સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩
ચાંદની પડવો અને સુરતી ઘારી — જમણ, મરણ અને બજાર વચ્ચેની મીઠી કથા!
સુરત માટે એક જ કહેવત પૂરતી છે — સુરતનું જમણ અને કાશીનું મરણ. આ જમણનો તાજ એટલે ઘારી. અને ઘારીનો તાજદાર દિવસ એટલે ચાંદની પડવો!
૧૨ મહિનાનો વેપાર એક દિવસમાં
સુરતના કંદોઈ કહે છે — બાર મહિનામાં જેટલી ઘારી નથી વેચાતી, એટલી એક ચાંદની પડવે વેચાય છે. એ દિવસે ઉજાણી છે, મિજબાની છે. નોકરિયાતથી માંડીને મિલમાલિક સુધી — બધાના ઘરે ઘારી જોઈએ. આજે તો ઘણા સમાજ અને મંડળો પણ ઘારી બનાવીને વેચે છે — કોઈ સેવા માટે, કોઈ મંદિરના ભંડોળ માટે. ઘારી હવે ધંધો નથી, ઉત્સવ છે.
ઘારીનો મૂળ સંબંધ મરણ સાથે
ઘણાને ખબર નથી, પણ અસલી ઘારી મીઠાઈ તરીકે નહીં, મરણોત્તર વિધિ તરીકે શરૂ થઈ. મરણ પછી ૧૨મા અને ૧૩માના દિવસે દૂધપાક સાથે ઘારી પીરસવાની પ્રથા હતી. કારણ? ઘી-માવો શક્તિ આપે, દુઃખી પરિવારને ટકાવે. ત્યાંથી ધીમે ધીમે એ શુભ પ્રસંગમાં આવી. આજે પણ જૂના સુરતીઓ ૧૩મા પર ઘારી જ પીરસે છે.
કેમ મોટી કંપનીઓ ઘારી નથી બનાવતી!?
આ સવાલ બધા પૂછે છે — ટેસ્ટ ઓફ ઈન્ડિયા, દૂધ પીતા હૈ ઈન્ડિયા — દૂધની બધી બનાવટ બનાવે છે, પણ સુરતી ઘારી નથી બનાવતી. કારણ સીધું છે — ઘારી મશીનની મીઠાઈ નથી, હાથની કળા છે. મેંદાનું પાતળું પડ, અંદર બુરા ખાંડ વાળો માવો, ઉપર ઘીનો હાથ — આ બધું કારીગરના અંદાજથી થાય, ફોર્મ્યુલાથી નહીં. એટલે જ ઘારી આજે પણ સુરતની જ રહી છે.
આરોગ્ય ખાતું અને ઘારીનું રાજકારણ!
ચાંદની પડવાના એક મહિના પહેલાથી આરોગ્ય ખાતું ચેકિંગ શરૂ કરે છે — માવો અને ઘીના સેમ્પલ લેવાય છે. પણ બજારમાં ચર્ચા એવી પણ છે કે કેટલાક સુખડિયા-કંદોઈ-મીઠાઈવાળા ભ્રષ્ટ અધિકારીઓને ખુશ રાખવા મોટી રકમના કવર અને ઘારીના બોક્સ મોકલી દે છે. અને પછી એ જ બોક્સ બજારમાં ૫૦% ભાવે રીસેલ થઈને રોકડા થઈ જાય છે એવી ફરિયાદો પણ ઉઠે છે. આમાં કેટલું સત્ય, કેટલું બજાર ગપ્પું — એ તો તપાસનો વિષય છે, પણ સુરતીઓ આ વાત ચાંદની પડવે દર વર્ષે કરે છે!
આઝાદી પછીનો તો એક બીજો કિસ્સો બહુ જાણીતો છે. સુધરાઈનાં ધોતિયાદાસ નગરસેવકો મફતમાં ગજા બહારની ઘારી ઝાપટી જતા. બીજે દિવસે તબિયત બગડે અને અખબારમાં હેડિંગ આવે — “ઘારી ખાતા ધોતિયા ખરડાયા”. આ હેડિંગ આજે પણ જૂના પત્રકારો યાદ કરે છે!
