Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મે મહિનામાં હવામાનમાં મોટો પલટો આવશે

મે મહિનામાં કુદરતનો અલગ જ મિજાજ જોવા મળશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનમાં પલટાની આગાહી કરી – કેટલાક વિસ્તારોમાં જોરદાર પવન, તોફાન અને કરા પડવાની શક્યતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૯ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાતમાં હાલ ઉનાળો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. આકરી ગરમી અને લૂના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે તાપમાન, પવન અને વાવાઝોડા અંગે અત્યંત મહત્ત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમની આગાહી મુજબ, હજી થોડા દિવસો ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, પરંતુ મે મહિનામાં કુદરતનો અલગ જ મિજાજ જોવા મળી શકે છે.અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, મધ્ય ગુજરાતમાં ગરમીનું મોજું તીવ્ર બનશે. વડોદરા, આણંદ અને મહીસાગર જિલ્લામાં તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ નોંધાઈ શકે છે. આવી જ સ્થિતિ ઉત્તર ગુજરાતમાં પણ રહેશે. પાટણ, સમી, હારીજ, પાલનપુર, ડીસા, વાવ અને થરાદ જેવા વિસ્તારોમાં બપોરના સમયે તાપમાન ૪૩ ડિગ્રીની આસપાસ રહેતા લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બનશે. ૨૮ એપ્રિલ સુધી ગરમીનો આ ટ્રેન્ડ ચાલુ રહ્યા બાદ તાપમાનમાં ધીમે-ધીમે ઘટાડો નોંધાશે. મે મહિનાની શરૂઆતમાં મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ સ્થિર થઈ શકે છે. જ્યારે કચ્છમાં પારો ૩૯ ડિગ્રી રહેવાની શક્યતા છે. જોકે, દક્ષિણ ગુજરાતમાં ભેજને કારણે બફારો અને ઉકળાટ યથાવત્ રહેશે. હવામાનમાં મોટો ફેરફાર એપ્રિલના અંતથી મે મહિનાની શરૂઆતમાં જોવા મળી શકે છે. દેશના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં જોરદાર પવન, તોફાન અને કરા પડવાની શક્યતા પણ છે, જે હવામાનમાં અચાનક પરિવર્તન લાવી શકે છે.હવામાનમાં સૌથી મોટો ફેરફાર મે મહિનામાં જોવા મળશે. આ અંગે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ૬થી ૧૦ મે દરમિયાન ગુજરાત સહિત દેશભરના હવામાનમાં પલટો આવશે અને પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. જ્યારે ૧૧થી ૨૦ મે દરમિયાન રાજ્યમાં ભારે પવન અને વંટોળ ફૂંકાશે. આ ગાળા દરમિયાન ‘કાળી આંધી’ જેવો માહોલ સર્જાવાની શક્યતા છે, જેમાં પવનની ગતિ ૨૫ કિમી પ્રતિ કલાક કે તેથી વધુ રહી શકે છે. આ કુદરતી આફતને કારણે કાચા મકાનો અને પતરાં ઉડવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત ૨૩ મે દરમિયાન ફરી એકવાર હવામાન અણધાર્યો વળાંક લેશે. ગરમી અને વંટોળની સાથે સમુદ્રી હલચલ પણ વધશે. ૧૫ મે પછી બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે, જે જૂનની શરૂઆત સુધી સક્રિય રહી શકે છે. તેવી જ રીતે, અરબી સમુદ્રમાં પણ ૧૫ જૂન સુધી વાવાઝોડાની ગતિવિધિઓ જોવા મળી શકે છે. અંડમાન-નિકોબારમાં ૧૨ મેથી વરસાદની શરૂઆત થઈ જશે અને ૨૮ મે બાદ ત્યાં ભારે વરસાદની આગાહી છે.

Related posts

મેઘાણીજીની રચનાઓ જોઈને લાગે કે ક્યારેક ઉપનિષદ, ક્યારેક સુભાષિત કવિને ઘરે આવે છે.

Master Admin

રાજ્યની આશ્રમ શાળાઓની કથળતી સ્થિતિ અંગે હાઇકોર્ટનું કડક વલણ

Master Admin

ગુજરાતમાં ૨૭ ટકા OBC અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે

Master Admin

2 comments

Alejandra4270 April 29, 2026 at 10:51 pm Reply
Jessie1053 April 30, 2026 at 6:42 am Reply

Leave a Comment

Translate »