Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

સુરતમાં પનીર બાદ નકલી ઘીનો પર્દાફાશ ૨૦૦૦ કિલોથી વધુ નકલી ઘીનો જથ્થો પકડાયો

૧ કિલો શુદ્ધ ઘીમાંથી ૧૫ કિલો નકલી ઘી તૈયાર કરાતું હતું

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ સ્થળ પરથી નમૂનાઓ લઈ લેબોરેટરીમાં મોકલ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત, તા.૧૭ એપ્રિલ ૨૦૨૬ — ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે નકલી ખાદ્ય પદાર્થોના કૌભાંડને લઈને ચર્ચામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા નકલી પનીર મળી આવ્યા બાદ હવે સુરતમાં નકલી ઘીનો પર્દાફાશ થતાં હરકોઈ અચંબામાં પડી ગયા છે. શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડી એક મોટી નકલી ઘી બનાવતી ફેક્ટરીનો ભાંડાફોડ કર્યો છે. સબકા ફૂડ્‌સ નામે ચાલી રહેલી આ ફેક્ટરીમાં માત્ર ૧ કિલો શુદ્ધ ઘીમાંથી ૧૫ કિલો નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું. પોલીસે અહીંથી કુલ રૂ. ૩૫.૮૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપીઓ અત્યંત ચતુરાઈથી નકલી ઘી બનાવતા હતા. તેઓ શુદ્ધ ઘીમાં વનસ્પતિ ઘી, પામોલીન તેલ અને ખાસ કેમિકલ એસેન્સ ભેળવી દેતા હતા. આ કેમિકલના કારણે મિશ્રણને અસલી ઘી જેવી સુગંધ અને દાણાદાર ટેક્સચર મળી જતી હતી. ઉપરથી પીળો રંગ ઉમેરી તેને ગાયના ઘી જેવું દેખાડવામાં આવતું હતું. આ રીતે તૈયાર થતું ઘી હકીકતમાં આરોગ્ય માટે ખૂબ હાનિકારક હતું. દરોડા દરમિયાન પોલીસને ફેક્ટરીમાં ચાલી રહેલી પેકિંગ પ્રક્રિયા પણ મળી આવી હતી. અહીં હજારો ખાલી ડબ્બા, પેકિંગ મશીનો, કેમિકલના કેન અને તૈયાર માલ મળી આવ્યો. સાથે જ રૂ. ૨ લાખની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી, જે આ ગેરકાયદેસર ધંધાની કમાણી હોવાનું માનવામાં આવે છે.આ કૌભાંડ પાછળ બે મુખ્ય આરોપીઓ ભરત પોલરા અને અમીન વઢવાણીયાના નામ સામે આવ્યા છે. તેઓએ મજૂરો રાખીને સમગ્ર નેટવર્ક ગોઠવ્યું હતું અને ‘વિદુર’ નામના બ્રાન્ડ હેઠળ આ નકલી ઘી બજારમાં વેચતા હતા. આ ઘી માત્ર સુરત જ નહીં, પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાઓ અને બહારના રાજ્યોમાં પણ સપ્લાય કરવામાં આવતું હતું. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું કે આરોપીઓએ તલંગપોર વિસ્તારમાં એક ગોડાઉન રાખ્યું હતું, જ્યાં પામોલીન તેલ અને વનસ્પતિ ઘીનો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હતો. ત્યાંથી કાચો માલ ફેક્ટરીમાં લાવી ભેળસેળ કરીને તૈયાર માલ બનાવવામાં આવતો હતો.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ સ્થળ પરથી નમૂનાઓ લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ પ્રકારનું ભેળસેળયુક્ત ઘી લાંબા ગાળે કેન્સર અને લીવર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. પોલીસે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કર્યો છે અને હવે સમગ્ર નેટવર્કની તપાસ ચાલી રહી છે.

Related posts

કોંગ્રેસ અને ભાજપે એક જ પરિવારની બે વહુને આપી ટિકિટ

Master Admin

ગઝનીથી ઔરંગઝેબ સુધીના ઇતિહાસમાં દફનાઈ ગયા, સોમનાથ ત્યાં જ ઊભું છે

Master Admin

મુખ્યમંત્રીએ ટાંકી કડડભૂસ થવાને લઈ તંત્ર ઉપર રોષ વ્યક્ત કર્યો

Master Admin

2 comments

Pearl4447 April 18, 2026 at 1:01 am Reply
Kelsey3730 April 18, 2026 at 6:34 am Reply

Leave a Comment

Translate »