સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમના સત્તાવાર પ્રવાસે જર્મની પહોંચ્યા
છેલ્લા સાત દાયકામાં ભારત-જર્મનીના સંબંધો દરેક ક્ષેત્રમાં મજબૂત થયા છે, આજે જર્મની યુરોપમાં ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બની ગયું છે : સંરક્ષણ મંત્રી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બર્લિન, તા.૨૨ એપ્રિલ ૨૦૨૬ — સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમના સત્તાવાર પ્રવાસે જર્મની પહોંચ્યા, જ્યાં તેમણે બર્લિનમાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમિયાન તેમણે ભારત-જર્મની સંબંધો, ભારતીય પ્રવાસી સમુદાયની ભૂમિકા, આર્થિક સહયોગ અને સાંસ્કૃતિક જોડાણ પર વિગતવાર વાત કરી. સંબોધન દરમિયાન રાજનાથસિંહ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનો ઉલ્લેખ કરતાં બધા હસી પડ્યા હતા, જેના પર સંરક્ષણ મંત્રીએ કહ્યું કે મને એ નથી ખબર પડતી કે તમે કેમ હસી રહ્યા છો.
સંરક્ષણ મંત્રીએ કાર્યક્રમ બાદ સોશિયલ મીડિયા પર કહ્યું કે બર્લિનમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત કરીને તેમને ખૂબ જ આનંદ થયો. તેમણે ભારતીય પ્રવાસી સમુદાયને ભારત અને જર્મની વચ્ચેનો લિવિંગ બ્રિજ ગણાવ્યો અને કહ્યું કે તાજેતરના વર્ષોમાં આ સમુદાય એક મજબૂત શક્તિ તરીકે ઉભરી આવ્યો છે. તેમણે કહ્યું કે વાતચીત દરમિયાન તેમણે ભારતની ઝડપી આર્થિક પ્રગતિ અને તકનીકી વિકાસને રેખાંકિત કર્યો, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાર્ટઅપ્સ, અવકાશ અને ડિજિટલ ઇનોવેશન જેવા ક્ષેત્રો સામેલ છે.
કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ મંત્રીએ હળવા અંદાજમાં કહ્યું કે આ તેમની જર્મનીની પ્રથમ મુલાકાત છે, જ્યારે તેઓ અમેરિકા સાત થી આઠ વાર જઈ ચુક્યા છે. તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ તેઓ બે વાર અમેરિકા ગયા છે. આ સાંભળી હાજર શ્રોતાઓ હસવા લાગતા તેમણે સ્મિત સાથે કહ્યું કે તેમને સમજાયું નથી કે લોકો શા માટે હસી રહ્યા છે, જ્યારે તેઓ તો દરેકને મળીને પ્રસન્ન છે.
પોતાના સંબોધનમાં સંરક્ષણ મંત્રીએ કહ્યું કે છેલ્લા સાત દાયકામાં ભારત અને જર્મનીના સંબંધો દરેક ક્ષેત્રમાં મજબૂત થયા છે. આજે જર્મની યુરોપમાં ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બની ગયું છે. તેમણે કહ્યું કે ભારતમાં ૨,૦૦૦થી વધુ જર્મન કંપનીઓ સક્રિય છે અને જર્મનીની અગ્રણી કંપનીઓ ભારતના ઔદ્યોગિક વિકાસ અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને ગતિ આપી રહી છે. બીજી તરફ, ઘણી ભારતીય કંપનીઓ પણ જર્મનીમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી રહી છે.
તેમણે કહ્યું કે ભારત અને જર્મનીના રાજકીય અને રાજદ્વારી સંબંધોના દ્વાર ભલે સરકારોના હાથમાં હોય, પરંતુ બંને દેશોના સંબંધોની અસલી મજબૂતી લોકોના પરસ્પર જોડાણથી નક્કી થાય છે. તેમણે ભારતીય સમુદાયને કહ્યું કે આ પુલને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા અત્યંત મહત્વની છે. રાજનાથ સિંહે જણાવ્યું કે જર્મનીમાં ભારતીયોની સંખ્યા ૩.૭ લાખ છે અને તે સતત વધી રહી છે. તેમણે કહ્યું કે ભારતીય સમુદાયની સિદ્ધિઓ અને યોગદાનએ જર્મનીના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આ તેમની જર્મનીની પ્રથમ સત્તાવાર મુલાકાત છે અને તેઓ ત્યાંના સંરક્ષણ મંત્રીના આમંત્રણ પર પહોંચ્યા છે. તેમણે કહ્યું કે આ પોતાનામાં એક સિદ્ધિ છે કે સમયની સાથે ભારત અને જર્મનીના સંબંધો સતત મજબૂત થયા છે. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૨૬ ભારત અને જર્મની માટે વિશેષ છે, કારણ કે આ વર્ષે બંને દેશોના ઔપચારિક રાજદ્વારી સંબંધોના ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. તેમણે ઉમેર્યું કે બંને દેશોના સંબંધો સંપૂર્ણપણે લોકશાહી મૂલ્યો પર આધારિત છે.
રાજનાથ સિંહે પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે વિદેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોની વાપસી અંગે કહ્યું કે સરકારે સ્વદેશ પરત ફરવા ઈચ્છતા લોકો માટે તમામ આવશ્યક વ્યવસ્થાઓ કરી છે. તેમણે કહ્યું કે લોકોને પાછા લાવવા માટે વિમાનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૂરિયાતમંદ ભારતીય નાગરિકો સંબંધિત ભારતીય દૂતાવાસોનો સંપર્ક કરી શકે છે.
કોવિડ-૧૯ મહામારી દરમિયાન પણ સરકારે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પાછા લાવવાનું કામ કર્યું હતું અને વર્તમાન સંકટમાં પણ સરકાર પૂરી રીતે સતર્ક છે.
તેમણે કહ્યું કે જો કોઈ ભારતીયના જીવન પર સંકટ છે, તો તે ભારત પરત ફરી શકે છે.
પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ પર રાજનાથ સિંહે કહ્યું કે આ સંકટની ભારત પર સૌથી ઓછી અસર પડી છે. તેમણે કહ્યું કે ક્રૂડ ઓઈલ, ઊર્જા, ન્ઁય્ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો દેશમાં પૂરતો ભંડાર ઉપલબ્ધ છે. વડાપ્રધાનના નિર્દેશ પર વરિષ્ઠ મંત્રીઓની એક સમિતિ બનાવવામાં આવી છે, જેની અધ્યક્ષતા તેઓ પોતે કરી રહ્યા છે. આ સમિતિ દર સપ્તાહે બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરે છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે હાલમાં કોઈ વિશેષ સમસ્યા નથી અને સરકાર દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

