Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

મોડી રાત સુધી ટીવી જોવાની ના પાડતા ઉશ્કેરાયેલા પુત્રે માતાનું માથું ફોડી નાખ્યું

લોહીલુહાણ હાલતમાં માતા સિવિલમાં દાખલ, પુત્ર સામે ફરિયાદ

આસપાસના લોકો અને પરિવારના સભ્યો દોડી આવતા હુમલાખોર અર્જુન ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૭ એપ્રિલ ૨૦૨૬ — શહેરમાં લોહીના સંબંધોને લાંછન લગાડતી એક ચોંકાવનારી ઘટના વસ્ત્રાલ વિસ્તારમાં બની હતી. જેમાં વસ્ત્રાલની જલપરી સોસાયટીમાં માત્ર ટીવી ચાલુ રાખવા જેવી સામાન્ય તકરારમાં એક પુત્રએ આવેશમાં આવી પોતાની સગી માતા પર લાકડાના ડંડા વડે જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં ૫૬ વર્ષીય માતાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.વસ્ત્રાલની જલપરી સોસાયટીમાં રહેતા સુનિતાદેવી ભદોરિયા (ઉ.વ. ૫૬) તેમના પુત્ર અર્જુનસિંહ સાથે રહે છે. ગત ૧૪ એપ્રિલની મોડી રાત્રે અંદાજે દોઢ વાગ્યા સુધી પુત્ર અર્જુન ટીવી જોતો હોવાથી માતાએ તેને ટીવી બંધ કરી સુઈ જવા માટે ટકોર કરી હતી. આ વાતથી અર્જુન ઉશ્કેરાઈ ગયો હતો અને માતા સાથે ઝઘડો કર્યો હતો. જોકે, તે સમયે મામલો થાળે પડ્યો હતો. બીજા દિવસે સવારે ૧૧ વાગ્યાની આસપાસ અર્જુન અને તેના ભાઈ અંકિત વચ્ચે ફરી ટીવી ચાલુ રાખવા બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં પણ માતાએ દરમિયાનગીરી કરી બંનેને સમજાવ્યા હતા. પરંતુ અર્જુનનો ગુસ્સો શાંત થયો ન હતો. બપોરે અઢી વાગ્યાના સુમારે જ્યારે સુનિતાદેવી ઘરમાં સૂતા હતા, ત્યારે અર્જુને તેમને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. પુત્રને ગાળો બોલવાની ના પાડતા તે એકદમ હિંસક બની ગયો હતો અને ઘરમાં પડેલા લાકડાનો ડંડો ઉપાડી માતાના માથામાં જોરદાર ફટકો મારી દીધો હતો. માથામાંથી લોહીની ધારાઓ વહેવા લાગતા સુનિતાદેવીએ બૂમાબૂમ કરી મૂકી હતી. આસપાસના લોકો અને પરિવારના સભ્યો દોડી આવતા હુમલાખોર અર્જુન ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં અર્જુનસિંહ શિવકરણસિંહ ભદોરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.

Related posts

અમદાવાદ એરપોર્ટ પરથી ૪૭ કરોડના હેરોઇનનો ૬.૮ કિલો જથ્થો ઝડપાયો

Master Admin

સિસિલિયન પ્રીમિયર લીગ 2026 નો ભવ્ય રીતે સમાપન

Master Admin

સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો આખરે ઝડપાયો

Master Admin

Leave a Comment

Translate »