Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

અમેરિકાએ હોર્મુઝની નાકાબંધી કરતાં ભારત-ચીન મુશ્કેલીમાં મૂકાયા

સંબંધો બગડવાની શક્યતા

બેઈજિંગે ટ્રમ્પની નાકાબંધીને ખતરનાક અને બેજવાબદાર ગણાવી છે અને તેનાથી અમેરિકા સાથે તણાવ વધવાની ચેતવણી આપી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૭ એપ્રિલ ૨૦૨૬ — ઈરાન સાથે શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી અમેરિકાએ વર્ષોથી આકરા પ્રતિબંધોનો સામનો કરતા ઈરાનના અર્થતંત્રને તોડી પાડવા હોર્મુઝની ખાડી પર નાકાબંધી કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ઈરાનના બંદરો પરથી આવતા તમામ જહાજોને પસાર નહીં થવા દેવાય તેવી ધમકી આપી હતી. ટ્રમ્પની આ જાહેરાતથી ઈરાનની સાથે એશિયામાં ચીન અને ભારત પર દબાણ વધારી રહ્યું છે. ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે આગામી મહિને બેઠક યોજાવાની છે ત્યારે અમેરિકાની નાકાબંધી ચીન સાથેની બેઠકને અસ્થિર બનાવી શકે છે.ઈરાને યુદ્ધ વિરામ માટે અમેરિકાની શરતો માનવાનો ઈનકાર કરી દેતાં ટ્રમ્પે હોર્મુઝની ખાડીની નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ ઈરાનનું ઓઈલ લઈને જતા જહાજોને હોર્મુઝ પાર કરવા દેવાતા નથી. અમેરિકાએ બે દિવસમાં ચીનના અનેક જહાજોને પાછા હટવા ફરજ પાડી છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના આ પગલાંથી અમેરિકાના એશિયાના બે મોટા દેશો ચીન અને ભારત સાથે સંબંધો જોખમમાં મુકી શકે છે.ઈરાનનું ૯૮ ટકા ઓઈલ ચીનમાં નિકાસ થાય છે ત્યારે ટ્રમ્પનું નાકાબંધીનું પગલું આગામી મહિને બેઈજિંગમાં યોજાનારી ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાતને અસ્થિર કરી શકે છે. ટ્રમ્પ મે મહિનાની મધ્યમાં બેઈજિંગ જવાના છે. અમેરિકન સરકારે છેલ્લા કેટલાક સપ્તાહમાં વારંવાર સંકેત આપ્યા છે કે બંને દેશો વચ્ચેના સંબંધો ઉચ્ચ સ્તરની આ બેઠક સરળતાથી આગળ વધી શકે તેટલા સ્થિર રહે. જોકે, ઈરાન સામેના યુદ્ધમાં હોર્મુઝ પર ટ્રમ્પની નાકાબંધીએ ચીનને વધુ આક્રમક બનાવ્યું છે.બેઈજિંગે ટ્રમ્પની નાકાબંધીને ખતરનાક અને બેજવાબદાર ગણાવી છે અને તેનાથી અમેરિકા સાથે તણાવ વધવાની ચેતવણી આપી છે. બીજીબાજુ અમેરિકાએ ચીન ઈરાનનને હથિયાર આપે તો ૫૦ ટકા ટેરિફની ધમકી આપી છે પરંતુ સામે ચીને પણ ટ્રમ્પને વળતા પ્રતિકારની ચેતવણી આપી છે. એશિયા સોસિયાટની વેન્ડી કટલરે કહ્યું કે, ઈરાન સામેનું યુદ્ધ ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાતના પ્રયાસોને ઉથલાવી શકે છે.બીજીબાજુ અમેરિકાની નાકાબંધીથી ટ્રમ્પે ભારતની પણ મુશ્કેલી વધારી છે. ટ્રમ્પે ઈરાનના ઓઈલ પરના પ્રતિબંધો એક મહિના માટે ઉઠાવતા ભારતે આઠ વર્ષ પછી ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ અને એલપીજીની આયાત કરી હતી. જોકે, હવે અમેરિકાએ પ્રતિબંધોમાં છૂટને લંબાવવાનો ઈનકાર કરતાં ભારતનું માનવું છે કે અમેરિકાની નીતિ ભારતના આર્થિક હિતો વિરુદ્ધ છે, જેની અસર અમેરિકા સાથે તેના જટિલ સંબંધો પર પડી શકે છે. ટેનેઆના અર્પિત ચતુર્વેદીએ કહ્યું કે, ભારત ઈરાન પાસેથી ઓઈલની આયાત ચાલુ રાખે તો વોશિંગ્ટન અને નવી દિલ્હીના સંબંધો બગડશે.જોકે, વિશ્લેષકોનું કહેવું છે કે ઈરાન સામેના સંઘર્ષમાં ટ્રમ્પના આર્થિક પ્રતિબંધો વચ્ચે બેઈજિંગ અને નવી દિલ્હી તરફથી આકરી પ્રતિક્રિયાની સંભાવના ઓછી છે. ભારત ક્રૂડ ઓઈલની ખરીદી માટે મધ્ય-પૂર્વના અન્ય દેશો, અમેરિકા તરફ વળી શકે છે, પરંતુ સમુદ્રમાં સીધો સંઘર્ષ અમેરિકાનો ચીન અને ભારત સાથે રાજદ્વારી તણાવ વધારી શકે છે.

Related posts

હોર્મુઝની ખાડી ફરી ખુલશે! અમેરિકા-ઈરાન વચ્ચે ‘કામચલાઉ’ શાંતિ કરાર ફાઈનલ

Master Admin

ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ૧૦ વિમાનો તોડી પાડ્યા

Master Admin

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભડકો

Master Admin

Leave a Comment

Translate »