Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૧૭૨% નો વધારો થયો

ભારતમાં ચૂંટણી બાદ વધવાની આશંકા

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થતું રોકવા માટે તેના પરનો વધારાનો રૂ. ૧૦નો એક્સાઈઝ સેસ ઘટાડ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૭ એપ્રિલ ૨૦૨૬ — અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ શરૂ થયા પછી દુનિયાભરમાં ક્રૂડ ઓઈલ કટોકટી સર્જાઈ છે, જેને પગલે અત્યાર સુધીમાં અનેક દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી ગયા છે. ફિલિપાઈન્સમાં ડીઝલના ભાવમાં ૧૭૨ ટકાનો ઊછાળો થયો છે જ્યારે મ્યાંમારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ડબલ થઈ ગયા છે. જોકે, ભારતમાં હજુ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. પરંતુ દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારાની આશંકા સેવાઈ રહી છે.મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ શરૂ થયા પછી બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ ૭૧ ડોલરથી વધીને ૧૧૧ ડોલર સુધી પહોંચી ગયા છે. સપ્લાય અંગે અનિશ્ચિતતા વધી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા પડી ભાંગતા ફરી એક વખત બ્રેન્ટ ક્રૂડના ભાવ ઊછળવાની આશંકા સેવાઈ રહી છે.વૈશ્વિક સ્તર પર ગ્લોબલપેટ્રોલપ્રાઈસ.કોમના તાજા આંકડા મુજબ અમેરિકા-ઈરાન યુદ્ધ સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સૌથી વધુ વધારો કરનારા દેશોમાં ફિલિપાઈન્સમાં ૧૭૨ ટકા, લાઓસમાં ૧૬૯ ટકા, મ્યાંમારમાં ૧૬૧ ટકા, મલેશિયામાં ૧૨૪ ટકાનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલમાં ભાવવધારાની અસર હજુ સુધી ભારત પર જોવા મળી નથી. ભારતમાં કેટલાક વર્ષોથી પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂ. ૯૪.૭૭ અને ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ. ૮૭.૬૭ના સ્તરે સ્થિર છે.જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે, જેના કારણે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા પર અંકુશ મૂકેલા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થતું રોકવા માટે તેના પરનો વધારાનો રૂ. ૧૦નો એક્સાઈઝ સેસ ઘટાડી નાંખ્યો છે અને નિકાસ પરનો ટેક્સ પણ વધાર્યો છે.જોકે, એપ્રિલના અંતે ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલ પર તોતિંગ વધારાની આશંકા સેવાઈ રહી છે. મેકક્વેર ગૂ્રપના રિપોર્ટ મુજબ સરકારી ઓઈલ કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. ૧૮ અને ડીઝલ પર રૂ. ૩૫નું નુકસાન થઈ રહ્યું છે. અમેરિકા-ઈરાન યુદ્ધ પૂરું થવાના હાલ કોઈ સંકેત દેખાતા નથી. સરકારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખવા શક્ય તમામ પ્રયત્નો કર્યા છે. જોકે, હવે ભાવ વધારો રોકવો સરકાર માટે મુશ્કેલ બનશે તેમ મનાય છે.

Related posts

હિંદ મહાસાગરમાં જહાજ પર હુમલો, છતાં પીએમ મોદી ચૂપ : રાહુલ ગાંધી

Master Admin

ઘૂસણખોરોને વીણી-વીણીને દેશની બહાર કાઢીશું : શાહ

Master Admin

ઉત્તર ભારતમાં વરસાદ અને હિમવર્ષા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરાઈ

Master Admin

1 comment

Alice2836 April 18, 2026 at 1:01 am Reply

Leave a Comment

Translate »