તંત્રીની કલમે….
લોકશાહીના વિશાળ ફલક પર સમયાંતરે નવા વિચારો અને અભિગમો સાથે રાજકીય પક્ષોનો ઉદય થતો રહ્યો છે, પરંતુ તાજેતરમાં ે બોસ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી અને પોલિટીકલ કમ્યુનિકેશન સ્ટ્રેટર્જિસ્ટ અભિજીત દિપકે સ્થાપવામાં આવેલી ’કોકરોચ જનતા પાર્ટી’ એ સમગ્ર દેશમાં અને ખાસ કરીને સોશિયલ મીડિયાથી લઈને પ્રબુદ્ધ નાગરિકો વચ્ચે ભારે આશ્ચર્ય અને ચર્ચા જગાવી છે. આ પક્ષે પોતાના અનોખા અને કદાચ આઘાતજનક નામ છતાં બહુ ટૂંકા ગાળામાં મોટી સંખ્યામાં સભ્યો મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે, જે વર્તમાન રાજકીય સ્થિતિ અને જનમાનસની માનસિકતા પર એક મોટો સવાલ ઊભો કરે છે. એક એવું જીવડું જે સામાન્ય રીતે નફરત કે અણગમાનું પ્રતીક માનવામાં આવે છે, તેના નામ પર કોઈ રાજકીય પક્ષ બને અને હજારો-લાખો લોકો તેના સભ્ય બનવા દોડી જાય, તે ઘટના સામાન્ય પ્રવાહથી તદ્દન વિપરીત છે. આ પક્ષનો ઉદય માત્ર એક મજાક છે, કોઈ ગૂઢ રાજકીય વ્યૂહરચના છે કે પછી પ્રસ્થાપિત રાજકીય પક્ષો સામે જનતાનો આક્રોશ છે, તે દિશામાં ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવું અનિવાર્ય બન્યું છે.
આ પક્ષને વાસ્તવિક ગંભીરતા અને કાયદાકીય ચર્ચાના કેન્દ્રમાં લાવવા પાછળ સુપ્રીમ કોર્ટના એક માનનીય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા બેરોજગાર યુવાનો પર કરવામાં આવેલી એક ટિપ્પણી બાદ તાજેતરની ટિપ્પણીનો મુખ્ય સંદર્ભ રહેલો છે. એક જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન માનનીય જજસાહેબે દેશની વર્તમાન વ્યવસ્થા અને નાગરિકોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા પ્રતીકાત્મક રીતે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સ્થાપિત માળખા વચ્ચે સામાન્ય નાગરિકોની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેઓ ગમે તેવી વિષમ આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓમાં પણ વંદા એટલે કે કોકરોચની જેમ અસ્તિત્વ ટકાવી રાખવા મજબૂર બન્યા છે, જ્યારે શાસન વ્યવસ્થા તેનાથી સાવ અજાણ છે. ન્યાયાધીશશ્રીની આ માર્મિક ટિપ્પણીને આધાર બનાવીને કોકરોચ જનતા પાર્ટીને બોસ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી અને પોલિટીકલ કમ્યુનિકેશન સ્ટ્રેટર્જિસ્ટ અભિજીત દિપકેએ આ વિચારને કાયદેસરનું સ્વરૂપ આપ્યું અને જનતા સમક્ષ એ વાત મૂકી કે જો સિસ્ટમ તેમને માત્ર સંઘર્ષ કરનાર જીવ તરીકે જુએ છે, તો આ જ સહિષ્ણુતા અને અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતાને પોતાની તાકાત બનાવવી જોઈએ. આ વિચાર લોકમાનસમાં એટલી ઝડપથી પ્રસરી ગયો કે આજે આ પક્ષ ભારતીય રાજકારણમાં ‘ઝેન જી ચળવળ’ તરીકે ઓળખાઈ રહ્યો છે, જે નવી પેઢીની શાંતિ, સંયમ અને તાર્કિક પ્રશ્નો પૂછવાની આધુનિક શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે.
કોકરોચ જનતા પાર્ટીના પક્ષમાં અથવા તેની સકારાત્મક બાજુઓ પર નજર કરીએ તો, સૌથી પહેલો મુદ્દો તેની વિશિષ્ટ વિચારધારા અને પ્રતીકાત્મક રજૂઆતનો છે. કોકરોચ એટલે કે વંદો એક એવું જીવ છે જે પૃથ્વી પર લાખો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે અને ગમે તેવી વિષમ પરિસ્થિતિઓ, પરમાણુ વિસ્ફોટ કે આપત્તિઓ વચ્ચે પણ જીવતો રહેવાની અદભુત ક્ષમતા ધરાવે છે. પક્ષના સમર્થકો આ ગુણને સામાન્ય જનતાની સહનશક્તિ અને અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષ સાથે જોડી રહ્યા છે.
