી આત્મહત્યા મામલે એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં યુવતી બિલ્ડિંગમાં પ્રવેશતી અને ઉપર જતી જોવા મળી રહી છે. જો કે, યુવતીએ કયા સંજોગોમાં અને કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું તે કારણ હજી સુધી અકબંધ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરી, પરિવારજનોની પૂછપરછ સાથે આપઘાતનું સત્ય બહાર લાવવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Related posts

બે દિવસ પહેલા જ રીપેર કરવામાં આવેલો રોડ ફરીથી બિસ્માર હાલતમા

Master Admin

કચ્છના રાપરમાં ’મામાદેવ મંદિર’ના પૂજારીએ ગાંજો વાવ્યો

Master Admin

૧૪૦૦ કિલો પનીર બનાવવા ઔદ્યોગિક એસિડનો ઉપયોગ થયો હોવાનો રિપોર્ટ

Master Admin

Leave a Comment

Translate »