Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

‘જેને જવું હોય જાય, હું બળજબરી નહીં કરું’

ટીએમસીમાં બળવાના સંકેત વચ્ચે મમતાનું મોટું નિવેદન

તાજેતરમાં સંપન્ન થયેલી બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસનો ગઢ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૧૬ મે ૨૦૨૬ — પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સત્તા ગુમાવ્યા બાદ અને વર્ષો પછી સૌથી મોટા રાજકીય ઝટકાનો સામનો કરી રહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મમતા બેનરજી હવે સંગઠનને નવા સ્તરેથી બેઠું કરવાની કવાયતમાં લાગી ગયા છે. કોલકાતાના કાલીઘાટ સ્થિત પોતાના નિવાસસ્થાને મમતા બેનરજીએ ચૂંટણી લડનારા પક્ષના તમામ ઉમેદવારો સાથે એક મહત્ત્વની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજી પણ હાજર રહ્યા હતા. હાર બાદ પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અને નેતાઓના પક્ષપલટાની અટકળો વચ્ચે મમતા બેનરજીએ સ્પષ્ટ કરી દીધું છે કે જેઓ પાર્ટી છોડવા માંગે છે, તેઓ જવા માટે સંપૂર્ણ આઝાદ છે.પાર્ટીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બેઠકમાં મમતા બેનરજીએ નેતાઓના પક્ષપલટાના અહેવાલો પર ખુલ્લીને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘જે લોકો બીજી પાર્ટીઓમાં જઈ રહ્યા છે, તેમને જવા દો. હું સંગઠનને ફરીથી નવેસરથી ઊભું કરીશ. જે લોકો મારી સાથે રહી રહ્યા છે, તેમને મારી વિનંતી છે કે જે પણ પાર્ટી ઑફિસને નુકસાન થયું છે તેને ફરીથી સરખી કરો, તેના પર રંગ-રોગાન કરો અને તેને ફરીથી શરૂ કરો. જો જરૂર પડશે તો હું પોતે પણ એ ઑફિસને પેઇન્ટ કરીશ, પરંતુ તૃણમૂલ કોંગ્રેસ ક્યારેય ઝૂકશે નહીં.’ આ અગાઉ ૫ મેના રોજ ચૂંટણી પરિણામોના બીજા દિવસે પણ તેમણે આ જ વાતનું પુનરાવર્તન કર્યું હતું કે તેઓ કોઈને પણ પાર્ટીમાં જબરદસ્તીથી રોકી રાખવામાં વિશ્વાસ નથી ધરાવતા.ટીએમસીએ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો શનિવારની આ સમીક્ષા બેઠક બાદ ટીએમસીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર નેતાઓની તસવીરો શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું કે, ‘આજે અમારા માનનીય ચેરપર્સન મમતા બેનરજી અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીએ કાલીઘાટ ખાતે તમામ ઉમેદવારો સાથે મુલાકાત કરી છે. આ એવા નેતાઓ છે જેમણે અકલ્પનીય અત્યાચારો અને સતત મળતી ધમકીઓ છતાં અદભુત હિંમત સાથે ચૂંટણી લડી છે. તૃણમૂલ કોંગ્રેસ એક પરિવારની જેમ એકજૂથ થઈને ઊભી છે. જેમણે જનતાનો જનાદેશ લૂંટ્યો છે, તેમની સામે અમે ક્યારેય નહીં ઝૂકીએ અને અંતે જીત હંમેશા સત્યની જ થશે.’તાજેતરમાં સંપન્ન થયેલી બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસનો ગઢ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો છે અને પાર્ટી સત્તા પરથી સીધી વિપક્ષની બેંચ પર આવી ગઈ છે. રાજ્યની કુલ ૨૯૪ વિધાનસભા બેઠકોમાંથી ટીએમસી માત્ર ૮૦ બેઠકો પર જ સમેટાઈ ગઈ છે. પાર્ટીએ ૨૯૧ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જ્યારે ૩ બેઠકો તેના સહયોગી પક્ષ બીજીપીએમ ને આપી હતી. ચૂંટણી લડનારા ૨૯૧ ઉમેદવારોમાંથી ૨૧૧ ઉમેદવારો પોતાની બેઠક હારી ગયા છે, જેમાં મમતા સરકારના કેટલાય દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓ સામેલ છે.

Related posts

પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૧૧ રૂપિયાનો વધારો

Master Admin

દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૧૭૨% નો વધારો થયો

Master Admin

બ્લેક ફ્રાઈડે : એક જ દિવસમાં સોનામાં ૧૬,૫૦૦નો કડાકો

Master Admin

Leave a Comment

Translate »