બુટલેગરનો નવો કીમિયો નાકામ
પોલીસે કુલ ૧૦.૧૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક શખસની ધરપકડ કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪ એપ્રિલ ૨૦૨૬ — અમદાવાદમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો હવે પોલીસને થાપ આપવા માટે અવનવા હાઈટેક કીમિયા અપનાવી રહ્યા છે. સરખેજ પોલીસે સાણંદ-સરખેજ હાઈવે પર બાતમીના આધારે દરોડો પાડીને કેમિકલના બેરલમાં છુપાવીને લવાતી વિદેશી દારૂની ૫,૬૦૦ બોટલો ઝડપી પાડી છે. પોલીસે કુલ ૧૦.૧૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક શખસની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, ૧૩મી એપ્રિલના રોજ સરખેજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, સાણંદ-સરખેજ હાઈવે પર આવેલી સાગર હોટલ પાછળ ’સહયોગ એસ્ટેટ’ના ગોડાઉન નંબર-૧માં મુંબઈથી કેમિકલના નામે દારૂનો મોટો જથ્થો આવ્યો છે. પોલીસે ગુજરાત ગુડ્સ સર્વિસ ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉન બહાર પડેલા લોખંડના ૮ મોટા બેરલ શંકાસ્પદ જણાતા તેને ખોલાવતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ જથ્થો મહારાષ્ટ્રના વસઈ ઈસ્ટ સ્થિત જ્યોતિ કેમિકલ્સ ટ્રેડર્સમાંથી મોકલવામાં આવ્યો હતો. બિલ્ટી અને દસ્તાવેજોમાં ’વી.વી. કેમિકલ્સ’ના નામે ‘Pu Hardner’ કેમિકલ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ માલ અમદાવાદના સરખેજ થઈને ગાંધીધામ મોકલવાનું મોટું ષડયંત્ર હતું.
હાલ પોલીસે ૫,૬૦૦ વિદેશી દારૂની બોટલો સહિત ૧૦,૧૨,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. માલની ડિલિવરી લેવા આવેલા આકાશ ભરવાડ (ડ્રાઈવર)ની ધરપકડ કરવામાં આવી છે.
ઝડપાયેલા ડ્રાઈવર આકાશ ભરવાડે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, બે મહિના પહેલા ધ્રાંગધ્રામાં એક અજાણ્યા શખસે તેને વધુ ભાડાની લાલચ આપી આ કામમાં જોડ્યો હતો. તેને ફોન પર સૂચના મળી હતી કે સરખેજથી કેમિકલના બેરલ ગાંધીધામ પહોંચાડવાના છે. પોલીસ તપાસમાં ટ્રાન્સપોર્ટ મેનેજર ગ્યાસુદ્દીન ઉર્ફે સાજીદભાઈ પાસે રહેલા દસ્તાવેજો પણ બોગસ હોવાનું બહાર આવ્યું છે. સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધી દારૂ મોકલનાર અને મંગાવનાર અન્ય ફરાર આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

