નરેન્દ્ર જોષી
તાજેતરમાં સોશિયલ મીડિયાના વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ્સ જેવા કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને એક્સ પર રિઝર્વેશન હટાવો અથવા અનામત હટાવો નામના એક નવા ટ્રેન્ડે ભારે ચર્ચા જગાવી છે. ગણતરીના દિવસો અને કલાકોમાં આ માધ્યમો પર પચાસ લાખથી વધુ યુવાનો જોડાયા હોવાના દાવો કરવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં તાજેતરમાં થયેલા કોકરોચ જનતા પાર્ટીના આંદોલન અને ડિજિટલ વિરોધ પ્રદર્શનની શૈલીથી પ્રેરિત થઈને આ નવો અવાજ સોશિયલ મીડિયા પર ઊભરી રહ્યો છે. ત્યારે આ વિષયે હવે ગુજરાતના રાજકારણ અને સામાજિક વર્તુળોમાં પણ ગરમાવો આણ્યો છે. પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા અગ્રણી ચહેરાઓ સહિતના આગેવાનોએ પણ આ મુદ્દાને સમર્થન આપતાં આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે બિન-અનામત અને વિવિધ સમાજોની એક મોટી બેઠક યોજવાની તૈયારીઓ દર્શાવી છે.
જોકે, આ સમગ્ર આંદોલન અને વિરોધના સૂર વચ્ચે સૌથી પ્રાથમિક અને ગંભીર પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ખરેખર દેશમાંથી અનામત હટાવવી કે નાબૂદ કરવી શક્ય છે? અથવા શું આ આંદોલનનું નામ અનામત હટાવો રાખવું યોગ્ય છે? જો ઊંડાણપૂર્વક અને તટસ્થ દ્રષ્ટિએ આ વિષયનું વિશ્લેષણ કરવામાં આવે તો સ્પષ્ટ જણાય છે કે અનામત હટાવો શબ્દપ્રયોગ પોતે જ ભ્રામક, અયોગ્ય અને સામાજિક અસંતોષ ઊભો કરી શકે તેવો સંવેદનશીલ છે. વાસ્તવિકતા એ છે કે સવર્ણ કે બિન-અનામત વર્ગના ગરીબ અને જરૂરિયાતમંદ યુવાનો અનામતને સંપૂર્ણપણે નાબૂદ કરવાની માંગ નથી કરી રહ્યા, પરંતુ તેઓ પોતે પણ આર્થિક આધાર પર ન્યાયિક હિસ્સેદારી અને અનામતની માંગ કરી રહ્યા છે. તેથી આ ચળવળને અનામત હટાવો આંદોલન કહેવાને બદલે અનામત સમીક્ષા આંદોલન કે અનામત સુધારા ચળવળ કહેવું વધુ વ્યાજબી અને તાર્કિક ગણાશે.
ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર રાતોરાત લાખો ફોલોઅર્સ કે લાઈક્સ મળી જવી એ જમીની સ્તરની ક્રાંતિ કે જનઆંદોલનનું સંપૂર્ણ ચિત્ર નથી હોતું. ઘરે બેઠા મોબાઇલની સ્ક્રીન પર એક ટચ કરીને સમર્થન આપવું અને રસ્તા પર ઉતરીને દૈહિક કે ભૌતિક રીતે આંદોલનમાં ભાગ લેવો – એ બંને વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. નીટ કે અન્ય રાષ્ટ્રીય પરીક્ષાઓના કરોડો વિદ્યાર્થીઓમાંથી જ્યારે રસ્તા પર આવવાની વાત બને છે ત્યારે માત્ર અમુક હજાર લોકો જ એકઠા થતા હોય છે. સોશિયલ મીડિયાનો આક્રોશ એ વિચારધારાત્મક સમર્થન હોઈ શકે છે, પરંતુ તે જમીની સત્ય કે ક્રાંતિનો આખરી આંકડો નથી. તેમ છતાં, યુવાનોમાં પ્રવર્તતી આ નિરાશા અને અસંતોષને અણદેખ્યો કરી શકાય તેમ નથી. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ૯૦ ટકા મેળવનાર વિદ્યાર્થી જ્યારે તકથી વંચિત રહી જાય અને ઓછા ગુણ મેળવનાર વ્યક્તિ આગળ નીકળી જાય ત્યારે જે માનસિક પીડા થાય છે, તેમાંથી આ પ્રકારના આંદોલનોનો જન્મ થાય છે.
ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરે જ્યારે બંધારણની કલમ ૨૪૧, ૨૪૨ અને ૨૪૩ હેઠળ અનામતની જોગવાઈ કરી હતી, ત્યારે તેમનો ઉદ્દેશ્ય દાયકાઓ અને સદીઓથી સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે વંચિત રહેલા પછાત સમાજોને મુખ્યધારામાં લાવવાનો હતો. પરંતુ ડૉ. બાબાસાહેબ આંબેડકરે પોતે પણ સૂચવ્યું હતું કે અનામતના અમલની દર દસ વર્ષે સમીક્ષા થવી જોઈએ. સુપ્રિમ કોર્ટે પણ પોતાના અનેક મહત્વપૂર્ણ ચૂકાદાઓમાં આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે કે સમય જતાં અનામત નીતિની સમીક્ષા થવી અત્યંત જરૂરી છે, જેથી તેના વાસ્તવિક હકદાર સુધી લાભ પહોંચી શકે.
આજે અનામત પ્રથામાં સૌથી મોટી સમસ્યા એ ઊભી થઈ છે કે જે પરિવાર અથવા વ્યક્તિ અનામતનો લાભ લઈને આઈએએસ, આઈપીએસ, કલેક્ટર, પ્રોફેસર કે વિજ્ઞાની બનીને આર્થિક અને સામાજિક રીતે સુખી-સંપન્ન થઈ ગયા છે, તેમની જ આગળની પેઢીઓ સતત અનામતનો લાભ લીધા કરે છે. પરિણામે, તે જ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે અન્ય પછાત વર્ગ ના છેવાડાના, ગામડાઓમાં રહેતા અને અત્યંત ગરીબ લોકો સુધી અનામતનો વાસ્તવિક લાભ પહોંચતો જ નથી. લાભનો નિયત કોટા એવા લોકો દ્વારા પૂર્ણ થઈ જાય છે જેઓ પહેલાથી જ સક્ષમ થઈ ચૂક્યા છે. જો કોઈ વ્યક્તિ મંદિરમાં દર્શન કરવા માટે લાઈનમાં ઊભી હોય અને આગળ પહોંચીને એમ કહે કે હું જ અહીં ઊભો રહીશ અને અન્ય લોકોને વારો નહીં આપું, તો પાછળ ઊભેલા સાચા ભક્તો વંચિત રહી જાય છે. અનામતમાં પણ આ જ સ્થિતિ સર્જાઈ છે. જે લોકો સક્ષમ થઈ ગયા છે તેમણે સ્વૈચ્છિક રીતે અથવા બંધારણીય સુધારા દ્વારા ક્રિમીલેયર માં આવીને સ્થાન ખાલી કરવું જોઈએ જેથી તેમના જ સમાજના વંચિત ભાઈ-બહેનોને આગળ આવવાની તક મળે.
જેમ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું હતું કે જે પરિવાર સક્ષમ હોય તેઓ રાંધણ ગેસની સબસિડી સ્વૈચ્છિક રીતે છોડી દે, અને દેશના કરોડો લોકોએ સબસિડી જતી કરીને ગરીબ પરિવારના ઘરમાં ગેસ સિલિન્ડર પહોંચાડવામાં મદદ કરી હતી; બરાબર તેવી જ ભાવના અનામતના ક્ષેત્રમાં પણ કેળવવાની જરૂર છે. જે લોકો બે-ત્રણ પેઢીથી લાભ મેળવીને આર્થિક રીતે સમૃદ્ધ થઈ ચૂક્યા છે, તેમણે સ્વેચ્છાએ કે કાયદાકીય સમીક્ષા દ્વારા અનામતનો ત્યાગ કરીને પોતાના જ સમાજના પછાત અને ગરીબ લોકોને તક આપવી જોઈએ. આ કોઈ એક સમાજનો બીજા સમાજ સામેનો વિરોધ નથી, પરંતુ સમાજના જ અંતરિયાળ ગરીબોને અધિકાર અપાવવાની ન્યાયિક લડાઈ છે.
