Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

અમદાવાદીઓ માટે ખુશખબરઃ બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે રેલ કોચ રેસ્ટોરન્ટ

એર-કન્ડિશન્ડ કોચમાં ૬૪ લોકો બેસી શકશે, જે મુસાફરોને ટ્રેનના ડબ્બામાં બેસીને જમવાનો અહેસાસ કરાવશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૦ માર્ચ ૨૦૨૬ — પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા રેલવેના વારસા અને આધુનિક મહેમાનગતિના સંગમ સમાન એક અનોખો પ્રોજેક્ટ આગામી એપ્રિલ મહિનામાં બોપલ-આંબલી રેલવે સ્ટેશન પર શરૂ થવા જઈ રહ્યો છે. ઓન ધ ટ્રેક રેસ્ટ્રો એન્ડ કાફે નામની આ રેસ્ટોરન્ટ એક રિફર્બિશ્ડ ટ્રેનના કોચ અને તેની સાથે જોડાયેલી ખુલ્લી જગ્યામાં તૈયાર કરવામાં આવશે, જેમાં કુલ ૧૫૪ મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા હશે.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એર-કન્ડિશન્ડ કોચમાં ૬૪ લોકો બેસી શકશે, જે મુસાફરોને ટ્રેનના ડબ્બામાં બેસીને જમવાનો અહેસાસ કરાવશે. જ્યારે બાકીની બેઠકો બહારના ખુલ્લા વિસ્તારમાં રાખવામાં આવશે. આ સુવિધા માત્ર રેલવે મુસાફરો માટે જ નહીં, પરંતુ આસપાસના રહીશો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે, જે મોડી રાત્રિના આઉટિંગ અને કેઝ્યુઅલ ડાઇનિંગ માટે નવો વિકલ્પ પૂરો પાડશે.

આ મલ્ટી-ક્યુઝિન રેસ્ટોરન્ટ ૨૪ કલાક કાર્યરત રહેશે, જેનાથી આ વિસ્તારમાં નાઇટ કલ્ચરને વેગ મળવાની આશા છે. જે લોકો ઉતાવળમાં હોય તેમના માટે દિવસ-રાત ટેક-અવે કાઉન્ટરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

આ પ્રોજેક્ટ અમદાવાદ ડિવિઝનની વ્યાપક યોજનાનો એક ભાગ છે, જે હેઠળ મહેસાણા, ભુજ, ગાંધીધામ અને સાબરમતી જેવા મુખ્ય સ્ટેશનો પર પણ આવી રેલ કોચ રેસ્ટોરન્ટ્‌સ શરૂ કરવાનું આયોજન છે.

આ કોન્સેપ્ટ હેઠળ, નકામા થયેલા ટ્રેનના કોચને થીમ-આધારિત ડાઇનિંગ સ્પેસમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જેથી લોકો મુસાફરી કર્યા વિના ટ્રેનની મુસાફરી જેવો આનંદ માણી શકે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવાની સાથે રેલવે માટે વધારાની આવક ઊભી કરવાનો છે. દરેક રેસ્ટોરન્ટમાં આધુનિક રસોડું હશે અને મેનુમાં સ્થાનિક વાનગીઓ તેમજ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વાનગીઓનો સમાવેશ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી, મુંબઈ અને ઈન્દોર જેવા શહેરોમાં આ મોડલ પહેલેથી જ સફળ રહ્યું છે. ગુજરાતમાં પણ નવેમ્બર ૨૦૨૩માં રાજકોટમાં ટ્રેકસાઇડ તડકા નામની આવી જ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી હતી. આ તમામ પ્રોજેક્ટ્‌સ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (ઁઁઁ) મોડલ હેઠળ ચલાવવામાં આવશે. જો આ પહેલને સારો પ્રતિસાદ મળશે, તો રેલવે આગામી સમયમાં રાજ્યના અન્ય સ્ટેશનો પર પણ આ સુવિધાનો વિસ્તાર કરશે.

 

 

Related posts

સીએનજીના ભાવ વધશે તો પણ હાલ સ્કૂલ રિક્ષા – વેનના ભાડા નહીં વધે

Master Admin

સિટીમાં યોજાયેલ કવિશા UFIT ફ્લો ફેસ્ટ 2026ને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ

Master Admin

સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે

Master Admin

Leave a Comment

Translate »