Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

‘અમારી આવી હતી મહાશિવરાત્રી’ “મહાશિવરાત્રિ નો કઠોર ઉપવાસ”

“અનંતનો નિર્મલાનંદ-૭૪”
અનંત દવે ‘ઢ ’ (અમદાવાદ)

જન્મોજન્માંતર થી બ્રાહ્મણ અને શિવજી… બે વચ્ચે એક ગજબ નો સંબંધ….!!!
બદલતા જમાનામાં બધા વારની સાથે અગિયારસ, પુનમ,અમાસ ની સાથે સાથે બીજા ઘણા તહેવાર ની ઉજવણી સાથે વ્રત રાખી ઉપવાસ, એકટાણા, નકોડો ઉપવાસ, ઉભી એકાદશી, નિર્જળા એકાદશી… જેવા અનેક કઠીન તહેવાર વચ્ચે…
જન્માષ્ટમી, રામનવમી અને મહાશિવરાત્રી ના તહેવાર સાથે વ્રત નું મહાત્મ્ય તો… કોઇ વિશિષ્ટ જ રહ્યું છે….!!!
અને એમાં મહાશિવરાત્રી ની વાત કોઇ અતિવિશિષ્ટ છે.
શિવભક્તો માટે તો શિવજી ની આ પવિત્ર દિવસ દરમ્યાન મંદિરમાં આરાધના ની વચ્ચે…. ઉપવાસ ના મઝેદાર ફરાળી વ્યંજનો અને મીઠાઇઓ વચ્ચે…. છાંટાપાણી રુપે થતી ભાંગ ની પ્રણાલી કરનાર નો શિવભક્તો હંમેશા અંતરથી આભાર માનતા આવ્યા છે અને આજીવન અનંતકાળ સુધી માનતા રહેશે….!!!

આ અતિ કઠણ મનાતા મહાશિવરાત્રી ના ઉપવાસ ના તપમાં આધાર કરવા માટે વપરાતા ફરાળ નું અમારા ધરમાં મહત્વ કાંઇક જુદુ જ છે…!!!

