Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ઓઇલ કંપનીઓને મહિને રૂ.૩૦,૦૦૦ કરોડનું નુકસાન

પેટ્રોલ અને ડીઝલના વેચાણથી

જાપાનથી લઇને બ્રિટન સુધીના દેશોમાં ઇંધણના ભાવમાં ૩૦ ટકાનો ઉછાળો, ભારતમાં બે વર્ષથી ભાવ સ્થિર

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૯ મે ૨૦૨૬ — ઇરાન યુદ્ધને કારણે વિશ્વભરમાં ઉર્જાના ભાવમાં ઉછાળો આવ્યો હોવા છતાં ભારતમાં પેટ્રોલ, ડીઝલના ભાવને સ્થિર રાખવાથી સરકાર માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને દરરોજ આશરે રૂ.૭૦૦થી ૧,૦૦૦ કરોડ અને દર મહિને આશરે રૂ.૩૦,૦૦૦ કરોડનું નુકસાન થઈ રહ્યું છે. સરકારનો આ ખુલાસો સૂચવે છે કે આગામી સમયમાં બન્ને ઇંધણના ભાવમાં વધારો આવે તો નવાઇ નહીં.પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ચાલુ થયા પછી જાપાનથી લઇને બ્રિટન સુધીના દેશોએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે ૩૦ ટકા સુધીનો વધારો કર્યો છે, પરંતુ ભારતમાં ઇંધણના ભાવ બે વર્ષથી સ્થિર છે. ઇરાન યુદ્ધથી ભારતની આશરે ૪૦ ટકા ક્રૂડ ઓઇલની આયાત, ૯૦ ટકા રાંધણ ગેસ એલપીજીની આયાત અને ૬૫ ટકા નેચરલ ગેસની આયાત સામે અવરોધ ઊભો થયો છે. પરંતુ સરકારી તેલ કંપનીઓએ છેલ્લા ૧૦ અઠવાડિયામાં કોઈપણ સમયે કોઈ રેશનિંગ કે અછત વિના અવિરત ઇંધણ પુરવઠો જાળવી રાખ્યો છે. પરંતુ આનાથી ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને દર મહિને રૂ.૩૦,૦૦૦ કરોડનું નુકસાન થઈ રહ્યું છે. આ કંપનીઓમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી), ભારત પેટ્રોલિયમ (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (એચપીસીએલ)નો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે માર્ચ-એપ્રિલમાં આ કંપનીઓના નુકસાનમાં તીવ્ર વધારો થયો હતો. એપ્રિલ દરમિયાન કંપનીઓને પેટ્રોલના વેચાણમાં લીટર દીઠ રૂ.૧૮ અને ડીઝલના વેચાણમાં લીટર દીઠ રૂ.૨૫નું નુકસાન થયું હોવાનો અંદાજ છે. તેનાથી આ કંપનીઓને દરરોજ સરેરાશ ૭૦૦થી ૧,૦૦૦ કરોડનું નુકસાન થયું હતું. પશ્ચિમ એશિયાની ગતિવિધિ અંગેની ન્યૂઝ કોન્ફરન્સમાં પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે બે મહિના પહેલા ક્રૂડ ઓઇલના ભાવ બેરલ દીઠ ૭૦ ડોલર હતાં, જે હવે વધી બેરલ દીઠ ૧૨૦ ડોલર થયા છે.સરકાર ભાવને સ્થિર રાખવાના દરેક પ્રયાસ કરી છે અને ગ્રાહકો માટે ભાવમાં વધારો થયો નથી. આનાથી કંપનીઓની નાણાકીય સ્થિતિને ફટકો પડ્યો છે અને કંપનીઓને માસિક ધોરણે રૂ.૩૦,૦૦૦ કરોડનું નુકસાન થાય છે. જોકે તેમણે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ યથાવત રહેશે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરવાનો ઇનકાર કર્યો હતો. સરકાર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને થોડી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. પેટ્રોલ પરની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી લીટર દીઠ ૧૩થી ઘટાડીને રૂ.૩ કરવામાં આવી હતી, જ્યારે ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી પ્રતિ લીટર રૂ.૧૦થી ઘટાડીને શૂન્ય કરવામાં આવી હતી. જો સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો ન કર્યો હોત તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓનું નુકસાન વધીને રૂ.૬૨,૫૦૦ કરોડ થયું હોત.

Related posts

ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી

Master Admin

ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, ૯ ઈજાગ્રસ્ત

Master Admin

ગુજરાતીઓના અતિ પ્રિય એવા માઉન્ટ આબુનું બદલાઈ ગયું નામ

Master Admin

Leave a Comment

Translate »