લોકોને ધમકાવ્યા અને દુકાનો બંધ કરાવી
રામાપીરના ટેકરા પાસે આવેલા BRTS બસ સ્ટેન્ડ નજીક એક માથાભારે શખસે જાહેરમાં હાથમાં છરો લહેરાવીને લોકોમાં ફફડાટ ફેલાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૦ એપ્રિલ ૨૦૨૬ — અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાડજમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાડજમાં રામાપીરના ટેકરા પાસે આવેલા BRTS બસ સ્ટેન્ડ નજીક એક માથાભારે શખસે જાહેરમાં હાથમાં છરો લહેરાવીને લોકોમાં ફફડાટ ફેલાવ્યો હતો. આ શખસનો હિંસક આતંક મચાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા પોલીસ દોડતી થઈ છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, આરોપી હાથમાં તીક્ષ્ણ છરો લઈને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને ધમકાવી રહ્યો છે. તેણે લોકોને ધમકી આપી હતી કે ’અહીંથી કોઈએ પસાર થવું નહીં.’ આટલું જ નહીં, તેણે આસપાસના સ્થાનિક વેપારીઓને પણ નિશાન બનાવ્યા હતા અને ચિકનની દુકાન સિવાયની તમામ દુકાનો તાત્કાલિક બંધ કરી દેવા માટે દબાણ કર્યું હતું.
અસામાજિક તત્ત્વની હિંમત એટલી હદે વધી ગઈ હતી કે તેણે જાહેરમાં ઊભા રહીને પોલીસ અને BRTS તંત્રને બેફામ ગાળો ભાંડી હતી. કાયદાના ડર વગર તે જાહેરમાં તંત્રને પડકારતો જોવા મળ્યો હતો. સ્થાનિકો મુજબ, અગાઉના પીઆઇ વી.આર. ડાંગરની બદલી બાદ વિસ્તારમાં આવા તત્ત્વો ફરી માથું ઊંચકી રહ્યા છે, જે હવે નવા નિમાયેલા પીઆઇ એચ.પી. ગરાસિયા માટે મોટો પડકાર સાબિત થશે.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વાડજ પોલીસે તપાસનો ધમધમટ તેજ કર્યો છે. વાઈરલ વીડિયોમાં દેખાતા શખસની ઓળખ મેળવવા માટે સ્થાનિક સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, આરોપીની ઓળખ થતા જ તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