મેં તો જોયું છે કે… ઘણા લોકો ફરાળ એટલે એમાં અસંખ્ય વાનગી આરોગતા હોય છે….!!!
પણ મારા ઘરમાં બધું લીમીટમાં જ હોય….!!!
તહેવારનું મહાત્મ્ય તો જળવાવવું જોઇએ ને….!!!
ફરાળમાં અમે કોઇ બહુ ધમાલ ના કરીએ….!!!!
આ બધામાં મારા પિતાજી અને દાદા ના વખતથી સખતાઈ જોતો આવ્યો છું… અને મેં એ પ્રણાલી આજે મેં જાળવી રાખેલ છે….!!!
આમ તો… મારા નાનપણથી હું જોતો આવ્યો છું….. કે…. અમારા ખાનદાનમાં શ્રીખંડ ઘરે જ બનાવીએ એટલે આગલી રાતે મસ્કો બનાવવા થોડું દહીં બાંધી દઇએ…
અને વળી અમારા છ સાત જણા માટે જોઇએ કેટલું…???
ત્રણ કિલ્લો દહીં તો ભઇલા…બહુ થઇ ગયું…!!!??? પાછો તહેવારમાં બગાડ પણ ન થવો જોઈએ… એ નહીં જોવાનું… !!!???
મેં તમને ના કહ્યું…
મારા ઘરમાં મહાશિવરાત્રી પર ફરાળ બધું લીમીટમાં જ હોય….!!!
તો…જ… તહેવાર અને વ્રતનું મહાત્મ્ય જળવાય….!!!
અને તમને જણાવી દઉં આ શ્રીખંડ સાથે ફરાળી રસાવાળું બટાકા નું શાક જ બનાવવાનું અને..
પેલો સ્વામિનારાયણ મંદિર માંથી પવિત્ર ફરાળી લોટ આવે છે ને…??
એ ખાલી એક કિલ્લો લોટની થોડીક જ પુરી બનાવીએ…. અને પાછો થોડો સ્વાદ જળવાઈ રહે માટે થોડા વઢવાણી મરચાં સાથે સાથે તળી ને મસાલો છાંટીને સાઇડમાં રાખીએ….!!!
બાકી…. શું… પાછું…. તેલ ગરમ હોય એટલે ભેગી ભેગી બટેટાની થોડી કાત્રી તળી લઇએ ને થોડા સિંગદાણા તળી ને મસાલો છાંટીને પણ બનાવી રાખીયે….
એ..પણ.. બહુ નહીં…હોં…!!!
કારણકે…. પાછું…. આ વ્રત નું ઠેકાણું નહીં બપોરે ચા ના સમયે નાના છોકરા આ કઠોર વ્રત ના કારણે… બાપડા… ભુખ્યા થાય તો… કટકબટક જોડે હોય તો આ વ્રતમાં તેમને થોડો આધાર રહે…ને…!!!???
એ નહીં જોવાનું….??
મહાશિવરાત્રિ મા અમે ફરાળ બનાવવાની કોઇ ઝાઝી માથાકૂટ કરીએ જ નહીં…!!!
અને….. પાછા છ જણાના ઘરમાં બધાના સ્વાદ થોડા સરખા હોય…!!! તમે જ કહો…!!!
અમારા દિકરાની વહુ તો ફરાળમાં અમારા કરતાં પણ વધુ સાદાઈ જાળવે…એને આવું બધું જરાય ના ફાવે એટલે ઇ… એની જાતે જ સાઈડમાં થોડી મોરૈયા ની વઘારેલી ખીચડી બનાવી લે…!!!
અમારી વહુ નો હાથ રસોઈમાં બહુ સરસ… અને મોરૈયા ની ખીચડી વારતહેવાર વગર પણ વારે ઘડીએ થોડી બનાવતા જ હોઇએ છીએ…. એટલે સ્વાદ બધાને દાઢે વળગેલો હોય….. એટલે…અમારા વહુ સમજીને મોરૈયા ની ખીચડી થોડી અદકી બનાવેલી જ હોય.. (અદકી = વધારે) એટલે…. અમારા જેવા બાકીના શિવભક્તો ને પણ ચાર પાંચ કોળિયા મળી જાય… !!! વધારે અપેક્ષા ના રાખીએ…!!!
બાકી મેં તમને વાત તો કરી ને કે…. મારા ઘરમાં મહાશિવરાત્રીમા ફરાળ બધું લીમીટમાં જ બને….!!!
પાછું તહેવાર અને વ્રતનું મહાત્મ્ય તો જળવાવું જ જોઇએ ને….!!!
બીજાની જેમ નહીં….!!!???
અમારે મહાશિવરાત્રીનુ વર્ષોથી ફિક્સ મારા જે બે સાઢુ અમદાવાદમાં છે એ મારે ત્યાં જ હોય…. બસ અમારે તકલીફ એમની જ…. એ બન્ને ઘરમાં બનાવેલ ફરાળ ના પહેલેથી વિરોધી…
પણ… શિવરાત્રી તો કરવાની જ… એમાં તો પાક્કા….
એટલે એ લોકો વી. એસ. હોસ્પિટલ ની પાસેની મહેતામાથી ફરાળી બફવડા ને ફરાળી પાત્રા કે સાબુદાણા વડા…. આપડે ગમે એટલી ના પાડીએ તો પણ…. ધરાહાર ઇ ઝાલતા જ આવે… એમને કોણ ના પાડે… બોલો…તમે જ કહો…!!!
