Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

ચૌદશીયા પત્રકારનું ઝેરી વીલઃ ચૂનચૂન કર મારુંગા!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

સુરત જિલ્લાના એક ગામમાં એક વિચિત્ર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે.
ગામમાં એક પત્રકાર રહેતા હતા. લોકો તેમને “ચૌદશીયા પત્રકાર” કહેતા. તેમની કલમનો ડંખ ચૌદશના ચાંદા જેવો તીખો. જીવનભર તેમણે ભલભલા ચરમબંધ પહેરીને ફરતા, મૂછ પર તાવ દેતા અધિકારીઓ અને નેતાઓને પોતાના એક જ તંત્રી લેખ અને હેવાલથી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા.

પણ અખબારના નિયમ મુજબ વય મર્યાદા આવી. અખબારના માલિકે કહ્યું – “હવે તમે વય મર્યાદાને કારણે સેવા નિવૃત. હવે આરામ કરો.” સરકારે નહીં, પણ અખબારે જ તેમને નિવૃત કર્યા. કલમ મ્યાન કરવાનો આદેશ અખબારમાંથી આવ્યો.
ચૌદશીયો પત્રકાર ઘરે બેઠો. ઘરે બેઠા પછી એકલતામાં તેને સમજાયું કે બહારના દુશ્મનોને તો તેણે જેલ ભેગા કરી દીધા, પણ ઘરના અંદરના દુશ્મનોનું શું? જે સ્વજનોએ, નજીકના સગા-સંબંધીઓએ જીવનભર તેને માનસિક ત્રાસ આપ્યો હતો, તેમનો હિસાબ તો બાકી જ રહી ગયો.

આ લાચારીએ તેના મનમાં બદલાની ભાવના જન્માવી. અને તે ભાવનાએ જન્મ આપ્યો એક ખતરનાક વીલને.
તેણે વકીલને બોલાવ્યો અને એક વીલ બનાવ્યું. વીલમાં મિલકતની વહેંચણી નહોતી, પણ એક યાદી હતી. ૧૫ થી ૨૦ નામોની યાદી. બધા જ તેના લોહીના સગા. તેણે બદલાની ભાવનાથી, ખોટી રીતે તે સગાઓના નામ લખી નાખ્યા અને સાથે આરોપો જોડી દીધા.

તેણે વકીલને કહ્યું – “મારા મર્યા પછી જ આ વીલ ખોલજો. સ્મશાનયાત્રા પહેલા તેનું પઠન થવું જોઈએ.”
કાળક્રમે ગત અઠવાડિયે ચૌદશીયા પત્રકારનું દુઃખદ અવસાન થયું. સ્મશાનયાત્રા નીકળવાની તૈયારી હતી.
ત્યાં જ વકીલ આવ્યો – “ઉભા રહો. મરનારની છેલ્લી ઈચ્છા મુજબ વીલનું પઠન કરવું પડશે.”
વકીલે વીલ વાંચવાનું શરૂ કર્યું – “મારા સ્વજન રમેશે મને ધમકી આપી…”

ગામ સ્તબ્ધ. પોલીસને જાણ કરાઈ. પોલીસે વીલને મૃત્યુ નિવેદન ગણીને કાર્યવાહી કરી. સ્મશાનયાત્રા નીકળે તે પહેલા જ પોલીસે વીલમાં જેના નામ હતા તે તમામ સ્વજનોની અટકાયત કરી લીધી.

ચૌદશીયા પત્રકારે હયાતી દરમ્યાન જે કસર બાકી રહી ગઈ હતી, તે મર્યા પછી વસૂલ કરી લીધી. જીવતા જીવત બહારનાને જેલ ભેગા કર્યા હતા, મર્યા પછી અંદરનાને પણ કરી દીધા! આમ, બધા જ સાથે મર્હુમને વેરઝેર હોય એ સદ્દગતની મૈયતમાં ચાર ખાંધિયા પણ ખાંધ આપવા નહીં મળતા છેવટે પોલીસ સતાવાળાએ સદર લાશને બિન વારસી જાહેર કરી અંતેષ્ઠી થઈ અવલ મંઝિલે મજકુરને પહોંચાડ્યો અને હાજર રહેલા વકીલ મહાશ્યે એક ડાઘું તરીકે મરણે ગયેલાની અંતિમ સંસ્કાર વિધિ મશાણે આટોપી! ૐ શાંતિ!

આજે સ્મશાનમાં તેની ચિતા સળગે છે અને ગામના ચોરે એક જ વાત ગુંજે છે!
“કિસી કો ભી બક્ષા નહીં જાયેગા,
ચુન ચુન કર,બિન બિન કર મારુંગા,કિસી કો ભી નહીં છોડુંગા।”

Related posts

અમેરિકન સમાજમાં વધતું વૈચારિક ધ્રુવીકરણ અને તેની વૈશ્વિક અસર – યુનાઇટેડથી વિભાજિત રાજ્યો સુધી – નીતિઓ,ઓળખ અને રોષઃ ટ્રમ્પ યુગમાં અમેરિકન રાજકારણનું બદલાતું સ્વરૂપ 

Master Admin

બોસ ઈવેન્ટ દ્વારા પ્રસ્તુત નવલી નોરતાના ગરબે ઝૂમવા થઈ જાઓ તૈયાર

Reporter1

ગ્લોબલ સ્ટાર રામ ચરણ પ્રથમ તીરંદાજી પ્રીમિયર લીગના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

Reporter1

Leave a Comment

Translate »