સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩
એક વાત સાવ સાચી છે કે, જે મહેનતકશ મુસ્લિમ લારીવાળો ભાઈ છે, તેને મઝહબ સાથે કોઈ લેવા-દેવા નથી. તેનો મઝહબ સવારે ૫ વાગે શરૂ થાય છે, જ્યારે તે લારી ભરે છે, અને રાત્રે પૂરો થાય છે, જ્યારે તે હિસાબ ગણે છે.
એ તો સૌ બંદરનો વેપારી છે. મોસમ પ્રમાણે ધંધો બદલે છે. હોળી-ધુળેટી પર એ રંગ વેચે છે, દિવાળી પર એ રંગોળી, સાથિયા વેચે છે. તેને રંગના ધર્મ સાથે મતલબ નથી, તેને રંગની કિંમત સાથે મતલબ છે. ખેર, તેને હોળી-ધુળેટી કે દિવાળી સાથે સ્નાનસૂતક યા ન્હાવા-નિચોવવાનોય સંબંધ નથી!
સૌથી મોટી વાત એ છે કે બેસતા વર્ષના સપરમાં દહાડે, બ્રહ્મ મુહૂર્તમાં એ ભાઈ ગલી-ગલીમાં ફેરી ફરીને બૂમ પાડે છે — “બેસતા વર્ષની બરકત, લાખ સવાઈ બરકત!” એક મુસ્લિમ ભાઈ હોવા છતાં હિન્દુના નવા વર્ષની બરકત માંગે છે. આ કોઈ કાર્યક્રમ નથી, આ રોજીનું સત્ય છે. તે જાણે છે કે સામેવાળાનું વર્ષ સારું હશે તો જ તેની રંગોળી વેચાશે.
તર્કઃ તર્ક એ છે કે મઝહબ કદી વેર નથી શિખવાડતો.‘ મઝહબ નહીં શિખાતા આપસ મેં બૈર રખના.’ કોઈ ધર્મગ્રંથમાં નથી લખ્યું કે રંગ ન વેચો. ધર્મ તો પ્રેમ શિખવાડે છે. ધર્મ સાથે નિસ્બત અને તાલ્લુક તો ભ્રષ્ટ રાજકારણીઓને રહેલ છે, કારણ કે એ મહેનતકશ ભાઈનો ધંધો મહેનતથી ચાલે છે, રાજકારણીનો ધંધો ધર્મથી ચાલે છે.
વિતર્કઃ વિતર્ક કરો — જો એ ભાઈ ધર્મ જોતો હોત તો હોળીનો રંગ વેચત? જો એ ભાઈ ધર્મ જોતો હોત તો દિવાળીની રંગોળી વેચત? ના. અને જો હિન્દુ ગ્રાહક ધર્મ જોતો હોત તો એ ભાઈ પાસેથી ખરીદત? પણ ખરીદે છે. એટલે સાબિત થાય છે કે વેર ધર્મમાં નથી, વેર રાજકારણમાં છે. એ ભાઈ તહેવારને રોજી સમજે છે, રાજકારણી તહેવારને વોટ સમજે છે. એક રંગ વેચીને પેટ ભરે છે, બીજો રંગ વહેંચીને પેટી ભરે છે.
અંતિમ તર્કઃ દરેક માણસની ચામડી તળે લાલ લોહી વહે છે. એ ભાઈની ચામડી તળે પણ લાલ, આ ભાઈની ચામડી તળે પણ લાલ. ચામડીનો રંગ કાળો, ઘઉંવર્ણો, ગોરો હોઈ શકે, પણ લોહીનો રંગ એક જ છે. હોસ્પિટલમાં ડોક્ટર મઝહબ નથી પૂછતો, ફક્ત બ્લડ ગ્રુપ પૂછે છે. ઉપરવાળાએ ફેક્ટરીમાં જ ભેદ નથી રાખ્યો.
એટલે જ છેલ્લે એટલું જ કહેવાનું કે, નાનો માણસ રોજી-રોટીમાં ધર્મ નથી જોતો, મોટો માણસ ધર્મમાં રોજી-રોટી જુએ છે!
દિવાળીની શુભેચ્છા અને નૂતન વર્ષાભિનંદન!