આ બધા વચ્ચે મારા વાઇફ…. એને ખબર છે શિવરાત્રીમા ફરાળ કરતા કરતા બપોરના બે વાગી જ જવાના જ છે….!!! એટલે સવારે વહેલા ઉઠે ને અમે બધા દિનચર્યા પતાવીએ ત્યાં સુધી સીંગદાણા શેકી, ભુક્કો કરી ને તેના બે ભાગ કરી એક ભાગ નો સીંગપાક બનાવે, બહુ નહીં ખાલી એક જ થાળી, અને બીજા ભાગ ને ગરમ ઘી અને દળેલી ખાંડ એલચી માં ભેળવી મસ્ત લાડુ બનાવી રાખે…!!!
આવા કઠોર વ્રતના દિવસમાં…. હાલતા ચાલતા કાંઇક તો જોઇએ ને… સાવ એમ થોડું હોય…!!! તમે જ કહો…!!!
“પાછા ડોક્ટર ને ત્યાં શક્તિના બાટલા ચડાવવા પડે તો…???!!!”
બાકી મેં તમને કહ્યું ને કે…. શિવરાત્રિના કારણે દરરોજ કરતાં જે સમય બચે… તેમાં શિવનું નામ સ્મરણ કરવામાં સમય પસાર કરીએ….
અમારા સાઢુ આવે એટલે પહેલા શિવમંદિર ના દર્શન કરી… સૌપ્રથમ મહાશિવ પ્રસાદ ’ભાંગ’ થી થાય…!!!
’લીમીટમાં એટલે લીમીટમાં જ પીવાની…..!!!’
’એક લોટાથી જરાય વધારે નહીં એટલે નહીં જ પીવાની…!!!’
ક્યાંક ભાંગ ચડી ના જાય એનું પણ ધ્યાન રાખવાનું ને….!!!
સાઢુભાઇ ને તો.. વર્ષોથી તાંબાનો સિક્કો ગેસ પર બરોબર તપાવી… ભાંગમાં બોળી ને પછી જ પીવે…!!! એવી ટેવ…!!!
પછી,
ઘરમાં બનાવેલું અને બીજું બહારથી લાવેલું ફરાળ નો સાઢુ સાથે લાભ લીધો…!!!
પછી આડા પડખે પડ્યા…
‘પાછી ઉપવાસ ના કારણે ખાલી પેટે ઉંઘ પણ ના આવે…’
તોય અમે જોકે પલંગ પાસેના ટેબલ પર ઘી માં તળેલા થોડા મસાલાવાળા સીંગદાણા અને થોડી લીલી દ્રાક્ષ રાખીએ…. કારણકે આ કઠોર ઉપવાસ ને કારણે ચક્કર બક્કર ચડે તો થોડો આધાર કરી લઈએ…!!!
પાછું નાના છોકરાઓ અને ભાણેજડાને થોડું રોકી શકાય….!!! બાળક તો બાળક જ છે ને…!!! આપણે સમજીએ… નાના છોકરા ને થોડું સમજાવાય..??!!
એ લોકો પણ… માંગે તો ખરા..ને..!!!
અમારે ત્યાં મારા પિતાજી ના સમયથી કડક નિયમ… કે બપોરની ચા સાથે કોઇ ઘરમાં બનાવેલ ફરાળ લેવાનું જ નહીં…!!!! એટલે…. થોડા તૈયાર પેકેટો બાલાજીની બટાકાની વેફર અને કેળાના ખડખડિયા અને બટાકાની છીણ નો સિંગ સાથેનો તીખો મોળો બંને ચેવડો હોય…!!!
(કોઇ ને મોળો ચેવડો ના ભાવે તો… પાછું… ત્યારે ક્યાં બહાર નીકળવું… !!! તમે જ કહો…!!! બાકી ફરાળમાં મર્યાદા તો જાળવવાની જ…!!!)
’તમે સમજ્યા નહીં…!!! કોક ને તીખો ના સદે તો… મોળો ય હોય.. તો કોઇ ઝાઝો ફેર થોડો પડવાનો છે…!!!… તમે જ કહો…!!!”
બપોરે ઝાઝી માથાકૂટ કરવાની નહીં…. એ અમારા કુટુંબમાં પહેલેથી…. સિદ્ધાંત થી જ ચાલવાનું…. ઇમોં કોઇ ફેર ના પડવો જોઈએ….!!!
બપોરે પાંચ પછી ઠેક સાંજના સાત વાગ્યા સુધી શિવજીના વરઘોડામાં હું ને સાઢુ કુટુંબ સાથે ઘર ઘર શિવજીની સ્થાપના થાય…. ધુન ભજન કરતાં કરતાં થાકી ને ઘર પર આવીએ…. ને ત્યાં તો…. તમારા ભાભી જે સાબુદાણા સવારે પલાળી રાખ્યા હોય…. એની ઘડીકમાં મસાલેદાર ખીચડી ને સાથે થોડું ગળ્યું મોઢું થાય એટલે આખા દાડા ના થોડા વધેલા બાફેલા બટાકા અને શક્કરીયાં પડ્યા તા… એનો શીરો ઘડીકમાં હડી કાઢતા બનાવી નાખ્યો…!!! બોલો…