બ્લોટિંગ પેપર વાળી ઘારીનો કિસ્સો!
સૌથી ચોંકાવનારો કિસ્સો આઈટી રેડ દરમિયાન બહાર આવેલો. એક ઉત્પાદક ત્યાં માવાને બદલે દૂધી છીણીને નાખતો, ઘીને બદલે મીણ પીગાળીને નાખતો અને ઘારીનું કોટિંગ કરવા દૂધમાં પલાળેલા બ્લોટિંગ પેપરનું મિશ્રણ કરતો. પકડ કેમ થયો? હિસાબમાં ખાંડનું બૂરું અને રતલામી માવાના બિલ સાથે સ્ટેશનરીનું બિલ નીકળ્યું — શાહી ચૂસ કાગળ (બ્લોટિંગ પેપર)ની મોટી ખરીદીનું! અધિકારીને શંકા ગઈ અને આખું કૌભાંડ પકડાયું!
આજે એ દિવસો ગયા, પણ સસ્તી ઘારીના નામે હજુ પણ ભેળસેળ થાય છે એ હકીકત છે!
તો શું કરવું!?
ચાંદની પડવો માણો, પણ ડહાપણથી. વિશ્વાસુ દુકાનેથી જ ઘારી લો, બહુ સસ્તી ઘારીથી બચો, અને ડાયાબિટીસવાળા માપમાં ખાઓ!
ચાંદ આકાશમાં છે, ઘારી થાળીમાં છે — પણ સુરતીપણું તો એ બંનેને સાથે માણવામાં છે. એ જ તો સુરતનું જમણ!
બજારમાં વેચાતી ખુલ્લી / ચીલાચાલુ ઘારી અને જાણીતી સહકારી દૂધ મંડળીની ઘારી વચ્ચેનો તફાવત…!
૧. ઉત્પાદન સ્થળ
બજારુ ઘારી ખુલ્લામાં બનતી હોવાથી ધૂળ, માખી અને પ્રદૂષણથી ભરેલી હોય છે, જ્યારે જાણીતી ઘારી સ્વચ્છ, હાઈજેનિક પ્લાન્ટમાં, હાથ અડાડ્યા વગર પેક થાય છે.
૨. કાચો માલ
બજારુમાં વાસી ઘી અને નકલી માવાનો ઉપયોગ થાય છે, જ્યારે જાણીતી ચોખ્ખા ઘી અને શુદ્ધ માવાથી બનતી હોય છે.
૩. ભેળસેળ
મુક્ત બજારમાં આર્ટિફિશિયલ ફૂડ કલર અને એસેન્સ નાખીને બનાવાય છે, જ્યારે જાણીતીમાં આર્ટિફિશિયલ ફૂડ કલર કે એસેન્સ હોતા નથી. તે કુદરતી કેસર, બદામ, પિસ્તાથી બને છે.
૪. બનાવટ
બજારુ હાથથી વાળવામાં આવે છે જેથી અસ્વચ્છતા રહે છે, જ્યારે જાણીતી મશીનથી પેક થતી હોવાથી ૧૦૦% હાઈજેનિક અને એક્સપોર્ટ ક્વોલિટી છે.
૫. તારીખ
બજારુ ઘારી કેટલા દિવસની છે તે ખબર નથી પડતી, જ્યારે જાણીતી ઘારી મેન્યુફેક્ચરિંગ ડેટ તથા એક્સપાયરી ડેટ સાથે આવે છે.
૬. પેકિંગ
બજારુ ખુલ્લી હોવાથી જલ્દી બગડી જાય છે, જ્યારે જાણીતી એરટાઈટ ડબ્બા પેકિંગથી લાંબો સમય તાજી રહે છે.
એ વાસ્તે પરામર્શ પછી નિષ્કર્ષઃ આમ, બજારુ, ચીલાચાલુ, ઘટિયા છાપ ઘારી કરતા જાણીતી ઘારી અલગ તરી આવે છે અને માનવ સ્વાસ્થ્ય તથા ક્વોલિટીના મામલે ચાંદની પડવો માણવા સારું શુદ્ધ સુરક્ષિત રહેલી હોય છે!શરદ પૂર્ણિમા સહ ચાંદની પડવાની શુભેચ્છા!