કેન્દ્રીય નોકરીઓ અને શિક્ષણમાં અનુસૂચિત જાતિ માટે ૧૫ ટકા, અનુસૂચિત જનજાતિ માટે ૭.૫ ટકા અને અન્ય પછાત વર્ગો માટે ૨૭ ટકા અનામતની જોગવાઈ છે. આ ઉપરાંત, પછાત વર્ગમાં ક્રિમીલેયરની મર્યાદા રાખવામાં આવી છે. વર્ષ ૨૦૧૫માં ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલન બાદ કેન્દ્ર સરકારે બંધારણમાં ૧૦૩મો સુધારો કરીને આર્થિક રીતે નબળા વર્ગો માટે ૧૦ ટકા અનામતની જોગવાઈ કરી હતી. આ સુધારાથી એ સાબિત થયું કે સવર્ણ હોવું એ કોઈ પાપ કે શ્રીમંત હોવાની ગેરંટી નથી. બ્રાહ્મણ કે પાટીદાર સમાજમાં પણ અસંખ્ય એવા પરિવારો છે જેઓ અત્યંત ગરીબ અને આર્થિક રીતે વિપન્ન પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. ઐતિહાસિક રીતે પણ ભગવાન કૃષ્ણના મિત્ર હોવા છતાં સુદામા અત્યંત નિર્ધન હતા અને નરસિંહ મહેતા જેવા સવર્ણ ભક્ત પાસે પણ દીકરીના મામેરા માટે નાણાં નહોતા. તેથી માત્ર જાતિના આધારે કોઈને સમૃદ્ધ માની લેવું એ તાર્કિક નથી.
આગામી રવિવારે ગાંધીનગર ખાતે યોજાનારી બેઠક અને અનામત સમીક્ષા માટેની ચળવળ અંગે આંદોલનકારીઓને અને સામાજિક નેતાઓને પણ ખૂબ જ જવાબદારીપૂર્વક વર્તવાની જરૂર છે. આ મુદ્દો અત્યંત સંવેદનશીલ હોવાથી તેમાં વર્ગ વિગ્રહ કે જાતિગત વૈમનસ્ય ન ફેલાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો માત્ર બિન-અનામત વર્ગના લોકો એકઠા થઈને ઉગ્ર આંદોલન કે તોડફોડની ભાષા બોલશે, તો દેશમાં અરાજકતા ફેલાશે અને રસ્તાઓ પર દંગા-ફસાદ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આંદોલનકારીઓએ રસ્તા પર ઉતરીને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવાને બદલે અથવા ઉતાવળા નિર્ણયો લેવાને બદલે સકારાત્મક અને બંધારણીય માર્ગ અપનાવવો જોઈએ.
સૌથી ઉત્તમ અને પ્રગતિશીલ માર્ગ એ રહેશે કે ગાંધીનગર કે અન્ય કોઈ પણ સ્થળે યોજાનારી બેઠકોમાં માત્ર સવર્ણ કે બિન-અનામત વર્ગના નેતાઓ જ નહીં, પરંતુ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના તટસ્થ અને બુદ્ધિજીવી નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવે. એક સંયુક્ત મંચ પર બેસીને દેશના તમામ વર્ગોના પ્રતિનિધિઓએ આ મુદ્દે મંથન કરવું જોઈએ. તમામ સમાજોના નેતાઓએ એકસૂરે એ વાતનો સ્વીકાર કરવો પડશે કે અનામતનો લાભ માત્ર અમુક સક્ષમ પરિવારો સુધી સીમિત ન રહેતાં તેનાથી વંચિત રહેલા ગરીબો સુધી પહોંચવો જ જોઈએ. જ્યારે ચર્ચાનો હેતુ દલિત કે પછાત સમાજના હક્કો છીનવવાનો નથી પરંતુ તેમના જ ગરીબ ભાઈઓને હક્ક અપાવવાનો છે, ત્યારે કોઈ પણ સમાજ તેનો વિરોધ નહીં કરે.
અનામત નીતિમાં સમયાનુરૂપ સુધારા અને ક્રિમીલેયરના ધોરણોને વધુ કડક બનાવીને સમીક્ષા કરવી એ જ આ સમસ્યાનો કાયમી અને શાંતિપૂર્ણ ઉકેલ છે. ભારતમાં સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના મંત્રને સાર્થક કરવા માટે દરેક વર્ગના ગરીબ અને સક્ષમ યુવાનોને યોગ્ય ન્યાય મળે તે અનિવાર્ય છે. ઉગ્ર ભાષણો, તોડફોડ કે સોશિયલ મીડિયાના ટ્રેન્ડ્સથી દેશનું ભલું નહીં થાય, પરંતુ બંધારણીય અને શાંતિપૂર્ણ રીતે ચર્ચા કરીને અનામતમાં યોગ્ય સુધારા અને સમીક્ષા કરવાથી જ રાષ્ટ્ર નિર્માણનો માર્ગ પ્રશસ્ત થશે.
