Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ટ્રમ્પ પાસે અસંભવ મિલિટ્રી ઓપરેશન કે સમજૂતી સિવાય કોઈ વિકલ્પ નથી

ઈરાનનો ટ્રમ્પને ૩૦ દિવસના યુદ્ધવિરામનો ૧૪ મુદ્દાનો પ્રસ્તાવ

ઈરાને ૪૭ વર્ષ સુધી માનવતા પ્રત્યે કરેલા કૃત્યોની પૂરતી કિંમત ચૂકવી નથી : તહેરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવવાનો ટ્રમ્પનો સંકેત

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિગ્ટન, તા.૪ મે ૨૦૨૬ — દુબઈ/વોશિંગ્ટનઃ ઈરાનના રિવોલ્યુશનરી ગાડ્‌ર્સે રવિવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઈસ્લામિક ગણરાજ્ય સાથે ‘અસંભવ’ મિલિટ્રી ઓપરેશન અથવા સમજૂતી કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં હોવાનો દાવો કર્યો હતો. આ સાથે ઈરાને અમેરિકાને ૩૦ દિવસના યુદ્ધવિરામનો ૧૪ મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો હતો. જોકે, ટ્રમ્પે આ પ્રસ્તાવની સમીક્ષા કરવાની સાથે તે સ્વીકૃત નહીં હોય તેવા પણ સંકેત આપ્યા હતા. સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું કે, ઈરાને ૪૭ વર્ષ સુધી કરેલા કૃત્યોની હજુ સુધી યોગ્ય કિંમત ચૂકવી નથી. આ નિવેદને ફરી યુદ્ધ ભડકવાની આશંકા ઊભી કરી છે.મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયેલે ૨૮ ફેબુ્રઆરીએ ઈરાન સામે શરૂ કરેલું યુદ્ધ ૮ એપ્રિલથી અટકેલું છે. ત્યાર પછી પાકિસ્તાનમાં શાંતિ મંત્રણાનો નિષ્ફળ પ્રયત્ન થઈ ગયો છે. આ સિવાય ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી પર નાકાબંધી સામે અમેરિકાએ ઈરાનના બંદરો પર નાકાબંધી કરેલી છે. આ સામ-સામી નાકાબંધી વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની શાંતિ મંત્રણા થઈ શકી નથી અને ત્યારથી અમેરિકા અને ઈરાન ધાક-ધમકી વચ્ચે પરસ્પર શાંતિ પ્રસ્તાવો આપી રહ્યા છે.ઈરાનના રિવોલ્યુશનરી ગાડ્‌ર્સે કહ્યું કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પાસે યુદ્ધવિરામ અંગે નિર્ણય લેવાનો સમય ઘટી ગયો છે. તેમણે આ માટે ચીન, રશિયા અને યુરોપના વલણમાં આવેલા ફેરફાર ટાંક્યા હતા. આ સાથે ઈરાને પ્રમુખ ટ્રમ્પને ૧૪ સૂત્રોનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો હતો. ઈરાને કહ્યું, બંને પક્ષો વચ્ચે પેન્ડિંગ મુદ્દાનો ૩૦ દિવસમાં ઉકેલ આવવો જોઈએ અને યુદ્ધવિરામને લંબાવવાના બદલે યુદ્ધ સમાપ્ત કરવા પર ધ્યાન આપવું જોઈએ. તહેરાનના પ્રસ્તાવમાં ઈરાનની સરહદેથી અમેરિકન સૈન્ય દળોને પાછા હટાવવા, નાકાબંધી દૂર કરવી, ઈરાનની જપ્ત સંપત્તિઓને મુક્ત કરાવવી અને પ્રતિબંધ હટાવવાનો સમાવેશ થાય છે. સાથે લેબનોન સહિત બધા જ મોરચા પર યુદ્ધ સમાપ્ત કરવા અને હોર્મુઝની ખાડી માટે એક નવા તંત્ર પર સહમતીનો પણ ઉલ્લેખ કરાયો હતો.હોર્મુઝની ખાડીમાં ઈરાનના બંદરો પર અમેરિકાની નાકાબંધીના કારણે ઈરાનનું ચલણ રિયાલ સતત બીજા દિવસે રવિવારે યુએસ ડોલર સામે વધુ નબળું થયું હતું. તહેરાનના મુખ્ય ચલણ એક્સચેન્જ પર રિયાલ ડોલર સામે ૧૮.૪૦ લાખના નવા તળીયે ટ્રેડ થયો હતો. આગામી દિવસોમાં રિયાલમાં વધુ કડાકાની આશંકા છે. ઈરાનના પ્રસ્તાવ અંગે ટ્રમ્પે કહ્યું કે તેઓ તેની સમીક્ષા કરશે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તેવી શક્યતા ઓછી છે. ઈરાને છેલ્લા ૪૭ વર્ષમાં માનવતા અને દુનિયા સાથે કરેલા કૃત્યો માટે હજુ સુધી પર્યાપ્ત કિંમત ચૂકવી નથી. ફ્લોરિડામાં એરફોર્સ વનમાં સવાર થતા પહેલા ટ્રમ્પે કહ્યું, ઈરાનનો ૧૪ સૂત્રીય પ્રસ્તાવ તેમણે હજુ જોયો નથી. તેઓ તેની સમીક્ષા કરશે.

Related posts

ભારત એવો દેશ છે જે દરેક પક્ષ સાથે વાત કરી શકે છે

Master Admin

ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાએ ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ને પણ અટકાવ્યું

Master Admin

ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો : ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

Master Admin

Leave a Comment

Translate »