૩૦ સ્થળે દરોડા, રૂ.૧.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન શંકાસ્પદ દવાઓ મળી આવતા તેને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૨ ઓગસ્ટ ૨૦૨૬ — અમદાવાદમાં ડુપ્લિકેટ અને નકલી દવાના વેચાણને લઈને આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે નકલી દવાના વેચાણ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બાતમી મળી હતી, જેના આધારે અમદાવાદમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
મંત્રીના જણાવ્યા મુજબ, વિભાગે બાતમીના આધારે ૩૦ જેટલા સ્થળોએ રેડ પાડી હતી. દરોડા દરમિયાન શંકાસ્પદ દવાઓ મળી આવતા તેને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી છે. દવાઓના નમૂનાઓની તપાસ બાદ તે ખરેખર નકલી છે કે નહીં તે અંગે વધુ સ્પષ્ટતા થશે.
પ્રફુલ પાનસેરિયાએ વધુમાં જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આરોપીઓ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાંથી નકલી દવાઓ લાવતા હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વિભાગ દ્વારા તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો છે.
નકલી દવાઓનું પગેરું મેળવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વધુ તપાસ શરૂ કરી છે. દવાઓ ક્યાંથી લાવવામાં આવતી હતી, કોને સપ્લાય કરવામાં આવતી હતી અને તેના વેચાણમાં અન્ય લોકોની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ મામલો લોકોના આરોગ્ય સાથે સીધો સંકળાયેલો હોવાથી તંત્ર દ્વારા સેમ્પલની લેબોરેટરી તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી પર નજર રાખવામાં આવી રહી છે.

