Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmiknational

બાબા કેદારનાથ ધામના કપાટ ખુલ્યા, વહેલી સવારથી જ જામ્યો શ્રદ્ધાળુઓનો મેળાવળો

“બમ બમ ભોલે” અને “જય કેદાર”ના નારા લાગ્યા

કેદારનાથ ધામને બાર જ્યોતિર્લિંગમાંથી અગિયારમા તરીકે પૂજવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ પોતે જ્યોતિર્લિંગના રૂપમાં રહે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
દેહરાદુન, તા.૨૨ એપ્રિલ ૨૦૨૬ –– ઉત્તરાખંડમાં આવેલા પવિત્ર કેદારનાથ ધામ ખાતે ચારધામ યાત્રા ૨૦૨૬નો ભવ્ય પ્રારંભ શ્રદ્ધા અને ભક્તિભાવના વાતાવરણ વચ્ચે થયો છે. “બમ બમ ભોલે” અને “જય કેદાર”ના ગગનભેદી નારાઓ વચ્ચે શુભ મુહૂર્તમાં મંદિરના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર કેદારઘાટી ભક્તિમય બની ગઈ હતી. કપાટ ખુલતાની સાથે જ હજારો શ્રદ્ધાળુઓએ બાબા કેદારના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

અક્ષય તૃતીયાના શુભ અવસરે ચારધામ યાત્રાનો પ્રારંભ પહેલાથી જ ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામના કપાટ ખુલવાથી થઈ ચૂક્યો હતો, જ્યારે આગામી પડાવ તરીકે બદ્રીનાથ ધામના કપાટ ૨૩ એપ્રિલે ખોલાશે.

આ સાથે સમગ્ર ચારધામ યાત્રા પૂરજોશમાં શરૂ થવાની તૈયારીમાં છે અને દેશભરમાંથી લાખો ભક્તો ઉત્તરાખંડ તરફ પ્રયાણ કરી રહ્યા છે.

કેદારનાથ ધામમાં આ વર્ષે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિર સંકુલને લગભગ ૫૧ ક્વિન્ટલ તાજા ફૂલોથી સજાવવામાં આવ્યું હતું, જે ઋષિકેશ અને આસપાસના વિસ્તારોમાંથી લાવવામાં આવ્યા હતા.

રંગબેરંગી ફૂલોથી સજાયેલું મંદિર ભવ્ય અને દિવ્ય દ્રશ્ય સર્જતું હતું. કપાટ ખુલવાની ક્ષણ જોવા માટે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા.

ધાર્મિક માન્યતાઓ અનુસાર કેદારનાથ ધામ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાં અગિયારમા જ્યોતિર્લિંગ તરીકે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શિયાળામાં કપાટ બંધ રહેતા હોવા છતાં પણ દેવતા અહીંથી ઉખીમઠ ખાતે પૂજા સ્વીકાર કરે છે, જ્યાં ઓમકારેશ્વર મંદિરમાં તેમની આરાધના કરવામાં આવે છે. શિયાળામાં ભારે હિમવર્ષાને કારણે બાબાની પાલખી નીચે લાવવામાં આવે છે અને ત્યારબાદ છ મહિના સુધી ભક્તો ત્યાં દર્શન કરે છે.

પૌરાણિક માન્યતાઓ મુજબ મહાભારત કાળમાં પાંડવો દ્વારા પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે ભગવાન શિવની શોધ દરમિયાન કેદારનાથનું મહત્વ ઊભું થયું હતું. કહેવાય છે કે ભગવાન શિવે બળદનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને જ્યાં તેમની પીઠનું અંશ દેખાયું હતું તે સ્થાન કેદારનાથ તરીકે ઓળખાયું. આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા આ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યારથી તે હિન્દુ ધર્મનું મહત્વપૂર્ણ તીર્થસ્થાન બની રહ્યું છે.

કપાટ ખુલતા જ સમગ્ર વિસ્તાર ભક્તિમાં તરબોળ થઈ ગયો હતો અને “જય કેદાર”ના નાદથી હિમાલય ગુંજી ઉઠ્યો હતો. ચારધામ યાત્રાના આરંભ સાથે ઉત્તરાખંડમાં ધાર્મિક પ્રવાસનને પણ નવી ઉર્જા મળી છે અને આગામી દિવસોમાં લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર યાત્રામાં જોડાવાની અપેક્ષા છે.

Related posts

રાંધણ ગેસ પુરવઠો સામાન્ય : એક જ દિવસમાં ૫૧.૮ લાખ સિલિન્ડર અપાયા

Master Admin

૧ એપ્રિલથી હાઇવે પર સફર કરવી મોંઘી બનશે

Master Admin

ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ શકે છે વધારો

Master Admin

Leave a Comment

Translate »