રૂ.૧૧.૬૪ લાખના મુદ્દામાલ સાથે ૨ શખસોની ધરપકડ
પોલીસે વિદેશી દારૂની બોટલો, મોબાઈલ અને વાહન સહિત કુલ રૂ.૧૧,૬૪,૬૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૫ ઓગસ્ટ ૨૦૨૬– અમદાવાદના સરખેજ પોલીસે બાતમીના આધારે સરખેજ-સાણંદ સર્કલ પાસેના એક ગોડાઉનમાં દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરના જંગી જથ્થા સાથે બે શખસોની ધરપકડ કરી છે. પોલીસે વિદેશી દારૂની બોટલો, મોબાઈલ અને વાહન સહિત કુલ રૂ.૧૧,૬૪,૬૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, પોલીસને બાતમી મળી હતી કે સાણંદ સર્કલ પાસે આવેલા આનંદ એસ્ટેટમાં સિગ્નેચર-૦૨ બિલ્ડીંગની પાછળના ગોડાઉનમાં દારૂનું કટીંગ ચાલી રહ્યું છે. પોલીસે ત્યાં પહોંચીને બોલેરો મેક્સ પિક-અપની તપાસ કરી હતી. વાહન ખાલી હતું, પરંતુ પાછળનું ડાલુ ખસેડીને જોતા કેબિન અને ડાલાની વચ્ચે દારૂ સંતાડવા માટે બનાવેલું એક ગુપ્ત ચોરખાનું મળી આવ્યું હતું.
ગોડાઉનમાં પણ તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીઓમાંથી કુલ ૨૬૬૮ વિદેશી દારૂની બોટલો અને ૧૪૪ બીયરના ટીન મળી આવ્યા હતા.
પોલીસે કુલ ૨૮૧૨ નંગ તેમજ બે મોબાઈલ અને બોલેરો ગાડી સહિત કુલ રૂપિયા ૧૧.૬૪ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આ દરોડા દરમિયાન પોલીસે બોલેરોના ડ્રાઈવર દિનેશકુમાર મુકનારામ બિશ્નોઈ (ઉં.વ.૨૭, રહે. સેડવા, બાડમેર, રાજસ્થાન) અને ગોડાઉન પર હાજર મોહમંદ ફરૂક અબ્દુલશાહ શાહમદાર (ઉં.વ.૩૭, રહે. જુહાપુરા, અમદાવાદ)ને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનામાં સામેલ અને માલ મંગાવનાર અન્ય બે આરોપીઓ હારૂન અબ્દુલશાહ શાહમદાર (હાલ રહે. કડી) અને સાંચોરના બાંગુડા નામના શખસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