“તમે જોયું ને…. બોલો… ઈનામાં આળસ નામની ના મળે….!!! પાછી ઉત્સાહી પણ ભારે….. !!!”
અમારા ઘરમાં પહેલાથી… તહેવારમાં ઘરની લેડીઝો પર ફરાળી રસોઈ બનાવવા કોઈ બળજબરી નહીં કરવાની…!!!
એને ય પણ…તહેવાર જેવું તો થોડું લાગવું જ જોઈએ ને… ???
મેં તો શિવરાત્રી માં ઘણા લોકોને ત્યાં જોયું છે….!!!!
અમુક લોકો ને ત્યાં તો શિવરાત્રિ પર ઘરમાં ‘રાંધણ છટ’ જેવું વાતાવરણ બનેલું હોય….!!!
ઘરના બ્હૈરા તો આખો દિવસ જરાય ફ્રી જ ના હોય…!!!
અને તમે તો જાણો જ છો… ને…. આપણે પહેલેથી જ….. આ બાબતના વિરોધી રહ્યા છીએ…!!!
ઘરમાં સ્ત્રીઓને તહેવાર પર આઝાદી નામની પણ ના હોય….!!! એ કેમ ચાલે….!!!!! આપણાથી આવું જોયું ના જાય….!!!
હજી અમે જમી ને હિંચકા પર થોડીવાર બેઠા ત્યાં તો
તમારી ભાભી સમારેલા જામફળ, સફરજન, કેળા, મોસંબી…. દાડમના દાણા અને દ્રાક્ષ ની માથે પાછો ફ્રુટ મસાલો છાંટીને બનાવેલ ફ્રુટ ડીશ ની બનાવેલ બે થાળી બધા વચ્ચે મુકી ગઇ…..!!!! બોલો….???!!!
અને હજુ આ પુરુ કરીએ ત્યાં વેનિલા આઈસ્ક્રીમ નાખીને બનાવેલ કાજુ અંજીર નું મિલ્ક શેક મુકી ગઇ…!!!!
એમ સમજી ને કે થોડી ઠંડક છે… તો…. થોડો શરીર ને ગરમાવો રહે ને….!!!અને… પાછો આખા દિવસનો ઉપવાસ હોય એટલે થોડો આધાર રહે….!!! એવું એ વિચારે…!!!
બોલો આને કોણ પુગે….!!!
પાછી… પોતાની બેનો પણ આવી હોય ને…!!!
આમ તમારા ભાભી આખો દિવસ રસોડામાં બહુ ના રહ્યા હોય… એટલે સાંજે ઘર પર આવેલા મહેમાન ને થોડું સારું પણ લાગે ને….!!!!
નહિતર મહેમાન ને એવું લાગે કે તહેવાર ને દાડે આવ્યા ને મહેમાન નું જરાય ધ્યાન ન રાખ્યું….!!!
બોલો…. તમારી ભાભી થી બનાવ્યા વગર રહેવાય નહીં….!!!
એટલે થોડું બનાવી નાખ્યું..!!
પાછો…આપણે… આખો દહાડો ફરાળ લીમીટ માં જ બનાવવાનો દાબ રાખ્યો હોય એટલે હું પણ થોડીવાર માટે આંખ આડા કાન કરી લઉં….!!!
બસ પછી તો આ બાજુ સાઢુ ૩૦ કિ. મી. દુર થી આવે એટલે એમને ત્યાં જતી વખતે…. થોડું ટીફીન ભરી ને નિકળ્યા….!!!!
(એ તો શું…. આટલે દુર થી પોતાને ત્યાં પહોંચે ત્યારે છોકરાને આધાર પુરતું જ…)
અને આ બાજુ …આપણે બાપુ… કાલે આ ઉપવાસ ના પારણા કરવા માટે… ફાફડા જલેબી થી કરવાનું પ્લાનીંગ કરી શિવજીનું નામ સ્મરણ કરતાં કરતાં સુઇ ગયા….!!!
બોલો… આવી ગઇ હતી….અમારી મર્યાદાપુર્વક ની મહાશિવરાત્રિ…
અને
અમારી પાસેથી એટલું શીખ જો …. શિવરાત્રિ, રામનવમી કે જન્માષ્ટમી જેવા તહેવાર માં ફરાળી રસોઈ બનાવવામાં અમારા જેવો સંયમ તો જાળવજો….!!!
નહિતર આવનારી આપણી જ નવી પેઢી ને… એક ખોટો મેસેજ જશે…!!!
અનંત દવે ’ઢ’ ના મહાશિવરાત્રિ… પર જય મહાદેવ… જય સોમનાથ… જય જગદીશ

Related posts

ગાય ચૂપ રહે ત્યારે મુનિ છે,ભાંભરે છે ત્યારે ઋષિ છે

Reporter1

iOS Devices At Greater Risk of Phishing Attacks: Lookout

Reporter1

પર્યાવરણીય સંરક્ષણ – કુદરતી સંસાધનોને માફિયાઓથી મુક્ત કરાવવા માટે શાસનનો પડકારઃ બંધારણીય જવાબદારીઓ, કાનૂની વ્યવસ્થા અને માનવતાનું ભવિષ્ય – એક વ્યાપક વિશ્લેષણ

Master Admin

Leave a Comment

Translate »