મોંઘવારી, બેરોજગારી અને સરકારી તંત્રની ઉદાસીનતા વચ્ચે પણ સામાન્ય માણસ જે રીતે જીવી જાય છે, તેને આ પક્ષે પોતાનો મૂળ આધાર બનાવ્યો છે. આ પક્ષની બીજી મોટી નકારાત્મકતાને સકારાત્મકમાં બદલવાની ક્ષમતા તેની આકર્ષક અને ગેરિલા માર્કેટિંગ પદ્ધતિ છે. આજના ડિજિટલ યુગમાં જ્યાં પ્રસ્થાપિત પક્ષો કરોડો રૂપિયાના ખર્ચે પણ યુવાનોને આકર્ષી શકતા નથી, ત્યાં આ પક્ષે માત્ર પોતાના નામની વિચિત્રતા અને સોશિયલ મીડિયા પર ચાલેલા વાયરલ ટ્રેન્ડ્સના આધારે યુવા પેઢીમાં ભારે લોકપ્રિયતા મેળવી લીધી છે. મોટી સંખ્યામાં સભ્યોનું જોડાણ એ દર્શાવે છે કે લોકો કંઈક નવું, બિનપરંપરાગત અને સ્થાપિત માળખાને પડકારતું જોવા માંગે છે. આ સભ્યપદ ઝુંબેશની સફળતા સાબિત કરે છે કે જો કોઈ વિચાર લોકમાનસને સ્પર્શી જાય, તો પરંપરાગત ભંડોળ કે મોટા નેતાઓના ચહેરા વિના પણ સંગઠન ઊભું કરી શકાય છે.
બીજી તરફ, આ પક્ષની નકારાત્મક બાજુઓ અને મર્યાદાઓ પણ એટલી જ ગંભીર અને ચિંતાજનક છે. સૌથી મોટો માઇનસ પોઇન્ટ એ છે કે આ પક્ષ પાસે કોઈ સ્પષ્ટ રાષ્ટ્રીય નીતિ, આર્થિક રોડમેપ કે વૈચારિક સ્પષ્ટતા નથી. માત્ર એક વિચિત્ર નામ અને પ્રતીકાત્મક લડાઈના જોરે લાંબો સમય રાજકારણ કરી શકાતું નથી. લોકશાહીમાં પક્ષ ચલાવવા માટે સંરક્ષણ, વિદેશ નીતિ, શિક્ષણ અને નાણાકીય આયોજન જેવા ગંભીર વિષયો પર સચોટ વિઝન હોવું જરૂરી છે, જેનો આ પક્ષમાં સંપૂર્ણ અભાવ જણાય છે. લોકશાહીમાં નેતાનો ચહેરો, તેનો ભૂતકાળ અને તેની સાર્વજનિક છબી ગ્રાહ્ય રાખવામાં આવે છે; અજ્ઞાત નેતૃત્વ હેઠળ ચાલી રહેલું સંગઠન ગમે ત્યારે આંતરિક વિખવાદ અથવા દિશાહીનતાનો ભોગ બની શકે છે. ઘણા વિશ્લેષકો આ પક્ષને માત્ર એક ક્ષણિક લોકપ્રિયતાનો પરપોટો અથવા રાજકીય અરાજકતા ફેલાવવાનો પ્રયાસ માની રહ્યા છે. જો લોકો માત્ર આક્રોશ અથવા મનોરંજન ખાતર આવા પક્ષો તરફ વળશે, તો લોકશાહીની ગંભીરતા જોખમાશે અને મતોનું ધ્રુવીકરણ નબળા પાસાઓ તરફ થઈ જશે.
કોકરોચ જનતા પાર્ટીનો આ પ્રયોગ ભારતીય રાજકારણ માટે એક આંખ ઉઘાડનારો કિસ્સો છે. આ પક્ષે મોટી સંખ્યામાં સભ્યો મેળવીને પ્રસ્થાપિત પક્ષોને એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સામાન્ય જનતા પરંપરાગત રાજકીય નારેબાજીથી કંટાળી ગઈ છે અને પરિવર્તન ઝંખે છે. જો કે, વૈચારિક ગંભીરતા અને ભવિષ્યના રોડમેપ વિના આ પક્ષ બજારમાં આવેલા અન્ય ટ્રેન્ડ્સની જેમ સમય જતાં લુપ્ત થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. રાજકીય ક્ષેત્રે ટકી રહેવા માટે પ્રતીકોથી આગળ વધીને પ્રજાના વાસ્તવિક પ્રશ્નોના નક્કર ઉકેલો આપવા પડશે, નહિતર આ પ્રયોગ માત્ર ઇતિહાસના પાના પર એક મનોરંજક પ્રકરણ બનીને રહી જશે.
નરેન્દ્ર જોષી

